Surendranagar,તા.16
લખતર શહેરી વિસ્તારમાં સરકાર દ્વારા રૃ.૧૧ કરોડથી વધુના ખર્ચે ગટર લાઈન નાખવામાં આવી હતી. પરતું આ અન્ડર ગ્રાઉન્ડ ગટર શરૃ થાય તે પહેલા જ બાળમરણ થયું હતુ. ત્યાર બાદ લખતર ગ્રામ પંચાયત દ્વારા અનેક જગ્યાએ લાખો રૃપિયાના ખર્ચે અન્ડર ગ્રાઉન્ડ ગટર ઉપર બીજી ગટર કરવામાં આવી રહી છે.
સ્થાનિકોના જણાવ્યા મુજબ અન્ડર ગ્રાઉન્ડ ગટર લાઈનમાં આઈએસઆઈ માર્ક વાળી અથવા સ્ટાન્ડર્ડ કંપનીની પાઇપલાઇન નાખવાના બદલે કાળા કલરની હલકી ગુણવતાની પાઇપલાઇન નાખવામાં આવી રહી છે. જેથી ઉપર વજન આવતા પાઈપલાઈન તૂટી જવાના બનાવો વધી રહ્યા છે. જેના કારણે ગંદા પાણી ફરી રોડ ઉપર વહેવા લાગ્યા છે. જેના કારણે સ્થાનિક રહીશો તેમજ વાહન ચાલકોને પારાવાર મુશ્કેલી પડી રહી છે. જેમાં છેલ્લા ઘણા સમયથી લખતર જાડેશ્વર મંદિર પાસે અન્ડર ગ્રાઉન્ડ ગટર તૂટી ગઈ હોવાથી દરરોજ ગંદા પાણી રોડ ઉપર ફરી વળતા હોવાથી લોકોને ભારે મુશ્કેલી પડી રહી છે જેના કારણે વચલીફળી ખોજાખાના પાછળ આવેલ શાી શેરી, ડેડાસણીયા શેરીમાં રોગચાળો ફાટી નીકળવાની પણ દહેશત સેવાઈ રહી છે. આથી જવાબદાર તંત્ર દ્વારા અંડર ગ્રાઉન્ડ ગટરનું યોગ્ય રિપેરિંગ કામ હાથ ધરવામાં આવે અને ગંદા પાણીનો નિકાલ કરવામાં આવે તેવી માંગ ઉઠવા પામી છે.