Washington, તા.10
ટેરિફ વોર વચ્ચે હવે અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે વ્યક્તિગત પ્રતિબંધો મુકવાનું શરૂ કર્યુ છે. ઈરાનના ક્રુડ વેપારમાં મદદગારી બદલ 3 ભારતીય સહિત 50થી વધુ કંપનીઓ પર પ્રતિબંધ જાહેર કર્યા છે.
ઈરાનના ક્રુડ-ગેસના વેપાર તથા તેના માટે જહાજો પુરા પાડતા દુનિયાના 50 જેટલા લોકો-કંપનીઓ પર પ્રતિબંધ મુકાયા છે તેમાં ત્રણ ભારતીયોનો સમાવેશ થાય છે. આ કંપનીઓ ઈરાનના એનર્જી પ્રોડકટના વેચાણમાં સામેલ છે.
તેનાથી અબજો રૂપિયાની આવક થઈ રહી છે અને તેના દ્વારા આ નાણાં ત્રાસવાદીઓને અપાતા હોવાથી અમેરિકા માટે ખતરો સર્જાય છે. ઈરાનની આર્થિક કમાણી તોડવા માટે આ કદમ ઉઠાવવામાં આવ્યું છે.
અમેરિકાની ફોરેન એસેટ કંટ્રોલ ટ્રેઝરી ઓફિસના સતાવાર પરિપત્ર મુજબ ભારતના વરૂણ પુલા, સોનિયા શ્રેષ્ઠા તથા ઈયાપ્પન રાજા પર આ પ્રતિબંધો લાગુ પડે છે.
વરૂણ પુલા બર્થા શીપીંગ નામની કંપની ધરાવે છે.
તેના દ્વારા ચાર મીલીયન બેરલ ઈરાની ક્રુડનું પરિવહન કરાયુ હતું. ઈયાપ્પન રાજા ઈવી લાઈન્સ નામની કંપની ધરાવે છે અને ઈરાની ગેસનુ પરિવહન કરે છે. સોનિયા શ્રેષ્ઠા વેગાસ્ટાર શીપ મેનેજમેન્ટ નામની કંપની ધરાવે છે અને ઈરાની ગેસના પરિવહનમાં સામેલ છે.
ટ્રમ્પ તંત્રના ઓર્ડર મુજબ અમેરિકામાં તેઓની તમામ સંપતિ તથા અન્ય હિતો ટાંચમાં આવી જશે. આ પ્રતિબંધોના ભંગ બદલ સિવિલ-ક્રિમીનલ પેનલ્ટીની જોગવાઈ છે.