Ahmedabad, તા.10
રાજકોટ જીલ્લાના ગોંડલ ખાતે રહેતા રાજકુમાર જાટ નામના એક યુવાનનું ગત માર્ચ મહિનામાં રહસ્યમય સંજોગોમાં મરણ થવાના કેસમાં સીબીઆઇને તપાસ સોંપવા માટેનો આ એક યોગ્ય કેસ હોવાનું ઠરાવીને ગુજરાત હાઇકોર્ટે રાજકોટ સિવાયના જીલ્લાના ત્રણ પોલીસ સુપ્રીન્ટેન્ડન્ટના નામ સૂચવવા માટે રાજ્ય સરકારને આદેશ કર્યો હતો.
આ કેસ અકસ્માતે હોવાનું હોવા બાબતે રાજ્ય સરકારના વકીલ દ્વારા દલીલો કરવામાં આવતા હાઇકોર્ટે સ્પષ્ટ કહ્યું હતું કે જો તમા આ જ વલણ રહ્યું તો આ કેસ સીબીઆઇને તબદીલ કરવા યોગ્ય કેસ જ છે. હું મારી આંખો બંધ ના કરી શકું.
બીજી બાજુ હાઇકોર્ટે આ કેસ પેન્ડીંગ રાખવાનું વલણ અપનાવ્યું હતું. તેનો મતલબ એ થયો કે તપાસ દરમિયાન પણ હાઇકોર્ટ આ કેસ ઉપર નજર રાખી શકે છે. ગુરૂવારે કોર્ટના કામકાજના અંત પહેલા થયેલી સુનાવણી દરમિયાન જસ્ટીસ એચ. ડી. સુથારે ફોરેન્સીક રિપોર્ટ અને પોસ્ટ મોર્ટમ રિપોર્ટ યોગ્ય નહી હોવાનો અને શંકાસ્પદ હોવાનો મત વ્યક્ત કર્યો હતો.
આ ઉપરાંત યુવાનને થયેલી એટલું જ નહિ આ બધા રિપોર્ટના આધારે અકસ્માતે જ મરણ થયું હતું તેવા મત ઉપર પોલીસ કેવી રીતે પહોંચી ગઇ તેવું અવલોકન કર્યું હતું. આ સાથે ફોરેન્સીક પોસ્ટ મોર્ટમનો રિપોર્ટ પણ જામનગર, વડોદરા કે અન્ય કોઇ મેડિકલ કોલેજના એક્સપર્ટ ડોક્ટર્સની પેનલ દ્વારા કરાવવા માટે હાઇકોર્ટે સુચન કહ્યું હતું.
કેસની વિગતો મુજબ ગત માર્ચ મહિનામાં રોજ ગોંડલના રહેતા રતનલાલ જાટના પુત્ર રાજકુમાર જાટ ગુમ થઇ ગયો હતો. તે બાબતની ફરિયાદ નોંધાવી હતી. આ દરમિયાન એવો આક્ષેપ કરવામાં આવ્યો હતો કે તેઓ બન્ને ગોંડલના ધારાસભ્ય ગીતા બા જાડેજાના ઘર પાસેથી પસાર થઇ રહ્યા હતા ત્યારે તેમના પુત્ર ગણેશ જાડેજા અને તેમના પુત્રએ બન્નેને અંદર બોલાવ્યા હતા અને રાજકુમારને ઢોર માર માર્યો હતો.
આથી તેનું મરણ થયું હતું. જો કે ઘટનાના એક સપ્તાહ બાદ રાજુમારનું મરણ થયું હોવાનું પોલીસ તપાસમાં બહાર આવ્યું હતું અને તેની લાશ રાજકોટના શબગૃહમાં રાખવામાં આવી હતી. પોલીસે તારણ કાઢ્યું હતું કે, કુવાડવા નજીક બસ અકસ્માતથી રાજકુમારનું મરણ થયું હતું.
જો કે તેની ફોરેન્સીક પોસ્ટ મોર્ટમ રિપોર્ટમાં મરણ પહેલાની ઇજાઓ અને ગુદાના ભાગે સળીયા જેવો બોથડ પદાર્થ નાખીને ઇજા પહોંચાડી હોય તેવો ખુલાસો થયો હતો. આથી રતનલાલ જાટ દ્વારા ગુજરાત હાઇકોર્ટમાં પિટિશન કરીને રજૂઆત કરાઇ હતી કે, આ કેસમાં એમએલએ જેવા માથાભારે અને વગદાર લોકો સંકળાયેલા છે. આ પ્રકારની ઇજા અકસ્માતથી થઇ શકે જ નહી અને આ હત્યાનો સ્પષ્ટ કેસ છે તેવી રજૂઆત કરાઇ હતી.
આ કેસ ગુજરાત હાઇકોર્ટમા સુનાવણી અર્થે આવતા કેસની હકીકતોને ધ્યાનમાં લઇને જસ્ટીસ એચ. ડી. સુથારે આ પ્રકારના કેસમાં તપાસ બાબતે અણિયાળા અને સ્પષ્ટ પ્રશ્નો કરતા સરકારી વકીલને જવાબ આપવા ભારે પડી જાય તેવી સ્થિતી ઉત્પન્ન થઇ હતી. હાઇકોર્ટે સ્પષ્ટ રીતે પ્રશ્ન કર્યો હતો કે, જો રાજકુમાર જાટનું મરણ 9 માર્ચ, 2025ના રોજ થયું હતું તો છેક 15 માર્ચના રોજ અકસ્માતની ફરિયાદ કેમ નોંધવામાં આવી?
બીજી બાજુ અરજદાર પક્ષના વકીલ દ્વારા રજૂઆત કરાઇ હતી, મરનારના ગુદાના ભાગે ઇજા છે અને મરણ પહેલાની 42 ઇજાઓ બતાવવામાં આવી છે તેનું શું? હાથમાં ચકામા છે તો અકસ્માતમાં આવી ઇજા કેવી રીતે થાય?
બીજી બાજુ હાઇકોર્ટે અકસ્માતના કેસમાં તૈયાર કરવામાં આવેલા મરનારના એફએસએલ રિપોર્ટ અને પોસ્ટ મોર્ટમ રિપોર્ટ બાબતે પણ પુછપરછ કરીને યોગ્ય નહિ હોવાનો ઉલ્લેખ કર્યો હતો. કોર્ટે આરટીઓનો અને બસનો મિકેનીકલ રીપોર્ટ પણ માંગ્યો હતો અને ટકોર કરી હતી કે, બસમાં જે નુકસાન થયું હોય તે માણસના અથડાવવાથી કે પ્રાણીના અથડાવવા બાબતના નુકસાન અલગ-અલગ હોઇ શકે છે.
આવા ગભીર પ્રકારના કેસમાં તો આરટીઓનો મીકેનકલ એક્ઝામીશનનો રિપોર્ટ હોવો જોઇએ. કોર્ટે એફએસએલના રિપોર્ટ બાબતે પણ સવાલો કર્યા હતા. આ બાબતે સરકારી વકીલે જણાવ્યું હતું કે, એફએસએલ રિપોર્ટ બાબતે અમારા હાથ બંધાયેલા છે. તેના જવાબમાં હાઇકોર્ટે ટકોર કરી હતી કે, આના ઉપરથી લાગે છે કે તપાસ અધિકારી ઉપર કઇ હદ સુધીનું દબાણ હશે.
આ રિપોર્ટ પણ રહસ્ય ઉપજાવનારો છે. ત્યારબાદ કોર્ટે કેસની સુનાવણી આગામી દિવસોમાં રાખીને ત્રણ એસપી કક્ષના આધિકારીઓના નામ આપવાનું જણાવ્યું છે અને આ બાબતે અરજદારને પણ અધિકારીના નામ બાબતે તક આપવામાં આવશે.