અઢી વર્ષના માસૂમને બોજારૂપ સમજી પિતાએ પેટ્રોલ છાંટી સળગાવીને મારી નાખતાં અરેરાટી
Suigam, તા.૧૫
Suigam ખાતે અરેરાટી ઉપજાવતા બનાવમાં સગા પિતાએ પોતાના જ અઢી વર્ષના માસૂમ પુત્રને પોતાના માટે ‘બોજારૂપ’ સમજીને તેના પર પેટ્રોલ છાંટી જીવતો સળગાવી દીધો હોવાની પોલીસ ફરિયાદ નોંધાઈ છે. હત્યા બાદ મોતનું સાચું કારણ છૂપાવવા માટે બાળકની લાશને જમીનમાં દાટી દઈ પુરાવાનો નાશ કરવાનો પણ પ્રયાસ કરાયો હતો. આ મામલે પોલીસે આરોપી પિતા સામે હત્યાનો ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે.
સુઈગામના રાવળવાસમાં રહેતા અશોકભાઈ જીતાભાઈ રાવળની પત્ની છેલ્લા કેટલાક સમયથી રિસામણે બેઠી હોવાથી અશોક પોતાના અઢી વર્ષના પુત્ર નવઘણ સાથે સુઈગામમાં એકલો રહેતો હતો. પત્નીની ગેરહાજરીમાં બાળકને રાખવાવાળું કોઈ ન હોવાથી અને તેનો ઉછેર કરવો ન પડે તેવા બદઆશયથી પોતાના સગા પુત્રને પેટ્રોલ છાંટી સળગાવી દીધો હતો. ત્યારબાદ પોતાનું કારસ્તાન છૂપાવવા માટે તેને સારવાર માટે દવાખાને લઈ ગયો હતો.૧૩ ઓકટોબરે બપોરના ૧ઃ૦૦થી ૨ઃ૦૦ વાગ્યાના અરસામાં બનેલી આ કરુણ ઘટનામાં આખરે બાળકનું કરુણ મોત નીપજ્યું હતું.
પોતાના પાપ પર પડદો પાડવા અને મોતનું સાચું કારણ બહાર ન આવવા દેવાના ઇરાદાથી અશોકે પરિવારજનો સાથે મળીને સમાજના સ્મશાનમાં બાળકની લાશને જમીનમાં દાટી દઈ અંતિમવિધિ કરી નાખી હતી. જોકે, ઘટનાનો વીડિયો વાયરલ થતાં સમગ્ર ભાંડો ફૂટ્યો હતો. આ બાબતની પોલીસને જાણ થતાં પોલીસે તાત્કાલિક એકશન લઈ સુઈગામ મામલતદારની ઉપસ્થિતિમાં સ્મશાનમાં ખોદકામ કરીને બાળકનો મૃતદેહ બહાર કાઢ્યો હતો અને કબજે લઈ મૃતદેહને પી. એમ.માટે ધારપુર મોકલાવી કાર્યવાહી હાથ ધરી હતી. આ ઘટના વિશે તેના કાકા બાબુભાઈ લખમણભાઈ રાવળને ખબર પડતાં પુત્રના હત્યારા તેમના ભત્રીજા અશોક વિરુદ્ધ સુઈગામ પોલીસ મથકે ફરિયાદ નોંધાવતાં પી.આઈ. એચ.એમ. પટેલે પોલીસ સ્ટાફની મદદથી આરોપી પિતા અશોક જીતાભાઈ રાવળને ઝડપી લઈ તેના વિરુદ્ધ ગુનો દાખલ કર્યો છે.

