New Delhi, તા.10
જેલમાં રહેલા કેદીઓને ચુંટણીઓમાં મતદાનના અધિકાર મુદે આજે સુપ્રીમકોર્ટે ભારત સરકાર તથા ચુંટણીપંચને નોટીસ આપીને અન્ડર ટ્રાયલ તથા અન્ય કેદીઓ કે જેને હજુ સજા થઈ નથી તેને મતદાનનો અધિકાર આપવા માટે શા માટે જેલની અંદર મતદાન મથક ઉભા ન કરાઈ તે અંગે જવાબ આપવા જણાવ્યું છે.
ચીફ જસ્ટીસ બી.આર.ગવઈની ખંડપીઠે સુનીતા શર્મા નામના એક ધારાશાી કે જે પ્રશાંત ભૂષણ વતી રજુ થયા હતા તેની રીટ પર આ નોટીસ આપી છે. લોકપ્રતિનિધિત્વ ધારા 1951ની કલમ 62(5) મુજબ કોઈપણ વ્યક્તિ જેલમાં હોય તેને મતદાનનો અધિકાર મળતો નથી પછી તે અન્ડર ટ્રાયલ હોય કે હજુ દોષિત જાહેર ન થયા હોય અને સજા ફટકારવામાં આવી ન હોય તેને પણ મતદાનનો અધિકાર મળતો નથી.
સર્વોચ્ચ અદાલત સમક્ષ આ પ્રકારના પુર્ણ પ્રતિબંધને પડકારવામાં આવ્યો છે અને મતદાનનો અધિકાર દરેક નાગરિકને છે અને તે ફકત લોકપ્રતિનિધિત્વ ધારાની એક કલમથી છીનવી શકાય નહી.
જેથી સુપ્રીમકોર્ટ સમક્ષ થયેલી અરજીમાં અન્ડર ટ્રાયલ સહિતના કેદીઓ કે જેને સજા જાહેર થઈ નથી તેમને પોસ્ટલ બેલેટથી કે જેલની અંદર મતદાન મથક ઉભુ કરીને મતદાનનો અધિકાર આપવા માંગણી થતા જ સર્વોચ્ચ અદાલતે આ અંગે કેન્દ્ર સરકારને નોટીસ ફટકારી છે.