‘‘માં અંબા‘‘ની આરાધના કરી અમરેલી જિલ્લા કલેક્ટર અને ઉચ્ચ અધિકારીઓ ગરબે રમ્યા
(મિલાપ રૂપારેલ દ્વારા)
Amreli તા.૧૫ઃ
પવિત્ર આસો માસની નવરાત્રિ મહોત્સવના પાવન અવસરે અમરેલીની સુખનિવાસ કોલોની ખાતે સરકારી અધિકારીઓ અને કર્મચારીઓ દ્વારા નવરાત્રિ ગરબા મહોત્સવનું સુંદર આયોજન કરવામાં આવ્યું છે. આ શક્તિ આરાધનાના પર્વ નિમિત્તે નવરાત્રી નિમિતે આયોજિત ગરબા મહોત્સવમાં અમરેલીના જિલ્લા કલેક્ટર વિકલ્પ ભારદ્વાજ ખાસ ઉપસ્થિત રહીને ‘‘માં અંબા‘‘ની ભક્તિ ભાવપૂર્વક આરતી ઉતારી હતી. જિલ્લા કલેક્ટરે માતાજી સમક્ષ શીશ નમાવીને સમગ્ર જિલ્લાની સુખ, શાંતિ અને સમૃદ્ધિ માટે પ્રાર્થના કરી હતી અને શક્તિ ઉપાસનાના આ પર્વમાં સહભાગી બન્યા હતા.
આ નવરાત્રિ મહોત્સવમાં માત્ર ધાર્મિક આરાધના જ નહીં, પરંતુ વહીવટી તંત્રના ઉચ્ચ અધિકારીઓનો ઉત્સાહ પણ જોવા મળ્યો હતો. સુખનિવાસ કોલોની ખાતે આયોજિત ગરબામાં સુપર ન્યુમરરી આસિસ્ટન્ટ કલેક્ટર હર્ષિતા ગોયલ, નાયબ કલેક્ટર જાડેજા તથા પ્રતીક કુંભાણી સહિતના વરિષ્ઠ અધિકારીઓએ ઉપસ્થિત રહીને આ તમામ અધિકારીઓએ ગરબાના તાલે ઝૂમીને નવરાત્રિ પર્વની હર્ષોલ્લાસ સાથે ઉજવણી કરી હતી.
વહીવટી તંત્રના અન્ય વિભાગોના મોભીઓ પણ આ સામાજિક અને સાંસ્કૃતિક મિલનમાં જોડાયા હતા. જેમાં અમરેલી કલેક્ટર કચેરીના પી.આર.ઓ, આત્મા પ્રોજેક્ટના ડાયરેક્ટર તેમજ અમરેલીના મામલતદાર, સહિતના અધિકારીઓ અને મોટી સંખ્યામાં કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા. તમામ અધિકારીઓએ એક સાથે પરંપરાગત ગરબે રમીને પરસ્પર એકતા અને સામાજિક સૌહાર્દનો એક અનેરો અને સકારાત્મક સંદેશ સમાજમાં પ્રસારિત કર્યો હતો. અત્રે ઉલ્લેખનીય છે કે, સુખનિવાસ કોલોની સ્થિત સરકારી કર્મચારી મંડળ દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ ખૂબ જ સુદ્રઢ અને સુંદર આયોજન હાથ ધરવામાં આવ્યું છે. આ નવરાત્રિ મહોત્સવ સરકારી પરિવારો વચ્ચે પરસ્પર ભાઈચારો અને સંવાદિતા વધારવા માટેનું એક સબળ માધ્યમ બન્યો છે.
સમગ્ર કોલોનીમાં આ ગરિમાપૂર્ણ આયોજન બદલ ભારે આનંદ અને ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે. સુખનિવાસ કોલોની કર્મચારી ટીમે ઉપસ્થિત મહેમાનોને સહર્ષ આવકાર્યા હતા અને નવરાત્રિ મહોત્સવમાં સહભાગી બનવા બદલ આયોજકોએ સૌને ધન્યવાદ વ્યક્ત કર્યો હતો.

