ઘટનાથી વિદેશમાં અભ્યાસ કરતા ભારતીય વિદ્યાર્થીઓની સુરક્ષાને લઈને પણ ચિંતા ઊભી થઈ
Germany, તા.૧૫
Germanyના બોખુમ શહેરમાં રહેણાક ઇમારતમાં આગ લાગતાં અભ્યાસ માટે ગયેલા ત્રણ ભારતીય વિદ્યાર્થીઓનાં મોત થયાં છે. મૃતકોમાં ૨૫ અને ૨૭ વર્ષની બે યુવતીઓ તથા ૨૬ વર્ષનો એક યુવક સામેલ છે. આ દુર્ઘટનામાં અન્ય પાંચ લોકો પણ ઘાયલ થયા છે. પોલીસે હત્યાની આશંકાએ ૪૧ વર્ષના એક રોમાનિયન નાગરિકની ધરપકડ કરી છે.
જોકે, આગ લાગવાનું ચોક્કસ કારણ તપાસ બાદ જ સ્પષ્ટ થશે.આ ઘટના જર્મનીના નોર્થ રાઇન-વેસ્ટફેલિયા રાજ્યના બોખુમ શહેરમાં બુધવારે બની હતી. રહેણાક ઇમારતમાં આગ લાગ્યાની જાણ થતાં જ અગ્નિશમન દળના જવાનો ઘટનાસ્થળે પહોંચ્યા હતા. ઇમારતમાં તપાસ દરમિયાન બીજા માળે આવેલા એક મકાનમાંથી ત્રણ ભારતીય વિદ્યાર્થીઓના મૃતદેહ મળી આવ્યા હતા. ત્રણેય વિદ્યાર્થીઓ જર્મનીમાં અભ્યાસ કરી રહ્યા હતા.
જોકે, હજુ સુધી તેમના નામ અને ભારતના વતન અંગેની વિગતો જાહેર કરવામાં આવી નથી. આ ઘટનાથી વિદેશમાં અભ્યાસ કરતા ભારતીય વિદ્યાર્થીઓની સુરક્ષાને લઈને પણ ચિંતા ઊભી થઈ છે.આગ અને ધુમાડાની અસરને કારણે અન્ય પાંચ લોકોને ધુમાડાને લીધે શ્વાસ લેવામાં તકલીફ થતાં તેમને સારવાર માટે હૉસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. આ પાંચેય ઘાયલોની નાગરિકતા અને તેમની હાલત અંગેની વિસ્તૃત વિગતો હજુ સામે આવી નથી.પોલીસે આ ઘટનાની તપાસ દરમિયાન હત્યાની આશંકાએ ૪૧ વર્ષના રોમાનિયન નાગરિકની ધરપકડ કરી છે. જોકે, તેની સામેના આરોપો અને આગની ઘટના સાથેના તેના સંબંધ અંગેની વિગતો હજુ સ્પષ્ટ થઈ નથી. આગ અકસ્માતે લાગી હતી કે તેની પાછળ કોઈ ગુનાહિત કૃત્ય જવાબદાર છે, તે તપાસ બાદ જ સામે આવશે.
બર્લિન સ્થિત ભારતીય દૂતાવાસે સોશિયલ મીડિયા પર આ દુર્ઘટના અંગે જાણકારી આપી હતી. દૂતાવાસના જણાવ્યા અનુસાર, જર્મનીમાં ભારતીય દૂતાવાસ અને ળેન્કફર્ટ સ્થિત ભારતીય વાણિજ્ય દૂતાવાસ સ્થાનિક અધિકારીઓ તેમજ મૃતકોના પરિવારોના સંપર્કમાં છે. પરિવારોને જરૂરી મદદ પૂરી પાડવામાં આવી રહી છે. ત્રણ યુવાન ભારતીયોનાં અકાળે મોતથી તેમના પરિવારો પર દુઃખનો પહાડ તૂટી પડ્યો છે. હાલ જર્મન સત્તાધીશો આગ લાગવાના કારણો, ત્રણેયનાં મોતના સંજોગો અને ધરપકડ કરાયેલા શખસની ભૂમિકાની તપાસ કરી રહ્યા છે.

