અગાઉ ૪૫ મિનિટ મળતું પાણી હવે માત્ર ૩૦ મિનિટ; તહેવારો ટાણે પાણીની સમસ્યાથી લોકો પરેશાન
ચિતરંજન છાટબાર
Babra તા.૧૫ઃ
Babra બાબરા નગરપાલિકા દ્વારા શહેરના છ વોર્ડમાં મહી પરિયેઝ યોજના અંતર્ગત પાણીનું વિતરણ કરવામાં આવી રહ્યું છે. જોકે, ભાજપ શાસિત નગરપાલિકા દ્વારા છેલ્લા ત્રણ મહિનાથી પાણી વિતરણના સમયમાં ઘટાડો કરવામાં આવતાં શહેરીજનોમાં નારાજગી જોવા મળી રહી છે. અગાઉ એકાંતરે ૪૫ મિનિટ સુધી પાણી મળતું હતું, જેની સામે હવે માત્ર ૩૦ મિનિટ પાણી આપવામાં આવતું હોવાના કારણે શહેરના વિવિધ વિસ્તારોમાં અપૂરતા પાણીની બૂમરાણ ઊઠી છે.
હાલમાં નવરાત્રિનો તહેવાર ચાલી રહ્યો છે, જ્યારે આગામી દિવસોમાં દિવાળી સહિતના તહેવારો આવી રહ્યા છે. આવા સમયે ઘરના દૈનિક કામકાજ અને તહેવારોની તૈયારીઓ માટે પાણીની જરૂરિયાત વધતી હોય છે. ત્યારે પાણી વિતરણના સમયમાં ઘટાડો થતાં નાગરિકોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. નગરપાલિકાના આ નિર્ણયને પગલે અનેક વિસ્તારોમાં પાણીની અછતને લઈને લોકોમાં અસંતોષ વધી રહ્યો છે.
ખાસ કરીને મોટા અને સંયુક્ત પરિવારો માટે ૩૦ મિનિટનું પાણી વિતરણ અપૂરતું સાબિત થઈ રહ્યું છે. પરિણામે, કેટલાક પરિવારોને પોતાની જરૂરિયાત પૂરી કરવા માટે મોંઘા ભાવે ખાનગી ટેન્કર મારફતે પાણી મંગાવવાની ફરજ પડી રહી છે. આથી સામાન્ય પરિવારો પર પણ વધારાનો આર્થિક બોજ પડી રહ્યો છે.
બાબરા શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા શહેરના તમામ વિસ્તારોમાં પૂરતી માત્રામાં પાણી મળી રહે તે માટે અગાઉની જેમ એકાંતરે ૪૫ મિનિટ પાણી વિતરણ કરવાની વ્યવસ્થા પુનઃસ્થાપિત કરવાની માંગ કરવામાં આવી છે. તહેવારોના દિવસોમાં નાગરિકોને પાણી માટે વલખાં મારવાં ન પડે તે માટે નગરપાલિકા તંત્ર તાત્કાલિક યોગ્ય નિર્ણય લે તેવી માગ ઉઠી છે.
જો આગામી દિવસોમાં પાણી વિતરણની સમસ્યાનો યોગ્ય ઉકેલ નહીં આવે તો શહેરના વિવિધ વિસ્તારોની મહિલાઓ દ્વારા પાણીના પ્રશ્ને નગરપાલિકાનો ઘેરાવ કરવામાં આવે તેવી ચર્ચા પણ જાગી છે. હવે જોવાનું એ રહે છે કે નગરપાલિકા તંત્ર શહેરીજનોની પાણીની સમસ્યાને ગંભીરતાથી લઈને વિતરણના સમયમાં વધારો કરે છે કે પછી તહેવારોના દિવસોમાં પણ લોકોને અપૂરતા પાણીથી સંતોષ માનવો પડે છે.

