Ahmedabad,તા.10
ગુજરાતના સમૃદ્ધ કલા વારસાને રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્તરે પ્રસિદ્ધિ મળે તથા વર્તમાન સંગીતકારોને પ્રોત્સાહન મળે તે હેતુથી રાજ્ય સરકારની બે પ્રતિષ્ઠિત સંગીત એવોર્ડ યોજનાઓ અમલમાં છે.
ગુજરાત રાજ્ય સંગીત નાટક અકાદમીની ભલામણ મુજબ સરકાર દ્વારા પંડિત જસરાજ સંગીત સન્માન એવોર્ડ અને પંડિત ઓમકારનાથ સંગીત સન્માન એવોર્ડમાં સુધારાની દરખાસ્તને મંજૂરી આપી છે.
વિશ્વપ્રસિદ્ધ શાસ્ત્રીય ગાયક પંડિત જસરાજના અપ્રતિમ યોગદાનને માન આપવા તથા નવી પેઢીના કલાકારોને પ્રોત્સાહન આપવા માટે આ એવોર્ડ અમલમાં છે. આ એવોર્ડ હેઠળ એક હયાત ભારતીય નાગરિક પુરુષ કલાકાર અને એક મહિલા કલાકારની પસંદગી કરવામાં આવશે.
પસંદગી પામનાર દરેક કલાકારને રૂ।.5.00 લાખનો પુરસ્કાર આપવામાં આવશે.બંને કલાકારોને મળીને કુલ રૂ।.10.00 લાખના પુરસ્કાર ઉપરાંત કચ્છી શાલ અને સમિતિ દ્વારા નક્કી કરાયેલ ડિઝાઇનનો તામ્રપત્ર મોમેન્ટો રૂપે એનાયત કરવામાં આવશે.
ગુજરાતના અગ્રીમ સંગીત પ્રતિભા પંડિત ઓમકારનાથ ઠાકુરના સંગીત ક્ષેત્રે અદ્વિતીય યોગદાનને માન આપવા માટે આ યોજના અમલમાં છે. આ એવોર્ડ અંતર્ગત રાષ્ટ્રીય કક્ષાએ સંગીત ક્ષેત્રે યોગદાન આપનાર બે હયાત ભારતીય નાગરિક પુરુષ કલાકારોને પસંદ કરવામાં આવશે. દરેકને રૂ— ।.5 લાખનો પુરસ્કાર, કચ્છી શાલ અને તામ્રપત્રથી સન્માનિત કરવામાં આવશે.