New Delhiતા.16
તાજેતરમાં મધ્યપ્રદેશમાં ઝેરી કફ સિરપથી 20થી વધુ બાળકોના મોત થયા બાદ કેન્દ્ર સરકાર દવાઓ અને ચિકિત્સા ઉત્પાદનોની સુરક્ષા અને ગુણવત્તા નિયંત્રણ સાથે સંકળાયેલા નિયમો સખ્ત બનાવવા નવા કાયદા તૈયાર કરી રહી છે. ભારતીય ઔષધિ મહા નિયંત્રક (ડીસીજીઆઈ) ડો. રાજીવ રઘુવંશીએ સ્વાસ્થ્ય મંત્રાલયની એક ઉચ્ચ સ્તરીય બેઠકમાં મંગળવારે તેનો મુસદ્દો-ડ્રાફટ રજૂ કર્યો હતો.
કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી જે.પી. નડ્ડાની અધ્યક્ષતામાં યોજાયેલ બેઠક દરમિયાન ડીસીજીઆઈ અને કેન્દ્રીય ઔષધી ધોરણ નિયંત્રણ સંગઠન (સીડીએસસીઓ)એ પ્રસ્તાવિત કાયદાની રૂપરેખા રજુ કરી હતી. રજુ કરાયેલ ડ્રાફટ ડ્રગ્સ મેડિકલ ડિવાઈસીસ એન્ડ કોસ્મેટિકસ એકટ 2025 સંસદના શિયાળુ સત્રમાં રજૂ કરવામાં આવી શકે છે. આ નવો કાયદો 1940ના ડ્રગ્સ એન્ડ કોસ્મેટિકસ એકટની જગ્યા લેશે. અને તેને આંતર રાષ્ટ્રીય ધોરણોને અનુરૂપ વિકસિત કરાયો છે.
જેનો ઉદેશ દવા નિર્માણથી માંડીને બજારમાં વિતરણ સુધી જવાબદારી અને પારદર્શિતા નિશ્ચિત કરવાનો છે. નવા કાયદા કાનૂન અંતર્ગત સીડીએસઓને પહેલી વાર નકલી કે ખરાબ દવાઓ સામે તરત કાર્યવાહી કરવાનો અધિકાર મળશે. નવો વિધેયક સીડીએસસીઓને કાનૂની અધિકાર આપશે જેનાથી તે દેશમાં ઘરેલુ અને નિકાસ બન્ને માટે નિર્મિત દવાઓ, ચિકિત્સા સાથેના અને સૌંદર્ય પ્રસાધનોની ગુણવત્તાની સખ્ત તપાસ અને વોચ નિશ્ચિત થઈ શકે.