New Delhi તા.14
કર્મચારી ભવિષ્ય નિધિ સંગઠનની કેન્દ્રીય ટ્રસ્ટ બોર્ડની બેઠકમાં કર્મચારીઓને રાહત આપતા અનેક મહત્વના નિર્ણયો લેવાયા હતા જે અંતર્ગત હવે પીએફ ખાતામાંથી બધા પ્રકારના ઉપાડ માટે ઓછામાં ઓછો સમયગાળો ઘટાડીને હવે 12 મહિના કરવામાં આવ્યો છે.
અગાઉ આંશિક ઉપાડ માટે ઓછામાં ઓછો સમયગાળો પાંચ વર્ષ અને લગ્ન પ્રસંગ માટે ઉપાડની ન્યુનતમ સેવા સમયગાળો સાત વર્ષનો હતો આ રીતે ઈપીએફઓ ખાતામાંથી રકમ ઉપાડવા માટે હાલની 13 જોગવાઈઓને સમાપ્ત કરીને ત્રણ જોગવાઈઓને જ લાગુ કરવાનો નિર્ણય લેવાયો છે.
આથી ઉપાડ પ્રક્રિયા વધુ સરળ બની જશે.આ સાથે જ હવે ઈપીએફઓ સભ્યો આવશ્યક જરૂરિયાતો (બિમારી, શિક્ષણ, વિવાહ) આવાસ સંબંધી જરૂરિયાતો અને ખાસ પરિસ્થિતિ દેખાડીને ખાતામાંથી ઉપાડ કરી શકશે. જોકે અંતિમ દાવા નિકાલ સમયગાળાને વધારી દેવામાં આવ્યો છે.
÷ હવે કારણ બતાવવું જરૂરી નહિં
ખાસ પરિસ્થિતિઓના મામલામાં પહેલા કારણ બતાવવુ જરૂરી હતું જેથી અનેક દાવા ફગાવાતો હતો હવે કર્મચારી કોઈ કારણ બતાવ્યા વિના પણ આવેદન કરી શકે છે.
÷ ઉપાડની સીમા વધારાઈ
► હવે શિક્ષણ માટે 10 વાર અને વિવાહ માટે 5 વાર ઉપાડની મંજુરી મળશે.
પહેલા આ બન્ને માટે વધુમાં વધુ 3 વાર ઉપાડની મંજુરી હતી. હવે કોઈપણ આંશિક ઉપાડ માટે ન્યુનતમ સેવા સમયગાળો માત્ર 12 મહિના રાખવામાં આવ્યો છે.
► હવે આંશિક ઉપાડ માટે નિશ્ચિત પુરૂ ફંડ ઉપાડી શકાશે
એમ્પ્લોઈ અને એમ્પ્લોયનાં ભાગ સહીત પ્રોવિડન્ટ ફંડમાં આંશીક ઉપાડ માટે નિશ્ચિત સીમામાં જે પણ ફંડ હશે, તેને ઈપીએફઓ મેમ્બર હવે પુરેપુરૂ ઉપાડી શકશે.
ઈપીએફઓમાં નિર્ણય કરનારી ટોપ સંસ્થા સેન્ટ્રલ બોર્ડ ઓફ ટ્રસ્ટીઝે શ્રમ અને રોજગાર મંત્રી મનસુખ માંડવીયાની અધ્યક્ષતામાં આ નિર્ણયો કર્યા હતા. સીબીટીએ ઈપીએફઓ 3.0 અંતર્ગત ડીજીટલ અપગ્રેડેશનનાં પગલાંને પણ મંજુરી અપાઈ જેને આવનારા સમયમાં તબકકાવાર લાગુ કરાશે. સાથે સાથે ઈપીએસ પેન્શનર્સને પણ કોઈ ફી વિના ડીજીટલ લાઈફ સર્ટીફીકેટ સર્વીસ આપવાનો પણ નિર્ણય લેવાયો હતો.
÷ `વિશ્વાસ યોજના’માં પણ રાહત અપાઈ
હાલ નિયુકિત કરનારાઓ દ્વારા પીએફની રકમ મોડેથી જમા કરવા પર દંડનો દર 5 થી 25 ટકા દર વર્ષે હતો. જે ઘટાડીને માત્ર 1 ટકો પ્રતિમાસ કરાયો છે. નિયુકિત કરનારાઓને વિવાદથી રાહત મળશે અને કર્મચારીઓને વિવાદોથી રાહત મળશે અને કર્મચારીઓને તેમના પૈસા જલદી અને સરળતાથી મળશે.
÷ ઈપીએફઓ સાથે વર્કર્સને જોડવા માટે સ્પેશીયલ કેમ્પેન
શ્રમ અને રોજગાર મંત્રાલયે ઈપીએફઓના માધ્યમથી વર્કસને સોશ્યલ સિકયોરીટીના વર્તુળમાં લાવવા માટે એમ્પ્લોઈઝ એનરોલમેન્ટ કેમ્પેન શરૂ કરવાનો નિર્ણય લીધો છે. જે 1 નવેમ્બર 2025 થી 30 એપ્રિલ 2026 સુધી ચાલશે.
મંત્રાલયે જણાવ્યું હતું કે, આ કેમ્પેનનો ઉદેશ એમ્પ્લોઈઝ પ્રોવીડન્ટ ફંડ એન્ડ મિસ લેનિયસ પ્રોવિજન્સ એકટ અંતર્ગત રજીસ્ટર્ડ અને તેના દાયરામાં આવનારા નવા એમ્પ્લોયર્સ બન્નેને આ બાબત માટે પ્રોત્સાહીત કરવાના છે તેઓ પોતાના કર્મચારીઓને સ્વૈચ્છીક રીતે એનરોલ કરાયો.
÷ અન્ય મહત્વના નિર્ણયો લેવાયા
≡ હવે આ બધા ઉપાડ કોઈ દસ્તાવેજી પ્રક્રિયા વિના 100 ટકા ઓટો દાવા નિકાલથી થશે
≡ અંતિમ દાવા નિકાલ માટે સમયગાળાને 2 મહિનાથી વધારીને 12 મહિના કરવામાં આવ્યો
≡ અંતિમ પેન્શન ઉપાડનો સમયગાળો બે મહિનાથી વધારીને 36 મહિના કરાઈ
≡ હવે ફાઈલોનો ઓનલાઈન અને ઝડપથી નિકાલ કરવામાં આવશે. આથી ઉચ્ચ પેન્શન ખાસ વેરિફીકેશન અને અન્ય સુધારા જેવા મામલાની ગતિ વધશે