Junagadh તા.10
માણાવદર પોલીસ સ્ટેશન નીચેના સરાડિયા ગામે બસ સ્ટેશન પાસેના પેટ્રોલ પંપ સામે અજાણ્યા ટ્રેકટર ચાલકે સુતેલા પરીવાર ઉપર ટ્રેકટર ચડાવી દેતા ઘરના મોભી યુવાનને કચડી નાખતા કમકમાટીભર્યુ મો નિપજયું હતું.
આ અંગેની વિગત મુજબ ફરીયાદી મનીષાબેન કિશોરભાઈ કાનાભાઈ પરમાર (સલાટ) તેમના નાના બે બાળકો સાથે બે પાંચ દિવસ પહેલા સરાડિયા બસ સ્ટેશન પાસે આવેલા. એસ.આર. પેટ્રોલ પંપની બાજુમાં ઝુંપડુ વાળીને રહેતા હતા અને બંગડીનો ધંધો કરતા આ પરીવાર બુધવારની રાત્રીના સુતા હતા.
ત્યારે ગઈકાલે વહેલી સવારે 5-30ના સુમારે ખેતરમાં આવેલા ટ્રેકટર ચાલકે ટ્રેકટર રીવેશમાં લેતા સુતેલા પરીવાર ઉપર ચડી જતા કિશોરભાઈ કાનાભાઈ પરમાર (ઉ.26) ઉપર તોતીંગ વીલ્લ ફરી વળતા મોત નીપજયું હતું. મળતી વિગત મુજબ પથ્થર ભરેલા ટ્રેકટર ચાલક ભાગી છુટયો હતો.
બનાવ અંગેની જાણ થતા પત્નિ મનીષાબેન અને બન્ને બાળકો રાડારાડ કરી કલ્પાંત કરતા ગમે તેવા પાસણ હૃદય વાળાનું હૈયુ હચમચી ઉઠે તેવા દ્રશ્યો સર્જાયા હતા. બંગળીઓ વહેંચી ગુજરાન ચલાવતા પરીવારના મોભીએ અનંતની વાટ પકડી લેતા શ્રમજીવી પરીવાર પર વીજળી પડી હોય તેવું જોવા મળી રહ્યું હતું.
બનાવની ફરીયાદ મૃતકના પત્નિ મનીષાબેન કિશોરભાઈ (ઉ.25)એ નોંધાવતા માણાવદર પીએસઆઈ એ.પી. ડોડીયાએ તપાસ હાથ ધરી છે. આ ટ્રેકટર કોનુ હતું કોણ ડ્રાઈવર હતો તેની તપાસ હાથ ધરવામાં આવી રહી છે.