Surendranagar , તા.10
સુરેન્દ્રનગર જિલ્લા પુરવઠા અધિકારી અને ફુડ વિભાગની સંયુકત ટીમે વઢવાણ જીઆઈડીસીમાં આવેલ બે ઓઈલ મિલમાં ગુરૂવારે બપોરે રેડ કરી હતી. જેમાં બન્ને ઓઈલ મિલમાંથી સોયાબીન તેલના નમુના પૃથ્થકરણ માટે લેવાયા હતા. જયારે સ્ટોક રજીસ્ટર મુજબ વધુ આવેલ માલસામાન સીઝ કરી દેવાયો હતો. દિવાળીના તહેવારો અગાઉ ખાદ્યતેલની બે ફેકટરીઓમાં તંત્રના દરોડાથી તેલીયા રાજાઓમાં ફફડાટ ફેલાયો છે.
દિવાળીના સમયે ભેળસેળીયુ તેલ માર્કેટમાં મોટા પ્રમાણમાં આવી જાય છે. આ ભેળસેળીયા તેલથી લોકોના આરોગ્યને નુકશાન પહોંચે છે. ત્યારે જિલ્લા કલેકટર ડો. રાજેન્દ્રકુમાર પટેલની સુચનાથી ગુરૂવારે બપોરે જિલ્લા પુરવઠા અધિકારી એ.જી.ગજ્જર અને ફુડ વિભાગના અધિકારી પિયુષ સાવલીયાની સંયુકત ટીમોએ વઢવાણ જીઆઈડીસીમાં આવેલ તેલની મિલોમાં તપાસ હાથ ધરી હતી.
તહેવારોની સિઝન વચ્ચે સુરેન્દ્રનગર જિલ્લાના વઢવાણ GIDC (ગુજરાત ઇન્ડસ્ટ્રિયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન) વિસ્તારમાં આજે પુરવઠા અધિકારી અને ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગની ટીમો દ્વારા ખાદ્ય તેલની ફેક્ટરીઓ પર સર્વવ્યાપી દરોડા પાડવામાં આવ્યા હતા. આ દરોડાની કાર્યવાહીને પગલે સમગ્ર GIDC વિસ્તારના તેલ માફિયાઓ અને ખાદ્ય વસ્તુઓ બનાવતા ઉદ્યોગોમાં ભારે ફફડાટ ફેલાયો છે.
લોકોના આરોગ્ય સાથે ચેડાં કરવામાં આવતા હોવાની શંકાના આધારે આ કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. તપાસ ટીમોએ વઢવાણ GIDCમાં આવેલી ગાયત્રી મિલ સહિતની અનેક મિલો પર કાર્યવાહીના આદેશ આપ્યા હતા. દરોડા દરમિયાન, ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ દ્વારા ફેક્ટરીઓમાં તૈયાર થતા ખાદ્ય તેલના નમૂનાઓ લેવામાં આવ્યા છે, જેને વધુ ચકાસણી માટે લેબોરેટરીમાં મોકલવામાં આવશે.
જો આ નમૂનાઓ અપ્રમાણિત જણાશે, તો સંચાલકો વિરુદ્ધ કડક કાયદાકીય પગલાં લેવામાં આવશે. વઢવાણ GIDC વિસ્તારમાં ખાદ્ય વસ્તુઓ બનાવતા અન્ય ઉદ્યોગોમાં પણ આ સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું, જેનાથી સ્પષ્ટ થાય છે કે તંત્ર ખાદ્ય પદાર્થોની ગુણવત્તા બાબતે કોઈ બાંધછોડ કરવા તૈયાર નથી. તહેવારોમાં ભેળસેળયુક્ત ખોરાકનું વેચાણ રોકવા માટે તંત્રએ આ દરોડાની કાર્યવાહી કરી છે.
જેમાં શ્રી હરિ ઓઈલ મિલમાંથી સોયાબીન તેલના નમુના સેમ્પલીંગ અર્થે લેવાયા હતા. જયારે શ્રી હરિ ઓઈલ મિલમાં સ્ટોક રજીસ્ટર ચેક કરાતા સ્ટોકની વધ માલુમ પડી હતી. આથી જિલ્લા પુરવઠા અધિકારી દ્વારા 189.75 કિલોગ્રામ તેલ કિંમત રૂ. 26,250નું સીઝ કરી દેવાયુ હતુ. બીજી તરફ ગાયત્રી એન્ટરપ્રાઈઝમાં પણ તંત્રની ટીમે તપાસ હાથ ધરી હતી. જેમાં સોયાબીન તેલના નમુના સેમ્પલીંગ અર્થે લેવાયા હતા.
જયારે સ્ટોક રજીસ્ટરની પણ તપાસ કરવામાં આવી હતી.આ બન્ને ઓઈલ મિલમાંથી લેવાયેલ તેલના નમુના પૃથ્થકરણ માટે સરકારી લેબમાં મોકલાયા છે. જે સબ સ્ટાન્ડર્ડ જાહેર થાય તો બન્ને તેલીયા રાજાઓ પર કેસ દાખલ કરવામાં આવશે.
આગામી દિવાળીના તહેવારો સુધી તેલીયા રાજાઓ અને ભેળસેળીયા વેપારીઓ પર તંત્રની તવાઈ ચાલુ રહેનાર હોવાનું અધીકારીઓએ જણાવ્યુ હતુ. દિવાળી સમયે તંત્રની તવાઈથી ભેળસેળીયા તેલના ઉત્પાદકો અને વેપારીઓમાં ફફડાટ ફેલાયો છે.