Surat,તા.16
સુરતમાં ગુનાખોરીના બનાવો સતત વધી રહ્યા છે. 3 દિવસ પહેલાં માત્ર 5 કલાકમાં જ બે હત્યાના બનાવ સામે આવ્યા બાદ બુધવારે મોડીરાત્રે કાપોદ્રા વિસ્તારમાં આવેલા હિંમતનગરમાં એક ઘાતકી હત્યાની ઘટના બની છે. હીરાના કારખાના પરથી પરત ઘરે જઈ રહેલા 40 વર્ષીય રત્નકલાકાર સુરેશભાઈ પ્રેમજીભાઈ ચિત્રોડાને બાઇક પર આવેલા બે અજાણ્યા શખસોએ ચપ્પુના ઘા મારી દીધા હતા અને ફરાર થઈ ગયા હતા. આ હુમલામાં સુરેશભાઈને ગંભીર ઈજા પહોંચતાં તેમનું ઘટનાસ્થળે જ કરુણ મોત નીપજ્યું હતું. હત્યાની જાણ થતાં પોલીસના ઉચ્ચ અધિકારીઓ સ્થળ પર દોડી આવ્યા હતા અને લાશને પોસ્ટમોર્ટમ અર્થે હોસ્પિટલ ખસેડીને વધુ તપાસ શરૂ કરી છે.
મૂળ રાજકોટ જિલ્લાના ઉપલેટા તાલુકાના અને હાલ સુરતના કાપોદ્રા વિસ્તારમાં પરિવાર સાથે રહેતા 40 વર્ષીય સુરેશભાઈ ચિત્રોડા હીરાના કારખાનામાં રત્નકલાકાર તરીકે કામ કરીને તેમના પરિવારનું ગુજરાન ચલાવતા હતા. તેમના પરિવારમાં પત્ની અને બે નાના દીકરા (એક 10 વર્ષનો અને એક 8 વર્ષનો) છે.
દિવાળી વેકેશન પડવાનું હોવાથી બુધવારે રાત્રે સુરેશભાઈને કારખાનેથી ઘરે પરત ફરી રહ્યા હતા તે દરમિયાન બાઇક પર આવેલા બે શખસોએ તેમને રોક્યા હતા. જાહેરમાં આ બે ઈસમો પૈકી એકે સુરેશભાઈને ચપ્પુના ઘા મારી બંને શખસો ઘટનાસ્થળેથી ફરાર થઈ ગયા હતા. ચપ્પુના ગંભીર ઘા વાગવાને કારણે વધુ પડતું લોહી વહી જતાં થોડી જ મિનિટોમાં સુરેશભાઈનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું.
જાહેર માર્ગ પર હત્યા થવાના પગલે મોટી સંખ્યામાં લોકો એકઠા થઈ ગયા હતા અને પોલીસને જાણ કરવામાં આવી હતી. ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને એસીપી સહિતના ઉચ્ચ પોલીસ અધિકારીઓનો કાફલો ઘટનાસ્થળે દોડી આવ્યો હતો.
સુરેશભાઈના સંબંધીઓએ તેમની ઓળખ કરી હતી, ત્યારબાદ પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે સ્મિમેર હોસ્પિટલ ખસેડ્યો હતો. દિવાળીના તહેવાર ટાણે જ પરિવારના મોભીની ઘાતકી હત્યા થતાં પરિવાર પર આભ તૂટી પડ્યું છે. બે દીકરાઓએ પિતાની છત્રછાયા ગુમાવી છે.