આરોપી માતાએ જન્મથી જ દીકરી ગમતી ન હોવાના કારણે તેને ફેંકી દીધાની પોલીસ સમક્ષ કબૂલાત કરી છે
Rajkot, તા.૧૫
Rajkotના ઉધમસિંહ ટાઉનશિપમાં એક હૃદયદ્રાવક ઘટના સામે આવી છે, જ્યાં બે વર્ષની માસૂમ બાળકીના શંકાસ્પદ મોત પાછળ તેની પોતાની માતા જ હત્યારી નીકળી છે. ગત ૧૨ તારીખે પાંચમાં માળેથી પટકાવાથી બાળકીનું મોત થયું હોવાનું જણાવીને માતાએ તેને અકસ્માતનો રંગ આપવાનો નિષ્ફળ પ્રયાસ કર્યો હતો અને કોઈએ ધક્કો માર્યો હોવાની બનાવટી સ્ટોરી બનાવી હતી. પરંતુ, રાજકોટ ક્રાઇમ બ્રાંચની સઘન તપાસ અને ૧૨થી વધુ લોકોની પૂછપરછ બાદ માતા પૂનમબેન સાકરીયાનો ભાંડો ફૂટી ગયો હતો. આરોપી માતાએ જન્મથી જ દીકરી ગમતી ન હોવાના કારણે તેને પાંચમાં માળેથી ફેંકી દીધાની પોલીસ સમક્ષ કબૂલાત કરી છે, જેથી પોલીસે તેની અટકાયત કરીને આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
Rajkotના કુવાડવા રોડ પર આવેલા શહીદ ઉધમસિંહ ટાઉનશીપમાં બે વર્ષની સ્નેહલ સાકરીયાના મોતને લઈને અનેક સવાલો ઊભા થયા હતા. એક તરફ બાળકીની માતા પોતાની દીકરીને યાદ કરીને હૈયાફાટ રુદન કરી રહી હતી, તો બીજી તરફ પોલીસ માટે આ કેસ ઉકેલવો પડકારજનક બન્યો હતો. કારણ કે ઘટનાસ્થળે લાગેલા ઝ્રઝ્ર્ફ કેમેરામાં રેકોર્ડિંગ જ ઉપલબ્ધ નહોતા! એટલું જ નહીં, પરિવારજનોના જણાવ્યા મુજબ છેલ્લા કેટલાક દિવસથી કોઈ અજાણી વ્યક્તિ કપડાં, ચાદર, ગોદડાં, ચપ્પલ અને કુંડાં જેવી વસ્તુઓ પણ ફેંકી રહી હતી. ત્યારે શું આ તમામ ઘટનાઓ વચ્ચે કોઈ કડી છે? પોલીસ પરિવારજનો અને આસપાસના લોકોની પૂછપરછ કરી રહી છે. હવે નાર્કો ટેસ્ટની મંજૂરી માગવામાં આવતા આ રહસ્યમય મોતના કેસમાં તપાસનો ધમધમાટ તેજ બન્યો હતો.
રાજકોટના કુવાડવા રોડ પર ડી-માર્ટ પાછળ આવેલી શહીદ ઉધમસિંહ ટાઉનશીપમાં સોમવારે સાંજે એક હૃદયદ્રાવક ઘટના સામે આવી હતી. ટાઉનશીપના સી-વિંગમાં રહેતી માત્ર બે વર્ષ અને ચાર મહિનાની સ્નેહલ સાકરીયાનું પાંચમા માળેથી નીચે પટકાતાં ગંભીર ઇજાઓને કારણે ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું. પ્રાથમિક વિગતો મુજબ, બાળકી સાંજે લગભગ સાત વાગ્યે ઘરમાંથી ઉપરના માળે રમવા માટે નીકળી હતી. થોડી જ મિનિટોમાં એક બાળકે સ્નેહલ નીચે પડી ગઈ હોવાની જાણ કરી હતી. પરિવારજનો દોડી ગયા ત્યારે બાળકી નીચે મૃત હાલતમાં મળી આવી હતી.જોકે, જ્યાંથી બાળકી નીચે પડી હોવાનું મનાય છે ત્યાં આશરે ચાર ફૂટ ઊંચી દિવાલ હોવાથી તે જાતે ત્યાં સુધી પહોંચી શકે કે કેમ તે અંગે પરિવારજનોએ શંકા વ્યક્ત કરી હતી. આથી બાળકી અકસ્માતે પડી કે કોઈએ તેને નીચે ફેંકી દીધી, તે દિશામાં પોલીસ તપાસ કરી રહી હતી.
બે વર્ષની બાળકીના મોતના કેસમાં સૌથી મોટો સવાલ એ હતો કે ઘટનાના સમયે ખરેખર શું બન્યું હતું? ટાઉનશીપમાં ઝ્રઝ્ર્ફ કેમેરા હોવા છતાં તેમાં રેકોર્ડિંગ ઉપલબ્ધ ન હોવાનું પોલીસ તપાસમાં સામે આવ્યું હતું. જેના કારણે ઘટનાની કડીઓ જોડવામાં પોલીસને મુશ્કેલી પડી રહી હતી. મૃતક બાળકીના પરિવારજનોના જણાવ્યા અનુસાર, છેલ્લા બે-ત્રણ દિવસથી કોઈ અજાણી વ્યક્તિ કપડાં, ચાદર, ગોદડાં, ચપ્પલ અને કુંડાં જેવી વસ્તુઓ પાછળના પાર્ટી પ્લોટમાં ફેંકી રહી હતી. જોકે, આ કૃત્ય કોણ કરી રહ્યું હતું તે અંગે કોઈ સ્પષ્ટ માહિતી મળી નથી.
બીજી તરફ, બાળકીના મામા જયદેવ પરસોરાએ જણાવ્યું હતું કે, તેમને પોતાના પડોશીઓ કે અન્ય કોઈ વ્યક્તિ પર શંકા નથી. તેમણે પોલીસ અને સરકાર સમક્ષ એક જ માગ કરી છે કે બાળકીના મોતના કેસમાં નિષ્પક્ષ તપાસ થાય અને પરિવારને ન્યાય મળે. પોલીસ પરિવારજનો તેમજ આસપાસ રહેતા લોકોની પૂછપરછ કરીને દરેક પાસાંની તપાસ કરી રહી હતી. બાળકીના શંકાસ્પદ મોતનો ભેદ ઉકેલવા પોલીસ નાર્કો ટેસ્ટની દિશામાં આગળ વધી રહી હતી. તપાસ દરમિયાન પરિવારજનો શંકાના દાયરામાં હોવાથી બાળકીની માતા સહિતના પરિવારજનોના નાર્કો ટેસ્ટ માટે રાજકોટ કોર્ટ પાસે મંજૂરી માગવામાં આવી હતી.
જોકે, પોલીસ માટે બાળકીની હત્યા કોણે કરી તે સાબિત કરવામાં કોઈ સફળતા મળી નહોતી. બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં આ મામલે ફરિયાદ નોંધાયા બાદ મૃતદેહને ફોરેન્સિક પોસ્ટમોર્ટમ માટે સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. પોલીસ ઇન્સ્પેક્ટર જી.આર. ચૌહાણના જણાવ્યા મુજબ, પરિવારજનો અને આસપાસના લોકોની પૂછપરછ ચાલી રહી હતી. ઝ્રઝ્ર્ફમાં રેકોર્ડિંગ ન હોવાથી તપાસ વધુ જટિલ બની હતી. કોર્ટની મંજૂરી મળતા પોલીસે નોર્કો ટેસ્ટ માટે આગળની પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી.

