Rajkot, તા. 10
મહાપાલિકા ભાજપમાં ચાલતા મતભેદો અવારનવાર સપાટી પર આવે છે. સાંસદ રામભાઇ મોકરીયા અને શાસકો વચ્ચે મનમેળ થઇ ગયો છે. સ્ટે.કમીટીમાં સભ્ય નેહલ શુકલ સીધી અને સ્પષ્ટ ચર્ચા કરતા આવ્યા છે ત્યારે આજે ભાજપ સંકલન બાદ મેયર નયનાબેન પેઢડીયા અને રાજકોટ-69ના ધારાસભ્ય ડો.દર્શિતાબેન શાહ વચ્ચે તડાફડી બોલી જતા ભાજપના અન્ય કોર્પોરેટરોએ વચ્ચે પડીને મામલો શાંત પાડવો પડયો હતો. આજે સાંજે રેસકોર્સમાં સ્વદેશી મેળાનું ઉદઘાટન છે ત્યારે ઉદઘાટક તરીકે નામ નકકી કરવા બાબતે આ બે મહિલા નેતાઓ વચ્ચે ગરમાગરમી થઇ ગયાનું બહાર આવ્યું છે.
આજે સ્ટે.કમીટીની મીટીંગ પૂર્વે ભાજપ પ્રમુખની હાજરીમાં સંકલનની મીટીંગ મળી હતી. તેમાં લાંબી ચર્ચાઓ બાદ બેઠક પૂરી થતા કોર્પોરેટરો મીટીંગ હોલ બહાર નીકળતા હતા. આજે સાંજે કોર્પો. દ્વારા રેસકોર્સ મેદાનમાં સ્વદેશી મેળાનું ઉદઘાટન રાજકોટ-70ના ધારાસભ્ય રમેશભાઇ ટીલાળાના હસ્તે રાખવામાં આવ્યું છે. હવે આ ઉદઘાટક તરીકેનું નામ વિવાદનું કેન્દ્ર બન્યું હતું.
હાજર કોર્પોરેટરોના જણાવ્યા મુજબ રેસકોર્સના આ સ્વદેશી મેળાનું ઉદઘાટન પોતાના હસ્તે થવું જોઇએ તેવો મત ડો.દર્શિતાબેન શાહે વ્યકત કર્યો હતો. આ સામે મેયરે એવું કહ્યું હતું કે, રેસકોર્સ મેદાનમાં યોજાતા મોટા કાર્યક્રમોને કોઇ વિધાનસભા મત વિસ્તારો સાથે જોડવા ન જોઇએ. ચારે ધારાસભ્ય, બે સાંસદ સહિતના પદાધિકારીઓને મનપા ઉદઘાટક તરીકે આમંત્રણ આપતી હોય છે.
આ મામલે બંને મહિલા નેતા વચ્ચે લાંબી ચર્ચા થઇ ગઇ હતી. ભાજપ સંકલનમાં જે રીતે ભુતકાળમાં તડાફડીઓ બોલી છે તે રીતે સંકલન બાદ બે મહિલા પદાધિકારી વચ્ચે રકઝક થઇ ગઇ હતી. જોકે અન્ય કોર્પોરેટરોએ મામલો શાંત પાડયા બાદ બંને નેતા નીકળી ગયા હતા. આ વાત ત્યાં જ પૂરી થઇ ગઇ હતી. પરંતુ આ ઘટનાના પડઘા પડયા વગર રહ્યા નથી મેયર તથા ધારાસભ્ય વચ્ચેનો આ ડખ્ખો ખુણા ખુણા સુધી ચર્ચામાં આવી ગયો હતો.
આ અંગે મેયર નયનાબેન પેઢડીયાનો સંપર્ક કરતા તેમણે જણાવ્યું હતું કે, મહાપાલિકા દ્વારા અવારનવાર આવા કાર્યક્રમો યોજાતા હોય છે. રેસકોર્સ મેદાન કોઇ એક મત વિસ્તારનું ગણવામાં આવતું નથી. તમામ ધારાસભ્યોને અવારનવાર કાર્યક્રમોના ઉદઘાટક તરીકે બોલાવવામાં આવતા જ હોય છે. તેમના માટે ઉદયભાઇ, દર્શિતાબેન, રમેશભાઇ, મંત્રી ભાનુબેન, સાંસદ પરસોતમભાઇ, રામભાઇ બધા એક સમાન છે. જે તે વિસ્તારમાં જે તે ચોકકસ નેતાના હાથે જ ઉદઘાટન કરવામાં આવે તેવો આગ્રહ કોઇ કરતું નથી. આ વાત તેઓએ સમજાવવા પ્રયત્ન કર્યો હતો.
વધુમાં નિષ્ઠાવાન મેયર નયનાબેને કહ્યું હતું કે, અમે પાર્ટીમાં બુથ લેવલે કામ કરેલ છે. સંગઠનમાં તેઓએ લાંબો સમય કામ કરેલું છે. બધાને સાથે લઇને ચાલવાના ગુણ તેઓએ સંઘમાંથી શીખ્યા છે. આજે સ્વદેશી મેળાનું ઉદઘાટન રાખવામાં આવ્યું છે. પુરા રાજકોટ માટેનો આ કાર્યક્રમ છે. આજે તેમની તબિયત નાદુરસ્ત હોવા છતાં મનપાએ આવ્યા હતા અને વડાપ્રધાનના સ્વદેશી વિચારને આગળ ધપાવવા તેઓ રેસકોર્સના કાર્યક્રમમાં પણ હાજર રહેવાના છે.
તેમને કાર્યકર અને નેતા સૌ માટે સરખુ માન છે. સૌને સન્માન આપવા કાયમ પ્રયત્ન કર્યા છે. તેમને આડે આવનારા લોકોને પણ કયારેય આડે આવવા પ્રયત્ન કર્યો નથી. આ સંજોગોમાં આવી કોઇ વાત વધારવાની જરૂર ન હતી. ભવિષ્યમાં પણ ચારે ધારાસભ્યો સાથે તેઓ સંકલનથી કામ કરતા રહેશે.
આ અંગે ડો.દર્શિતા શાહનો સંપર્ક કરતા તેમણે કહ્યું હતું કે, સ્વદેશી મેળાના ઉદઘાટક મામલે તેમણે માહિતી મેળવી હતી. કોઇ માથાકુટ કે રકઝક થઇ નથી. રેસકોર્સમાં કાર્યક્રમના ઉદઘાટકના નામ અંગે તેમણે મેયર સાથે ટુંકી ચર્ચા કરી છે. બાકી કોઇપણ નેતાના હસ્તે ઉદઘાટન થાય તેમાં પોતે વાંધો લીધો નથી.