New Delhi, તા.15
અનુભવી ભારતીય ફાસ્ટ બોલર મોહમ્મદ શમીએ રાષ્ટ્રીય પસંદગીકારો પર નિશાન સાધ્યું છે. ઓસ્ટ્રેલિયા સામેની મર્યાદિત ઓવરની શ્રેણી માટે શમીની પસંદગી કરવામાં આવી ન હતી અને હવે તે રણજી ટ્રોફીમાં બંગાળ તરફથી રમવા માટે તૈયાર છે. શમી કહે છે કે રણજી ટ્રોફીમાં બંગાળ તરફથી રમવું એ સાબિત કરે છે કે તે ફિટ છે. એટલું જ નહીં, તેણે કહ્યું કે ફિટનેસ વિશે માહિતી આપવાનું તેનું કામ નથી.
શમી છેલ્લે આ વર્ષની શરૂઆતમાં ચેમ્પિયન્સ ટ્રોફીમાં ભારતીય ટીમ માટે રમ્યો હતો. તે વણ ચક્રવર્તી સાથે ટુર્નામેન્ટમાં ભારતનો સૌથી વધુ વિકેટ લેનાર બોલર હતો. શમીએ 2023ના ODI વર્લ્ડ કપમાં પોતાના પ્રદર્શનથી પ્રભાવિત કર્યા હતા, પરંતુ તે પછી, તે ઘૂંટણની ઈજાને કારણે લાંબા સમય સુધી ટીમની બહાર રહ્યો હતો. 35 વર્ષીય શમી જૂન 2023 થી ભારતીય ટેસ્ટ ટીમની બહાર છે. તેણે છેલ્લે ઓસ્ટ્રેલિયા સામે વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ ફાઇનલમાં ભારત માટે ટેસ્ટ મેચ રમી હતી.
કોલકાતાના ઈડન ગાર્ડન્સ ખાતે રણજી ટ્રોફીના પહેલા મેચમાં બંગાળ ઉત્તરાખંડનો સામનો કરશે. મેચની પૂર્વસંધ્યાએ, શમીને 19 ઓક્ટોબરથી શરૂ થતી ઓસ્ટ્રેલિયા સામેની શ્રેણી માટે ટીમમાંથી તેની બાદબાકી અંગે પૂછવામાં આવ્યું.
શમીએ જવાબ આપ્યો, “મેં પહેલા કહ્યું હતું કે પસંદગી મારા નિયંત્રણની બહાર છે. જો કોઈ ફિટનેસ સમસ્યા હોત, તો હું બંગાળ માટે રમવા ન આવ્યો હોત. મને લાગે છે કે મારે આ વિશે વાત કરીને વિવાદ ન ઉભો કરવો જોઈએ.
જો હું ચાર દિવસીય મેચ રમી શકું છું, તો હું 50 ઓવરનું ક્રિકેટ પણ રમી શકું છું.” શમીએ કહ્યું કે પસંદગીકારોને ફિટનેસ માહિતી પૂરી પાડવાનું તેમનું કામ નથી. ઓસ્ટ્રેલિયા પ્રવાસ માટે ટીમની જાહેરાત કર્યા પછી, મુખ્ય પસંદગીકાર અજિત અગરકરે કહ્યું હતું કે તેમને શમીની ફિટનેસ અંગે કોઈ અપડેટ મળ્યા નથી.
શમીએ જવાબ આપ્યો, “અપડેટ્સ આપવાની વાત કરીએ તો, અપડેટ્સ આપવાની કે અપડેટ્સ માંગવાની જવાબદારી મારી નથી. મારી ફિટનેસ વિશે અપડેટ્સ આપવાનું મારું કામ નથી. મારું કામ NCA (સેન્ટર ઓફ એક્સેલન્સ) માં જવાનું, તૈયારી કરવાનું અને મેચ રમવાનું છે.” તે તેમનો વ્યવસાય છે કે તેમને કોણ અપડેટ્સ આપે છે અને કોણ નથી આપતું. એ મારી જવાબદારી નથી.