America, તા.15
ભારતીય મુળના અમેરિકી રક્ષા વિશેષજ્ઞ એશ્લે જે. ટેલિસની ગોપનીય દસ્તાવેજો રાખવા અને ચીની અધિકારીઓ સાથે મુલાકાત કરવાની શંકાએ ધરપકડ કરવામાં આવી છે. તેની સામે ચીન માટે જાસુસી કરવાનો ચોંકાવનારો આરોપ લગાવાયો છે.
ભારતીય મૂળના જાણીતા અમેરિકન વિશ્લેષક અને દક્ષિણ એશિયા નીતિ અંગે લાંબા સમય સુધી સલાહકાર રહેલા એશ્લે ટેલિસની અમેરિકામાં ધરપકડ કરવામાં આવી છે. તેમના પર રાષ્ટ્રીય સુરક્ષા સાથે સંબંધિત ગુપ્ત દસ્તાવેજો ગેરકાયદેસર રીતે પોતાની પાસે રાખવા અને ચીની અધિકારીઓ સાથે ગુપ્ત મુલાકાતો કરવાનો ગંભીર આરોપ મૂકવામાં આવ્યો છે.
જો તેઓ દોષિત સાબિત થશે, તો તેમને 10 વર્ષ સુધીની જેલ અને 2.5 લાખ (અંદાજે 2 કરોડથી વધુ) ડોલર સુધીના દંડનો સામનો કરવો પડી શકે છે. અમેરિકન ન્યાય વિભાગ દ્વારા રજૂ કરાયેલા દસ્તાવેજો મુજબ, 64 વર્ષીય ટેલિસના વર્જિનિયા સ્થિત ઘરેથી હજારો પાનાના ‘ટોપ સિક્રેટ’ અને ‘સિક્રેટ’ શ્રેણીના દસ્તાવેજો જપ્ત કરવામાં આવ્યા છે.
એફબીઆઈના અહેવાલ પ્રમાણે, ટેલિસ અગાઉ સ્ટેટ ડિપાર્ટમેન્ટના બિન-વેતન સલાહકાર અને પેન્ટાગોનની ‘ઑફિસ ઑફ નેટ અસેસમેન્ટ’ના કોન્ટ્રાક્ટર તરીકે કામ કરી ચૂક્યા છે. તેમની ધરપકડ ગયા અઠવાડિયે થઈ હતી અને સોમવારે તેમને ઔપચારિક રીતે આરોપી જાહેર કરવામાં આવ્યા છે.
કોર્ટના રેકોર્ડ્સ દર્શાવે છે કે, સપ્ટેમ્બર અને ઑક્ટોબર 2025માં ટેલિસે સંરક્ષણ (Defense) અને સ્ટેટ ડિપાર્ટમેન્ટની ઇમારતોમાંથી ગુપ્ત દસ્તાવેજો કાઢ્યા, તેની પ્રિન્ટ કાઢી અને તેને ઘરે લઈ ગયા હતા.
સર્વેલન્સ ફૂટેજમાં તેમને એક લેધર બ્રીફકેસ સાથે ઇમારતમાંથી બહાર નીકળતા જોવામાં આવ્યા હતા. 11મી ઓક્ટોબરે એફબીઆઈએ જ્યારે તેમના ઘરે દરોડા પાડ્યા, ત્યારે આ ગુપ્ત ફાઇલો લોક્ડ ફાઇલિંગ કેબિનેટ, બેઝમેન્ટ ઑફિસના ટેબલ અને સ્ટોરેજ રૂમમાં રાખેલી કાળા રંગની કચરાપેટી (Trash Bags)માંથી મળી આવી હતી.