Bhavnagar,તા.10
શહેરના ભગાતળાવ વિસ્તારમાં આવેલી ઘીની દુકાનમાં બાતમીના આધારે ભાવનગર એસઓજીએ ફુડ સેફ્ટી ઈન્સ્પેક્ટરને સાથે રાખીને રેઈડ કરી દુકાનમાંથી ભેળસેળયુક્ત શંકાસ્પદ ઘીના સેમ્પલ લઈ 210 કિગ્રા ઘીનો જથ્થો સિઝ કરવામાં આવ્યો છે.
દિવળી પૂર્વે ઘી તથા મીઠાઈઓમાં ભેળસેળ કરી લોકોના આરોગ્ય સાથે ચેડાં કરતા તત્વો સામે પોલીસ એક્શન મોડમાં હોય તેમ આજે બપોરના ૨ કલાકના અરસામાં ભાવનગર સ્પેશિયલ ઓપરેશન ગૃપે ફુડ સેફ્ટી ઈન્સ્પેક્ટરને સાથે રાખીને શહેરના વોરા બજાર નાગરપોળનો ડેલો ભગાતળાવમાં આવેલી અરિહંત ઘી નામની દુકાનમાં બાતમીના આધારે રેઈડ કરી હતી. જ્યાં ભાવેશ ગુણવંતભાઈ સાનવી (રહે.ગઢેચી વડલા) નામનો શખ્સ મળી આવ્યો હતો. જેની પુછપરછ કરતા દુકાન માલિક જતીન પુનમચંદ વોરા હોવાનું અને તે અહીં નોકરી કરતો હોવાનું જણાવ્યું હતું. આ દુકાનમાંથી એસઓજીને મોટા પ્રમાણમાં ઘીનો જથ્થો મળી આવ્યો હતો. જે જથ્થો શંકાસ્પદ અને ભેળસેળ યુક્ત જણાતા ૧૪ કિગ્રાના ૧૫ નંગ ડબ્બામાં રાખેલા કુલ ૨૧૦ કિગ્રા ઘીના જથ્થાના સેમ્પલ ફુટ સેફ્ટી ઈન્સ્પેક્ટરે લઈ શંકાસ્પદ ઘીનો જથ્થો સિઝ કર્યો હતો.