મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં ગુજરાતના પ્રાકૃતિક વારસાને વૈશ્વિક પ્રવાસન ક્ષેત્રે ઉજાગર કરવાના અવિરત પ્રયાસો
ગત વર્ષે ૨૫ હજારથી વધુ પ્રવાસીઓએ માણ્યો રણનો નજારો; એક હજારથી વધુ વિદેશી પ્રવાસીઓએ લીધી મુલાકાત
વિશેષ અહેવાલ- ભાવિકા લીંબાસીયા- માહિતી બ્યુરો, સુરેન્દ્રનગર
Kutchનું નાનું રણ નામ સાંભળતાં જ સામાન્ય રીતે કચ્છ જિલ્લાની કલ્પના થાય છે. આ વિશાળ અને અજોડ પ્રાકૃતિક ધરોહરનો એક અત્યંત મહત્ત્વપૂર્ણ ભાગ સુરેન્દ્રનગર જિલ્લાની ઓળખ સાથે ગાઢ રીતે જોડાયેલો છે. સુરેન્દ્રનગર જિલ્લાના ધ્રાંગધ્રા અને દસાડાના બજાણા જેવા વિસ્તારોને વિશિષ્ટ ઓળખ આપતું ઘુડખર અભયારણ્ય પ્રકૃતિની અદભુત રચના છે. અહીં ક્ષિતિજ સુધી પથરાયેલી ખારી ધરતી, મુક્તપણે વિચરતાં દુર્લભ એશિયાઈ જંગલી ગધેડાં એટલે કે ઘુડખર અને શિયાળા દરમિયાન હજારો કિલોમીટર દૂરથી આવતા વિદેશી યાયાવર પક્ષીઓ પ્રકૃતિપ્રેમીઓને મંત્રમુગ્ધ કરે છે. રણની આ અનોખી દુનિયા હવે પ્રવાસીઓના સ્વાગત માટે પૂર્ણપણે સજ્જ થઈ ગઈ છે.
મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વ હેઠળ ગુજરાત સરકાર પ્રાકૃતિક વારસાના સંરક્ષણ, વન્યજીવ સુરક્ષા તેમજ પ્રવાસન વિકાસને એકબીજાના પૂરક બનાવીને આગળ વધારી રહી છે. રાજ્યની ઓળખ ઐતિહાસિક સ્મારકો અને ભવ્ય સ્થાપત્યો ઉપરાંત અહીંના રણપ્રદેશો, દરિયાકાંઠા અને વન્યજીવોના કુદરતી આવાસ સાથે પણ જોડાયેલી છે. સુરેન્દ્રનગર જિલ્લાનું ઘુડખર અભયારણ્ય આ પ્રાકૃતિક વૈવિધ્યને દેશ-વિદેશમાં ઉજાગર કરતું પ્રમુખ ગંતવ્ય છે. અહીંનો પ્રવાસ કુદરતી સૌંદર્યનો આનંદ આપવાની સાથે પર્યાવરણીય સંતુલન, જૈવવિવિધતા અને વન્યજીવ સંરક્ષણનું મહત્ત્વ સમજવાની પ્રેરણા પૂરી પાડે છે.
દર વર્ષે ૧૫ જૂનથી ૧૫ ઓક્ટોબર સુધી રાજ્યના રાષ્ટ્રીય ઉદ્યાનો અને અભયારણ્યો પ્રવાસીઓ માટે બંધ રાખવામાં આવતા હોય છે. ધ્રાંગધ્રા ઘુડખર અભયારણ્યના નાયબ વન સંરક્ષક શ્રી ભરત પટેલે જણાવ્યા અનુસાર, ચાલુ વર્ષે વન વિભાગ દ્વારા પ્રવાસીઓ અને પ્રકૃતિપ્રેમીઓના હિતને ધ્યાનમાં રાખીને સમયપત્રકમાં સુધારો કરવામાં આવ્યો છે. રાષ્ટ્રીય ઉદ્યાનો અને અભયારણ્યો સાત દિવસ વહેલાં, એટલે કે ૯ ઓક્ટોબરથી જ ખુલ્લાં મૂકી દેવામાં આવ્યા છે. આગામી ૧૪ જૂન સુધી પ્રવાસીઓ આ પ્રાકૃતિક વૈભવને નજીકથી નિહાળી શકશે. વન વિભાગ દ્વારા વન્યજીવોના આવાસની જાળવણી તેમજ સૈલાનીઓની સુવિધા માટે તમામ જરૂરી વ્યવસ્થાઓ સુસજ્જ કરવામાં આવી છે.
આશરે ૪,૯૫૩ ચોરસ કિલોમીટરના વિસ્તારમાં ફેલાયેલું કચ્છનું નાનું રણ વિશ્વભરમાં દુર્લભ એશિયાઈ જંગલી ગધેડાં (ઘુડખર)ના મુખ્ય કુદરતી આવાસ તરીકે જાણીતું છે. વિશાળ રણપ્રદેશમાં મુક્તપણે વિચરતાં ઘુડખર આ વિસ્તારની સૌથી મોટી વિશેષતા છે. તેમની ચપળ દોડ, સહનશક્તિ અને વિષમ હવામાનમાં અનુકૂલન સાધવાની ક્ષમતા તેમને અન્ય વન્યજીવોથી અલગ પાડે છે.
ઘુડખરને વન્યજીવ (સંરક્ષણ) અધિનિયમ, ૧૯૯૨ની અનુસૂચિ-૧ હેઠળ કાનૂની રક્ષણ આપવામાં આવ્યું છે. વન વિભાગના સંનિષ્ઠ પ્રયાસોથી વર્ષ ૨૦૨૪ની દસમી ઘુડખર વસતી ગણતરીમાં તેમની સંખ્યા વધીને ૭,૬૭૨ નોંધાઈ છે. વર્ષ ૨૦૨૦માં આ સંખ્યા ૬,૦૮૨ હતી, આમ ચાર વર્ષમાં ૨૬.૧૪ ટકાનો સરાહનીય વધારો થયો છે.
ઘુડખર ઉપરાંત આ અભયારણ્યમાં વરુ, જંગલ બિલાડી અને ડેઝર્ટ ફોક્સ જેવા વિવિધ વન્યજીવો પણ જોવા મળે છે. શુષ્ક વાતાવરણ ધરાવતું આ રણ વિવિધ પ્રજાતિઓના સહઅસ્તિત્વથી ધબકતું એક સમૃદ્ધ કુદરતી વિશ્વ છે. શિયાળાની શરૂઆત થતાં જ અહીં હજારો કિલોમીટરનો પ્રવાસ ખેડીને આવતા વિદેશી યાયાવર પક્ષીઓનું આગમન શરૂ થાય છે. અનુકૂળ હવામાન અને પૂરતા ખોરાકને કારણે આ રણપ્રદેશ અનેક જળપક્ષીઓ અને શિકારી પક્ષીઓ (રેપ્ટર્સ) માટે સુરક્ષિત આશ્રયસ્થાન બની રહે છે. સવારના સોનેરી તાપમાં સોનેરી ચાદર જેવું લાગતું રણ અને સાંજના સમયે આકાશમાં રેલાતા રંગો ફોટોગ્રાફીના શોખીનો માટે અદભુત દૃશ્યો સર્જે છે.
ગત વર્ષે ૨૫,૦૦૦થી વધુ પ્રવાસીઓએ આ અભયારણ્યની મુલાકાત લીધી હતી, જેમાં ૧,૦૦૦થી વધુ આંતરરાષ્ટ્રીય પ્રવાસીઓનો સમાવેશ થાય છે. આ આંકડા સુરેન્દ્રનગરના પ્રાકૃતિક વારસા પ્રત્યે પ્રવાસીઓના વધતા આકર્ષણને દર્શાવે છે. પ્રકૃતિ આધારિત આ પ્રવાસનથી સ્થાનિક ગાઇડ અને પરિવહન સેવાઓ સાથે જોડાયેલા લોકોને રોજગારીની નવી તકો મળી રહે છે. આ સાથે વન વિભાગ દ્વારા શિયાળા દરમિયાન વિવિધ શાળાઓના વિદ્યાર્થીઓ માટે નિઃશુલ્ક પ્રાકૃતિક શિબિરોનું આયોજન પણ કરવામાં આવે છે, જેનાથી નવી પેઢીમાં પર્યાવરણ પ્રત્યે સંવેદનશીલતા અને વન્યજીવ સંરક્ષણની ભાવના કેળવાય છે.
પ્રવાસીઓ માટે રણની શાંતિ જાળવવી, વન્યજીવોને પરેશાન ન કરવા અને કચરો ન ફેંકવો જેવી બાબતોનું પાલન કરવું અત્યંત આવશ્યક છે. જવાબદાર પ્રવાસન દ્વારા જ આ અમૂલ્ય પ્રાકૃતિક વારસાને આવનારી પેઢીઓ માટે સુરક્ષિત રાખી શકાશે. ૧૪ જૂન સુધી ખુલ્લા રહેનારા આ અભયારણ્યની મુલાકાત લઈને પ્રકૃતિની અનોખી સૃષ્ટિનો અહેસાસ કરવા સર્વે પ્રકૃતિપ્રેમીઓને આવકારવામાં આવે છે. ચાલો, સુરેન્દ્રનગર જિલ્લાના આ અદ્વિતીય પ્રાકૃતિક વારસાને જાણીએ, ઘુડખરના મુક્ત વિશ્વને નિહાળીએ, યાયાવર પક્ષીઓના કલરવને માણીએ અને ગુજરાતની અમૂલ્ય કુદરતી સંપત્તિના સંરક્ષણમાં સહભાગી બનીએ.

