Junagadh તા.10
જુનાગઢ રેન્જના પોલીસ મહા નિરીક્ષક નીલેષ જાજડીયા, પોલીસ અધિક્ષક સુબોધ ઓડેદરાએ ગંભીર ગુન્હાઓમાં સંડોવાયેલા અતિભારે માથાભારે શખ્સો સામે કડક કાર્યવાહી કરી ગુજસીટોકનો ગુન્હો નોંધવાની તાકીદ કરતા જુનાગઢ ક્રાઈમ બ્રાંચે જીલ્લાના પાંચ શખ્સો સામે ગઈકાલે તાલુકા પોલીસમાં ફરીયાદ દાખલ કરી છે.
આ ગુનામાં સંડોવાયેલા આરોપીઓ ભાવેશ ઉર્ફે ભાવીન ખોડા બઢ રે. સરગવાડા (જુનાગઢ) કરશન ગલા મોરી રે. ગાંધીગ્રામ ધરમ અવેડા પાસે જુનાગઢ, દિલીપ ઉર્ફે દીલા ભગા છેલાણા રે. ગાંધીગ્રામ સીંધી સોસાયટી જુનાગઢ, નિલેષ ઉર્ફે નીલુ ખોળા બઢ રે. સરગવાડા જુનાગઢ, અને જાદવ ઉર્ફે લાખો સાંગા હુણ રે. કોયલી (વંથલી) વાળાઓ સામે જુનાગઢ, જુનાગઢ ગ્રામ્ય, વંથલી- મેંદરડા, બીલખા વિગેરે વિસ્તારોમાં ખૂન, ખૂનની કોશીષ, ખંડણી, લૂંટ, અપહરણ, હથીયાર ધારા, ખાનગી મિલ્કતોને નુકશાન સહિતના વિવિધ ગુન્હાઓમાં સંડોવાયેલી આ ટોળકી સામે ગુજસીટોકની કલમ નીચે જુનાગઢ તાલુકામાં ગુન્હાઓ દાખલ કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.
આ બનાવની તપાસ નાયબ પોલીસ અધિકારી (ઈન્ચાર્જ) રવિરાજસિંહ પરમારે હાથ ધરી છે. એક સાથે પાંચ સામે ગુજસીટોકનો ગુન્હો દાખલ કરાતા અસામાજીક તત્વોમાં ફફડાટ વ્યાપી જવા પામ્યો છે.
જુનાગઢ એસપી સુબોદ ઓડેદરાના જણાવ્યા મુજબ ગમે તેવા ચમરબંધીને ગુજસીટોકના કાયદામાં ફીટ કરી કાયદાનું પુરે પુરૂ ભાન કરાવી દેવામાં આવશે. આવા તત્વોથી કોઈ લોકોએ ડરવાની જરૂરત નથી. ફરીયાદ કરવા આગળ આવે તેવું જણાવાયું છે.
એસપી ઓડેદરાના જણાવ્યા મુજબ આ ટોળકીનો સાગ્રીત કરશન ગલા મોરીને હસ્તગત કરી લેવાયો છે. બાકીના ચારને પકડવાની તજવીજ ચાલુ છે 10 વર્ષમાં આ ટોળકી સામે 48 ગુન્હાઓ નોંધાયા છે જેમાં સરગવાડાના ભાવેશ ઉર્ફે ભાવીન બઢ સામે 10, કરશન ગલા મોરી સામે 8, દીલીપ ઉર્ફે દીલા છેલાણા સામે 7, નિલેષ ઉર્ફે નીલુ બઢ સામે 10, જાદવ ઉર્ફે લાખા હુણ સામે 9 ગુન્હાઓ નોંધાયા છે. જુનાગઢ જીલ્લામાં વધુ એક ટોળકી સામે ગુજસીટોક હેઠળ ગુન્હો દાખલ કરવામાં આવ્યો છે.