સ્ટાફ માટે ૧૮ લોકોનું બુકિંગ કરાવ્યું, હોટેલ પહોંચ્યા ત્યારે તમામ વાઉચર્સ બોગસ નીકળ્યાં હતા
Ahmedabad, તા.૧૫
નિકોલ વિસ્તારમાં ઓફિસ ધરાવતા ફાઈનાન્સ લીગલ એડવાઈઝર અને તેમના સ્ટાફના ૧૮ સભ્યોને થાઈલેન્ડ પ્રવાસ કરાવવાના બહાને બોગસ વાઉચર્સ આપી રૂ. ૧૨.૦૩ લાખની છેતરપિંડી આચરવામાં આવી હોવાનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. સેટેલાઇટ ખાતે રહેતા ટ્રાવેલ એજન્ટે રૂપિયા પડાવી લીધા બાદ વિદેશમાં કોઈ સુવિધા પૂરી ન પાડી પ્રવાસીઓને રઝળાવી દીધા હતા. આ મામલે ભોગ બનનારે નિકોલ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
ઓઢવ ખાતે રહેતા ગુણવંતભાઈ પટેલ નિકોલ હિલ ટાઉન સ્ક્વેરમાં ‘ન્યૂ વે ફાઈનાન્સ સર્વિસ’ નામે ઓફિસ ચલાવે છે. તેમની ઓફિસમાં અગાઉ પાસપોર્ટનું કામ કરી ચૂકેલા સેટેલાઈટના મયુર જયંતીલાલ સોનીએ ઓફિસ સ્ટાફ માટે થાઈલેન્ડ પ્રવાસનું આકર્ષક ડિસ્કાઉન્ટ સાથે પેકેજ આપવાની લાલચ આપી હતી. ગુણવંતભાઈએ તેના પર વિશ્વાસ મૂકી સ્ટાફના ૧૮ સભ્યો માટે પેકેજ પેટે તથા ત્યાં વાપરવાની કરન્સી મળીને કુલ રૂ. ૧૨.૦૩ લાખ મયુર સોનીના અલગ-અલગ બેંક ખાતા અને ેૈંઁં ૈંડ્ઢ પર ઓનલાઇન ટ્રાન્સફર કરી આપ્યા હતા.
ત્યારબાદ આરોપીએ તમામ સભ્યોને હોટેલ બુકિંગના વાઉચર્સ અને ટૂરનો કાર્યક્રમ વોટ્સએપ પર મોકલી આપ્યો હતો.ગત તા. ૨૭ ડિસેમ્બર ૨૦૨૫ના રોજ ગુણવંતભાઈ સ્ટાફ સાથે થાઈલેન્ડ (ફુકેટ) પહોંચ્યા ત્યારે પેકેજ મુજબ કોઈ વાહન લેવા આવ્યું ન હતું અને હોટેલમાં પણ કોઈ સુવિધા મળી ન હતી. ત્યારબાદ તેઓ કરાબી ખાતે આવેલી ‘હુલા હુલા રિસોર્ટ’ પહોંચતા ત્યાં હોટેલ પ્રશાસને જણાવ્યું હતું કે આ પ્રકારનું કોઈ બુકિંગ જ થયું નથી. આ દરમિયાન સ્થાનિક ટૂર ઓપરેટરે સંપર્ક કરી સ્પષ્ટતા કરી હતી કે મયુર સોની તરફથી પેકેજની કોઈ રકમ ચૂકવાઈ નથી. આથી ગુણવંતભાઈએ મયુર સોનીનો ટેલિફોનિક સંપર્ક કરતા તેણે કબૂલાત કરી હતી કે “તમારા બધા પૈસા મારાથી વપરાઈ ગયા છે અને હાલ મારી પાસે કશું નથી.” આથી સ્ટાફે પોતે જ પોતાના ખર્ચે પ્રવાસ પૂર્ણ કરી પરત આવવું પડ્યું હતું. અમદાવાદ પરત આવ્યા બાદ આરોપીએ નાણાં ચૂકવવા માટે સ્ટેમ્પ પેપર પર બાંહેધરી આપી હોવા છતાં રકમ પરત આપી ન હતી. આખરે છેતરાયેલા ફાઈનાન્સ એડવાઈઝરે આ અંગે નિકોલ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે.

