Mumbai,તા.16
બોલિવૂડમાં ‘કાળા જાદુ’ના કિસ્સાઓ સાંભળવા મળે છે, જેના પર મોટાભાગના કલાકારો વિશ્વાસ કરતા નથી. પરંતુ, હિન્દી સિનેમાની અભિનેત્રી અમૃતા રાવે તાજેતરમાં જણાવ્યું કે તે પોતે પણ આ વાતોમાં માનતી નહોતી, છતાં જ્યારે તેની સાથે બ્લેક મેજિક જેવી ઘટનાઓ બની, ત્યારે તેને ખૂબ આશ્ચર્ય થયું. ફિલ્મ ‘વિવાહ’, ‘મેં હૂં ના’ જેવી ફિલ્મોથી જાણીતી અમૃતા હાલમાં સ્ક્રીનથી દૂર છે.
તાજેતરમાં જ અમૃતા રાવે રણવીર અલ્હાબાદિયાના પોડકાસ્ટમાં કાળા જાદુ વિશે વાત કરી. આ દરમિયાન અભિનેત્રીને બ્લેક મેજિક વિશે સવાલ કરવામાં આવ્યો. અભિનેત્રીએ કહ્યું કે તમે આવા સવાલો કેમ પૂછો છો? આના પર રણવીરે કહ્યું કે સરળ અને સાફ દિલના લોકો ડાર્ક સાઇડથી પ્રભાવિત થાય છે.
અમૃતાએ પછી પોતાની વાત સંભળાવી અને કહ્યું કે, ‘જ્યારે એક સમયે હું મારા ગુરુ પાસે આશીર્વાદ લેવા પહોંચી હતી, ત્યારે મને આ વિશે ખબર પડી. તેમને મળ્યાના એકાદ-બે દિવસ પછી જ ગુરુએ મારા મમ્મીને કહ્યું કે તેમની દીકરી પર ‘વશીકરણ’ કરવામાં આવ્યું છે. આનાથી હું પોતે પણ આશ્ચર્યમાં પડી ગઈ હતી.’
અમૃતા રાવે જણાવ્યું કે, ‘હું પોતે આવી વાતોમાં માનતી નહોતી, પરંતુ મારા ગુરુએ કહ્યું હોવાથી મેં વિશ્વાસ કર્યો.’ અમૃતાએ સ્પષ્ટતા કરી કે, ‘જો કોઈ બીજાએ આ વાત કહી હોત તો કદાચ હું વિશ્વાસ ન કરી શકતી. મારા મતે, મારા ગુરુ સાચા છે અને તેમણે મને માત્ર સત્ય જ કહ્યું હતું.’ તેમની વાત સાંભળ્યા પછી અમૃતાને પણ લાગ્યું કે કદાચ આવું થયું હશે, કારણ કે તેણે બીજા લોકો સાથે પણ આ બધું થતું સાંભળ્યું હતું.