New Delhi, તા.14
દિવાળીના તહેવારો પુર્વે ચાંદીમાં અછત ઉભી થઈ છે અને તેને કારણે ભારતમાં તેની કિંમત વૈશ્વિક ભાવ કરતા 10 ટકા પ્રિમીયમમાં બોલાય રહી છે. ફિઝીકલ ડિલીવરી આધારિત એકસચેંજ ફંડોએ નવા સબસ્ક્રીપ્શન બંધ કરી દીધા છે. ધનતેરસ-દિવાળીના તહેવારોની સંભવિત મોટી માંગ સામે સપ્લાય જાળવવા જવેલર્સોને મુશ્કેલી છે.
વૈશ્વિક ભાવ કરતા ભારતમાં ચાંદીની કિંમત 10 ટકા ઉંચી છે. વાસ્તવમાં છેલ્લા ચાર વર્ષથી વૈશ્વિક સ્તરે ચાંદીમાં સપ્લાય કરતા ડીમાંડ વધુ હતી. પરંતુ આગલા વર્ષોના સરપ્લસ સ્ટોકને કારણે ખાસ વાંધો આવતો ન હતો. 2025માં પણ ડીમાંડ-સપ્લાય મોરચે ખાધ રહી. ઔદ્યોગીક વપરાશ વધતા ખેંચ તીવ્ર બનવા લાગી હતી. રીન્યુએબલ એનર્જી તથા હાઈટેક ક્ષેત્રમાં ડીમાંડ સતત વધી રહી છે.
ડીમાંડ-સપ્લાય વચ્ચેની ખાધ વધતા અને ભાવ ઉંચકાતા ઈન્વેસ્ટરો પણ મેદાને પડયા હતા. પરિણામે તેજી રોકેટ ગતિની થઈ હતી. સિકકા, ચોરસા, ઈટીએમ મારફત ફીઝીકલ ચાંદીમાં રોકાણ ખૂબ વધી જતા કિંમત નવી-નવી ટોચ બનાવી રહી છે.
ચાંદીનો સૌથી વધુ વપરાશ ધરાવતા ભારતમાં ચાંદીના વાસણોથી માંડીને આર્ટીકલ્સ-જવેલરી વગેરેમાં મોટો ઉપયોગ છે. ઉપરાંત સોલાર એનર્જીથી માંડીને ઈલેકટ્રોનિકસમાં ઉપયોગ છે. ભારત કુલ વપરાશના 80 ટકા આયાત પર નિર્ભર છે.
વર્ષ 2025ના પ્રથમ આઠ માસમાં ભારતમાં ચાંદીની આયાત 42 ટકા ઘટીને 3302 ટન થઈ હતી. જયારે ઈન્વેસ્ટમેન્ટ રેકોર્ડ સ્તરે પહોંચ્યુ હતું. 2024નો સરપ્લસ સ્ટોક ખાલી થઈ ગયો હતો. પરિણામે અછત વકરી હતી. ડીમાંડને પહોંચી વળવા આયાત વધારવાનુ જરૂરી બન્યુ હતું.
ચાંદીના ભાવમાં અત્યારે પરીસ્થિતિ એવી છે કે વાયદા કરતા કેશ માર્કેટમાં ઘણો ઉંચો ભાવ બોલાય રહ્યો છે. આયાત કરતી બેંકોને તડાકો છે. ચાંદીના એકસચેંજ ટ્રેડેડ ફંડમાં માત્ર સપ્ટેમ્બરમાં જ 53.42 અબજ રૂપિયાનુ રોકાણ થયુ હતુ.
નિયમો મુજબ ફીઝીકલ ઈટીએફના મામલે ફંડો એ ફિઝીકલ ફોર્મમાં ચાંદીનો સ્ટોક જાળવવાનો ફરજીયાત છે. ફંડોને પણ સ્ટોક એક્ત્રીત કરવા જંગી પ્રીમીયમ ચુકવવુ પડયુ હતું. નવા ગ્રાહકો પર તેનો બોજ પડી શકે એટલે નવુ સબસ્ક્રીપ્શન બંધ કરી દેવામાં આવ્યુ હતુ.