Vadodara,તા.16
વડોદરા શહેરના તરસાલી ધનીયાવી રોડ પર આવેલ પુરંદર ફાર્મની બાજુમાં એક વર્ષ પહેલા ખુલ્લી જગ્યામાં ઠાલવવામાં આવેલ કેમિકલ વેસ્ટ જોખમી હોવાનું બહાર આવતા હવે કપુરાઈ પોલીસે કડક કાર્યવાહી હાથ ધરી છે.
વર્ષ 2024ના ઓગષ્ટ મહિનામાં એક ટ્રક દ્વારા આશરે 60 થી 70 ટન જેટલો વેસ્ટ કેમિકલ આ સ્થળે ઠાલવાયો હતો. જ્યારે બાતમી મુજબના અન્ય ત્રણ ટ્રકો સ્થળ પર મળી આવ્યા નહતા. ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ દ્વારા કરવામાં આવેલ પરીક્ષણમાં સ્પષ્ટ થયું કે, આ કેમિકલ હેઝાર્ડસ વેસ્ટ એટલે કે અત્યંત જોખમી કચરો છે. તપાસમાં સામે આવ્યું છે કે, સગીરઆલમ પઠાણ (રહે.વડોદરા)એ કોઈ ઔદ્યોગિક એકમમાંથી આ કેમિકલ વેસ્ટને ટ્રકો મારફતે લાવી ખુલ્લી જગ્યામાં નાખી દીધો હતો. ટ્રક માલિકોને પૂછપરછ કરતા તેઓ ગોળ ગોળ જવાબ આપી રહ્યા હતા. જાહેર જનતા માટે ત્રાસદાયક કૃત્ય તથા પર્યાવરણને ગંભીર નુકસાન પહોંચાડવા બદલ કપુરાઈ પોલીસે ઔદ્યોગિક એકમના સંચાલકો, વેસ્ટ ઠાલવનાર સગીરઆલમ પઠાણ, ટ્રક માલિકો અને ચાલકો વિરુદ્ધ જાહેર ઉપદ્રવ તથા પર્યાવરણ સુરક્ષા અધિનિયમની જોગવાઈઓ હેઠળ ગુનો દાખલ કર્યો છે. પોલીસે આરોપીઓની ધરપકડ માટે તજવીજ શરૂ કરી છે.