New Delhi,તા.14
માત્ર ભારત જ નહીં પરંતુ દુનિયાનાં તમામ દેશો મોબાઈલના વ્યસન સામે ઝઝૂમી રહ્યાં છે. સોશિયલ મીડિયાએ દરેકને કબજે કરી લીધું છે. ચીનમાં સ્માર્ટફોનનું વ્યસન સૌથી વધુ છે. આ વર્ષે હાથ ધરવામાં આવેલાં એક અભ્યાસમાં, તેને 36.16 પોઇન્ટ મળ્યાં (10 થી 60 ના સ્કેલ પર).
આ પછી સાઉદી અરેબિયા, મલેશિયા, બ્રાઝિલ, દક્ષિણ કોરિયા, ઇરાન અને કેનેડા જેવાં દેશો આવે છે. આ માહિતી એક વૈશ્વિક અભ્યાસનાં આધારે જાહેર કરવામાં આવી છે, જેમાં 41 દેશોના ડેટાનું વિશ્લેષણ કરવામાં આવ્યું હતું.
આ અભ્યાસમાં ભારતનો સ્માર્ટફોન વ્યસન સ્કોર 32.38 હતો, જે 41 દેશોમાં 13મા ક્રમે છે. જો આપણે કારણોમાં જઈએ, તો ચીનમાં ઇન્ટરનેટ નેટવર્ક એટલું વ્યાપક છે કે નાના ગામમાં પણ ઇન્ટરનેટની સરળ મળી શકે છે.
આ સિવાય ડૌયિન (ટિકટોકનું ચાઇનીઝ વર્ઝન), વીચેટ, બિલિબિલી જેવા પ્લેટફોર્મ ખૂબ જ આકર્ષક સામગ્રી પ્રદાન કરે છે. આ જ અભ્યાસમાં કહેવામાં આવ્યું છે કે પુરુષોની તુલનામાં મહિલાઓમાં સ્માર્ટફોનનું વ્યસન વધુ હોવાનું જાણવા મળ્યું હતું એવું પણ જોવા મળ્યું હતું કે ઉંમર વધવાની સાથે આ વ્યસન ઘટતું જાય છે.
ફિલિપાઇન્સમાં સ્ક્રીન ટાઇમ 5ઃ31 કલાક છે અને ભારતમાં..
અન્ય એક અભ્યાસ બતાવે છે કે ફિલિપાઇન્સમાં લોકો તેમનાં સ્માર્ટફોન પર દરરોજ સરેરાશ 5 કલાક અને 31 મિનિટ વિતાવે છે, જે અન્ય કોઈ પણ દેશ કરતાં વધુ છે. થાઇલેન્ડ અને ચીન જેવા દેશોમાં પણ સરેરાશ સ્ક્રીન ટાઇમ 5 કલાકથી વધુ છે. ભારતમાં લોકો તેમનાં સ્માર્ટફોન પર દરરોજ સરેરાશ 4.77 કલાક (287 મિનિટ) વિતાવે છે.
ભારતની સ્થિતિ
ભારતમાં સ્માર્ટફોનના વ્યસન અંગે કોઈ વિગતવાર ડેટા નથી. જો કે, કેટલાક અભ્યાસો અને સર્વેક્ષણો સૂચવે છે કે આ સમસ્યા વધી રહી છે, ખાસ કરીને યુવાનો અને વિદ્યાર્થીઓમાં. એક અહેવાલ (2024) અનુસાર, ભારતમાં લોકો સ્માર્ટફોન પર દિવસમાં લગભગ 5 કલાક વિતાવે છે.
જેમાં લગભગ 70 ટકા સમય સોશિયલ મીડિયા, ગેમિંગ અને વિડિઓ સામગ્રી પર વિતાવે છે. એક અભ્યાસમાં જાણવા મળ્યું છે કે લગભગ 40 ટકા તબીબી વિદ્યાર્થીઓ સ્માર્ટફોનના વ્યસનથી પ્રભાવિત છે.
તેમાંના મોટાભાગના તેનો ઉપયોગ મુખ્યત્વે મનોરંજન માટે કરે છે. સૌથી ખરાબ બાબત એ છે કે બાળકોમાં આ વ્યસન ઝડપથી વધી રહ્યું છે. માતા-પિતાની ચિંતા એટલી હદે વધી ગઈ છે કે તેઓએ મનોચિકિત્સકોની મદદ લેવી પડી છે.