Kabul, તા.10
અફઘાનીસ્તાનની તાલીબાની સરકારના વિદેશમંત્રી અમીરખાન મુતાકી ભારતના ઐતિહાસિક પ્રવાસે આવ્યા છે તેવા સમયે જ પાકિસ્તાને જ અફઘાનના પાટનગર કાબુલમાં એરસ્ટ્રાઈક કરતા ખળભળાટ સર્જાયો છે. બન્ને દેશો વચ્ચે તંગદીલી વકરવાના એંધાણ છે. એરસ્ટ્રાઈકમાં કાબુલ બોંબધડાકાઓથી ધણધણી ઉઠયુ હતું.
સ્થાનિક મીડિયાના અહેવાલો અનુસાર, પાકિસ્તાન વાયુસેના દ્વારા કથિત હવાઈ હુમલાને કારણે વિસ્ફોટ થયા હતા. પાકિસ્તાની ચેનલોએ દાવો કર્યો હતો કે, હુમલાઓ તહરીક-એ-તાલિબાન પાકિસ્તાન (TTP) ઠેકાણાઓને નિશાન બનાવીને કરવામાં આવ્યા હતા.
આ ઘટના એવા સમયે બની છે જ્યારે તાલિબાનના વિદેશ પ્રધાન મૌલવી અમીર ખાન મુત્તાકી ભારતની મુલાકાતે છે. મુત્તાકીની મુલાકાતને નવી અફઘાન સરકાર અને ભારત વચ્ચે વાતચીત તરફ એક મહત્વપૂર્ણ પહેલ માનવામાં આવી રહી છે. કાર્યકારી તાલિબાન વહીવટના મુખ્ય પ્રવક્તા ઝબીહુલ્લાહ મુજાહિદે જણાવ્યું હતું કે તપાસ શરૂ કરવામાં આવી છે.
પાકિસ્તાનના સંરક્ષણ પ્રધાન ખ્વાજા આસિફે તાજેતરમાં ચેતવણી આપી હતી કે, જો અફઘાનિસ્તાનની ધરતીનો ઉપયોગ પાકિસ્તાન વિરોધી આતંકવાદી પ્રવૃત્તિઓ માટે કરવામાં આવશે તો “કડક કાર્યવાહી” કરવામાં આવશે.
આ કથિત હવાઈ હુમલો તેના થોડા દિવસો પછી જ કરવામાં આવ્યો છે. કતારમાં તાલિબાનના રાજદૂત મુહમ્મદ સુહેલ શાહીનએ એક નિવેદન બહાર પાડીને કહ્યું હતું કે, “કાબુલમાં બે વિસ્ફોટ સાંભળવામાં આવ્યા હતા, પરંતુ હજુ સુધી કોઈ જાનહાનિ થઈ નથી.”
પાકિસ્તાની મીડિયાએ દાવો કર્યો હતો કે, હુમલામાં TTP વડા નૂર વલી મહેમૂદનું મોત થયું છે. અફઘાન મીડિયા અનુસાર, હુમલા પછી, TTP વડા નૂર વલી મહેમૂદનો એક ઓડિયો રેકોર્ડિંગ સામે આવ્યું હતું જેમાં તેમણે જીવિત હોવાનો દાવો કર્યો હતો અને પાકિસ્તાન પર “ખોટો પ્રચાર” ફેલાવવાનો આરોપ લગાવ્યો હતો.
અગાઉ, પાકિસ્તાનના સંરક્ષણ પ્રધાન ખ્વાજા આસિફે ગુરુવારે અફઘાનિસ્તાનના કાર્યકારી વહીવટને ધમકીભરી ચેતવણી આપી હતી. તેમણે કહ્યું હતું કે, અફઘાનિસ્તાન તેના પ્રદેશમાં તહરીક-એ-તાલિબાન પાકિસ્તાન (TTP) ને સુરક્ષિત આશ્રય આપી રહ્યું છે.”બસ, હવે બહુ થયું.” પાકિસ્તાની સેના સતત TTP સામે કાર્યવાહી કરી રહી છે. ઓછામાં ઓછા સાત TTP આતંકવાદીઓ માર્યા ગયા હતા.
આ વિસ્ફોટ એવા સમયે થયો છે જ્યારે ભારત અને અફઘાનિસ્તાન વચ્ચેના સંબંધો સુધરી રહ્યા છે અને અફઘાનિસ્તાનના કાર્યકારી વિદેશ પ્રધાન મૌલવી અમીર ખાન મુત્તાકી નવી દિલ્હી પહોંચ્યા છે.
ઓગસ્ટ 2021 માં અફઘાનિસ્તાનમાં તાલિબાન સત્તામાં આવ્યા પછી કાબુલથી મંત્રી સ્તરના પ્રતિનિધિ નવી દિલ્હીની મુલાકાત લઈ રહ્યા છે તે આ પહેલી વાર છે. મુત્તાકીની મુલાકાત, જે લગભગ એક અઠવાડિયા સુધીની છે. તેને બંને દેશો વચ્ચે વાતચીત માટે એક નવી પહેલ તરીકે જોવામાં આવી રહી છે.