New Delhi,તા.16
ભારતના ચીફ જસ્ટિસ (CJI) બી.આર. ગવઈ પર જૂતું ફેંકનાર વકીલ રાકેશ કિશોરની મુશ્કેલીઓ હવે વધતી જોવા મળી રહી છે. કારણ કે હવે તેમની વિરુદ્ધ ફોજદારી અવમાનના (Criminal Contempt)ની કાર્યવાહી શરૂ કરવામાં આવશે. આ મામલે ભારતના એટર્ની જનરલે કિશોર વિરુદ્ધ કાર્યવાહી શરૂ કરવાની સંમતિ આપી દીધી છે.
સૉલિસિટર જનરલ તુષાર મહેતાએ જસ્ટિસ સૂર્યકાંતની અધ્યક્ષતાવાળી ખંડપીઠને આ અંગે જાણકારી આપી હતી. તેમણે જણાવ્યું હતું કે, એટર્ની જનરલે વકીલ રાકેશ કિશોર વિરુદ્ધ ફોજદારી અવમાનનાની કાર્યવાહી શરૂ કરવા સંમતિ આપી છે.
સુપ્રીમ કોર્ટ બાર એસોસિયેશન (SCBA)ના અધ્યક્ષ વિકાસ સિંહને લખેલા પત્રમાં એટર્ની જનરલે જણાવ્યું હતું કે, વકીલ રાકેશ કિશોરનું આ કૃત્ય અને કથન માત્ર નિંદનીય નથી, પરંતુ તે સુપ્રીમ કોર્ટની ગરિમા અને અધિકારને ઓછું આંકનારું છે. આ પ્રકારનું આચરણ ન્યાય વિતરણ પ્રણાલી (Justice Delivery System)ના પાયા પર પ્રહાર સમાન છે.’
નોંધનીય છે કે, 6 ઓક્ટોબર, 2025ના દિવસે સુપ્રીમ કોર્ટની કાર્યવાહી દરમિયાન વકીલ રાકેશ કિશોરે CJI ગવઈ પર જૂતું ફેંકવાનો પ્રયાસ કર્યો હતો. ઘટના બાદ CJI ગવઈએ આ હુમલાને ભૂલાયેલું પ્રકરણ ગણાવ્યું હતું. તેમણે કહ્યું હતું કે, ‘સોમવારે જે થયું તેનાથી હું અને મારા વિદ્વાન ભાઈઓ ખૂબ આઘાતમાં છીએ. અમારા માટે આ એક ભૂલાયેલું પ્રકરણ છે. હું આવી વસ્તુઓથી પ્રભાવિત નથી થવાનો.’
જોકે, કાર્યવાહી દરમિયાન હાજર રહેલા જસ્ટિસ ઉજ્જવલ ભુઈયાએ આ ઘટનાની આકરી નિંદા કરી હતી અને કહ્યું હતું કે, ‘આ ઘટના વિશે મારા પોતાના વિચાર છે. તે ભારતના ચીફ જસ્ટિસ છે. આ કોઈ મજાકની વાત નથી. વર્ષોથી ન્યાયાધીશના રૂપે અમે ઘણાં એવા કામ કર્યા છે, જેને અન્ય લોકો યોગ્ય નથી માનતા પરંતુ, આનાથી અમે જે કર્યું છે તેના વિશે અમારા મંતવ્ય નહીં બદલાય.’
સૉલિસિટર જનરલ તુષાર મહેતા પણ આ ઘટના દરમિયાન કોર્ટમાં હાજર હતા. તેમણે ઘટનાની નિંદા કરી હતી અને કહ્યું કે, ‘આ એક અક્ષમ્ય ઘટના હતી અને ઘટનાને સમાપ્ત માનવી એ ચીફ જસ્ટિસની મહાનતા અને ઉદારતા દર્શાવે છે.
આ ઘટના બાદ CJI ગવઈએ રજિસ્ટ્રીને તે વ્યક્તિ વિરુદ્ધ દંડાત્મક કાર્યવાહી ન કરવા જણાવ્યું હતું. પરંતુ હવે એટર્ની જનરલની સંમતિ બાદ રાકેશ કિશોર વિરુદ્ધ ફોજદારી અવમાનનાની કાર્યવાહી શરૂ કરવામાં આવશે.