Surendranagar,તા.10
સુરેન્દ્રનગર મહાનગરપાલિકામાં વર્ષોથી ૧૫૦ કાયમી તેમજ અન્ય ૩૫૦થી વધુ સફાઈ કામદારો, ડ્રાઇવરો ફરજ બજાવી રહ્યાં છે પરંતુ છેલ્લા ઘણા સમયથી મનપા તંત્ર દ્વારા સફાઈ કામદારોના પડતર પ્રશ્નોનો કોઈ ઉકેલ આવ્યો નથી.
જેમાં વસ્તી મુજબ સફાઈ કામદારોનું મહેકમ ૧૦૦૦ જેટલું કરવું, કોન્ટ્રાક્ટ બેઈઝ સફાઈ કામદારોને લઘુતમ વેતન મુજબ પગાર ચૂકવવો અને કોન્ટ્રાક્ટ પ્રથા નાબૂદ કરવી, છેલ્લા ૧૫ વર્ષથી ફરજ બજાવતા કોન્ટ્રાક્ટ બેઈઝ સફાઈ કામદારોને કાયમી કરવા, પાર્ટ ટાઇમ સફાઈ કામદારોને ફૂલ ટાઇમ કરવા, સરકારના પરિપત્ર મુજબ દૈનિક ભથ્થું ચૂકવવું, છૂટા કરેલા ૬૦થી વધુ સફાઈ કામદારોને કામ પર પરત લેવા, દિવાળીના તહેવારને ધ્યાને લઈ કોન્ટ્રાકટર દ્વારા બોનસ ચૂકવવું, કાયમી સફાઈ કામદારોને ૦૭માં પગાર પંચનો લાભ આપવો સહિતની તમામ માંગો અંગે અનેક વખત મનપા તંત્રને રજૂઆત કરવા છતાં કોઈ જ ઉકેલ આવ્યો નથી. ત્યારે તમામ પડતર પ્રશ્નોનો તાત્કાલિક ઉકેલ લાવવાની માંગ સાથે ગુજરાત રાજ્ય કર્મચારી સંઘના મયુરભાઈ પાટડિયા સહિતનાઓ દ્વારા મનપા કમિશનરને લેખિત રજૂઆત કરવામાં આવી હતી અને આગામી દિવસોમાં મનપા તંત્ર દ્વારા પડતર માંગોનો ઉકેલ લાવવામાં નહીં આવે તો આગામી દિવસોમાં પ્રતીક ધરણા, ઉપવાસ, હડતાળ સહિતના કાર્યક્રમો આપવાની પણ ચીમકી ઉચ્ચારવામાં આવી છે.