New Delhi તા.10
કેન્દ્રીય મંત્રી રામદાસ આઠવલેએ માંગ કરી કે, CJI બી. આર. ગવઈ પર જૂતું ફેંકવાનો પ્રયાસ કરનાર વ્યક્તિ સામે અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનતાતિ (અત્યાચાર નિવારણ) અધિનિયમ હેઠળ કેસ દાખલ થવો જોઈએ.
આ ઘટના એટલે થઈ કારણ કે, ઉચ્ચ જાતિના અમુક લોકો એ વાત સ્વીકાર ન કરી શક્યા કે, દલિત સમુદાયથી આવનારા ન્યાયાધીશ આટલા મોટા પદ પર પહોંચી ગયા. પ્રમુખ દલિત નેતા, સામાજિક ન્યાય અને અધિકાર રાજ્ય મંત્રી આઠવલેએ એક સંમેલનમાં કહ્યું કે, ‘આ ઘટના નિંદનીય છે.
ચીફ જસ્ટિસ પર હુમલાનો પ્રયાસ પહેલીવાર થયો છે. ભૂષણ ગવઈ દલિત સમુદાયમાંથી આવે છે અને તેમણે પોતાની યોગ્યતાના આધારે આ પદ મેળવ્યું છે. અમુક ઉચ્ચ જાતિના લોકો આ તથ્ય પચાવી નથી શકતા.
હું માંગ કરૂ છું કે, આરોપી પર એસસી/એસટી એક્ટ હેઠળ કેસ દાખલ કરવામાં આવે. કારણ કે, ગવઈ પર એટલા માટે આ હુમલાનો પ્રયાસ કરવામાં આવ્યો કારણ કે, તે દલિત છે. આ પહેલાં કોઈપણ ચીફ જસ્ટિસ પર આ પ્રકારનો હુમલો કરવામાં નથી આવ્યો.’
CJI ગવઈએ કહ્યું કે, ‘હું અને જસ્ટિસ કે. વિનોદ ચંદ્રન એ સમયે સ્તબ્ધ રહી ગયા જ્યારે એક વકીલે મારા પર જૂતું ફેકવાનો પ્રયાસ કર્યો. સોમવારે જે કંઈપણ થયું તેમાં હું અને મારા વિદ્વાન સાથી (જસ્ટિસ ચંદ્રન) ખૂબ સ્તબ્ધ છીએ. અમારી માટે આ ક્યારેય ન ભૂલી શકાય એવી ઘટના છે.’