Gandhinagar,તા.15
ગુજરાતમાં લાંબા સમયથી રાહ જોવાતા રાજયના મંત્રીમંડળનું વિસ્તરણ હવે ફકત કલાકોનો જ પ્રશ્ન હોવાના સંકેતોએ રાજકીય ઉતેજના અને ચર્ચા વધારી છે અને સંભવત આવતીકાલે જ આ માટેનુ મુર્હુત આવશે તેવી શકયતા છે.
લગભગ 36 કલાક દિલ્હીમાં રોકાઈને મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ તથા પ્રદેશ પ્રમુખ શ્રી જગદીશ વિશ્વકર્મા ગઈકાલે સાંજે વડોદરામાં પ્રદેશ પ્રમુખના અભિવાદન સમારોહમાં સાથે પહોંચી ગયા હતા તો આજે શ્રી વિશ્વકર્મા બપોર બાદ રાજકોટ આવી રહ્યા છે અને તેઓ રાત્રીના ગાંધીનગર પહોંચશે તે પછી મંત્રીમંડળના વિસ્તરણનો સમય નિશ્ચિત થઈ જશે.
રાજયમાં દિપાવલીના તહેવારો સમયે જ એક તરફ જે રીતે લોકો ઉજવણીમાં વ્યસ્ત છે અને આજે બપોર સુધી પુષ્ય નક્ષત્ર છે જે ખરીદી માટે શુભ ગણાય છે પણ તેની સમાપ્તી સાથે દિવાળી સુધી આગામી પાંચ દિવસમાં તમામ મુર્હુત સારા છે અને તેથી મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ માટે હવે કોઈ સારા મુર્હુતની રાહ જોવી પડશે નહી.
સૌથી મોટી ચર્ચા એ છે કે શું પાટીલ ફોર્મ્યુલા ફરી આપશે કે ભુપેન્દ્ર પટેલ, જગદીશ વિશ્વકર્માનું નવું ‘કોકટેલ’ અજમાવાશે પણ ચોકકસપણે મંત્રીમંડળમાં ફેરફાર ડબલ ડીજીટ હશે. બહુ ઓછા 17માંથી 4-5 મંત્રીઓજ રીપીટ થશે તેવા સંકેત છે.
2022માં તો 156નો દબદબો એવો હતો કે નવા મંત્રીમંડળની રચનામાં ફરી રીજયોનલ પ્રતિનિધિત્વ મળી રહે તે નિશ્ચિત કરાયું હતું પણ હવે આ વર્ષના અંતે આગામી વર્ષના પ્રારંભે યોજાનારી સ્થાનિક સ્વરાજયની સંસ્થાઓની ચૂંટણીને ધ્યાનમાં રાખીને ફેરફાર કરાશે.
મંત્રીમંડળમાં વ્યક્તિગત ક્ષમતા તેમાં પ્રતિનિધિત્વથી રાજકીય સમીકરણ કઈ રીતે ફીટ બેસી શકે છે તે ફેકટર બની રહેશે અને તેમાં સૌરાષ્ટ્ર તથા બનાસકાંઠામાં ભાજપને બે આંચકા લાગ્યા છે જેને તેના ડેમેજ કંટ્રોલ થશે.
જે મંત્રીઓ ધ્યાન ટકાવી શકે છે તેમાં સૌથી ઉપર નામ ગૃહ રાજયમંત્રી હર્ષ સંઘવીનું છે જેને પ્રમોશન આપીને કેબીનેટ દરજજો પણ મળશે તેવી ચર્ચા છે.
બીજું સ્થાન સરકારના પ્રવકતા ઋષીકેશ પટેલનું છે જે સરકારમાં હાલ એક સમયના નીતિન પટેલની જેમ ટ્રબલ શુટરની ભૂમિકામાં છે તો ઉદ્યોગમંત્રી શ્રી બળવંતસિંહ રાજપૂત, પાણી પુરવઠા મંત્રી શ્રી કુંવરજી બાવળીયા તથા શિક્ષણ રાજયમંત્રી પ્રફુલભાઈ પાનશેરીયા માટે જોખમ નથી.
ખાસ કરીને કોંગ્રેસમાંથી જે ‘કવોટા’ મંત્રીઓ છે તેમાં કૃષીમંત્રી રાઘવજી પટેલનું નામ વિદાય યાદીમાં છે તેના સ્થાને જામનગરમાં રીવાબા જાડેજાને તક મળશે તો રાજકોટમાં કેબીનેટ મંત્રી ભાનુબેન બાબરીયાને પડતા મુકાય તો આ મહાનગરમાં અન્ય ત્રણ ધારાસભ્યો રમેશ ટીલાળા, ઉદય કાનગડ, દર્શીતાબેન શાહમાં કોને ચાન્સ મળે છે તેના પર નજર છે તો પુર્વ મંત્રી જયેશ રાદડીયાનું નામ નિશ્ચિત છે.
તેની સાથે ભાવનગરમાં જીતુ વાઘાણી પણ પુન: પ્રવેશ કરી શકે છે. જો કે તમો હાલ જાહેર હિસાબ સમીતીના ચેરમેન તરીકે ગાડી-બંગલા સુવિધા ધરાવે છે તો સૌરાષ્ટ્રમાં અમરેલી, જુનાગઢ, સુરેન્દ્રનગર જીલ્લાને પ્રતિનિધિત્વ કઈ રીતે અપાય છે તેના પર નજર છે.
જેની એન્ટ્રી નકકી ગણાય છે તેમાં વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરી સૌથી આગળ છે. બનાસકાંઠા જીલ્લાના બે કટકા કર્યા બાદ પણ નવા જીલ્લામાં કોઈ સમસ્યા ન સર્જાય તે માટે તાલુકા સહિતના ફેરફારમાં શંકર ચૌધરીનો અવાજ મહત્વનો રહ્યો હતો. ખાસ કરીને સૌરાષ્ટ્રમાં કડવા, લેઉવા, કોળી, ઓબીસી ફેકટર મહત્વનું બની રહેશે અને બાકીના ક્ષેત્રમાં પણ સામાજીક જ્ઞાતિ-જાતિ સમીકરણો જોવાશે.