Jamnagar,તા.17
ગુજરાત સરકારના નવા મંત્રીમંડળની આજે થયેલી શપથવિધિમાં વર્ષો પછી જામનગર શહેરને ગુજરાત સરકારમાં પ્રતિનિધિત્વ સાંપડતા જામનગર ભાજપના કાર્યકરોમાં હરખની હેલી પ્રસરી છે. એટલું જ નહીં જામનગર શહેરના સ્થાનિક રાજકારણમાં રિવાબાની મંત્રી તરીકેની તાજપોશીથી નવો અધ્યાય શરૂ થયો છે. ખાસ કરીને બે મહિના બાદ જામનગર મહાનગરપાલિકાની સામાન્ય ચૂંટણી આવી રહી છે ત્યારે ઉમેદવારોની પસંદગીમાં રિવાબાનું વજન વધશે તે સ્વાભાવિક છે અને આ જ કારણે ચોક્કસ નેતાના ચોકામાં રહેલા કોર્પોરેટર સહિતના આગેવાનો માટે દ્રિધા ઉભી થઇ છે.
લાંબા સમયથી ગુજરાતના મંત્રી મંડળના વિસ્તરણની અટકળનો આજે અંત આવ્યો છે. ગઇકાલે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલ સિવાયના ગુજરાત સરકારના તમામ મંત્રીઓના રાજીનામા લઇ લેવાયા હતા અને રાજયપાલને મોકલી દેવાયા હતા. આ પછી જે ધારાસભ્યનો મંત્રી મંડળમાં સમાવેશ કરવાનો હતો તેને આજે સવારથી ટેલીફોનીક સૂચના અને જાણકારી આપી દેવામાં આવી હતી અને આ નામોની યાદી શપથવિધિ માટે રાજયપાલને પણ મોકલી દેવામાં આવી હતી. જામનગર ઉત્તર વિધાનસભા બેઠકના ધારાસભ્ય રિવાબા રવિન્દ્રસિંહ જાડેજાને પણ મંત્રી તરીકેના શપથ લેવા માટે ફોન આવ્યો હતો. આથી તેઓએ પણ આજે બપોરે મહાત્મા મંદિર ખાતે યોજાયેલ શપથગ્રહણ સમારોહમાં મંત્રી તરીકેના શપથ લીધા હતા.
જામનગર શહેરને ફરી એક વખત ગુજરાતની ભાજપ સરકારમાં મંત્રીપદના રૂપમાં પ્રતિનિધિત્વ મળ્યું છે. આ અગાઉ પરમાણંદ ખટ્ટર, આર.સી.ફળદુ, વસુબેન ત્રિવેદી, ધર્મેન્દ્રસિંહ જાડેજા મંત્રીપદ શોભાવી ચુકયા છે. આજે ગુજરાતના મંત્રી મંડળમાં રિવાબા જાડેજાનો સમાવેશ થતા જામનગરના ભાજપના કાર્યકરોમાં તેમજ રિવાબાના સમર્થકો અને શુભચિંતકો ઉપરાંત રાજપુત સમાજમાં ખુશીની લહેર જોવા મળે છે.
રિવાબા જાડેજા મંત્રી બનતા જામનગર શહેરને ફાયદો ચોક્કસ થશે. શહેરના પ્રતિનિધિ તરીકે જામનગરનું વજન ગુજરાત સરકારમાં વધશે. આ બધુ રૂટીન છે પરંતુ મહત્વની વાત એ છે કે, જામનગર ભાજપમાં અંદરખાને ચાલતા જૂથવાદને કારણે સ્થાનિક રાજકારણમાં રિવાબાના મંત્રી બનવાને પગલે એક નવો અધ્યાય રાજકીય રીતે પણ શરૂ થશે તેમ જાણકારોનું કહેવું છે. શહેરને અને શહેરીજનોને સૌથી વધુ નિસ્બત જામનગર મહાનગરપાલિકા સાથે હોય છે.
મહાનગરપાલિકામાં કુલ 64 કોર્પોરેટરમાંથી ભાજપના 50 કોર્પોરેટરો છે અને આ 50માંથી મોટાભાગના કોર્પોરેટરો ઓછા વતા પ્રમાણમા બે કે ત્રણ આગેવાનોના જૂથમાં વહેચાયેલા છે. જાહેરમાં હમ સાથ..સાથ…હે ના દેખાડા ભલે થતા હોય પરંતુ વસ્તાવિકતા શું છે તે સૌવ સારી રીતે જાણે છે.
રિવાબાના મંત્રી બનવાથી હંમેશા તેની લીટી ટૂંકી કરવા સક્રિય રહેતા આગેવાનો માટે હવે બેકફૂટમાં જવાનો અથવા તો ડિફેન્સીવ રમવાનો સમય આવી ગયો છે. અધિકારીઓ ભાજપના અમુક નેતાઓની સૂચનાથી રિવાબાએ સૂચવેલા કામોને ટાળવા પ્રયાસ કરતા હતા કે કામ મોડા કરતા હતા તે સ્થિતિ હવે બદલાશે કેમ કે રિવાબા જાડેજા હવે માત્ર ધારાસભ્ય નહીં પરંતુ રાજય સરકારના મંત્રી બન્યા છે.
તેથી સ્થાનિક તંત્ર ઉપરાંત ગુજરાત સરકારમાં તેનું વજન વધ્યું છે. પરિણામે મોટા નેતાઓના જૂથમાં વહેચાયેલા સ્થાનિક કોર્પોરેટરો અને કાર્યકરો માટે દ્રિધાનો સમય શરૂ થયો છે. પીઠમાં મણકાને બદલે મીજાગરા ધરાવતા એટલે કે, આસાનીથી લોટી જતા સઢ ફેરવી પોતાની રાજકીય દુકાન ખુલી રહે તેવા પ્રયાસ કરશે. પરંતુ વ્યકિતગત મક્કમ સ્વભાવ ધરાવનાર માટે માઠા દિવસ આવી શકે છે. બે માસ પછી જામનગર મહાનગરપાલિકાની ચૂંટણી આવનાર છે.
ત્યારે ઉમેદવારોની પસંદગીમાં પણ શહેરના ધારાસભ્ય અને હવે મંત્રી બનેલા રિવાબા જાડેજાનું પ્રદેશમાં પણ વજન વધશે તેથી અમુક કોર્પોરેટરોના રાજકીય ભવિષ્ય માથે અંધારાના વાદળો ઘેરાશે તે નક્કી છે. એકદંરે કહીએ તો ટૂંક સમયમાં ચોક્કસ નેતાની આંગળી પકડી કાઠુ કાઢનારા માટે પણ ટીકિટ મેળવી રાજકીય આબરૂ બચાવવી પડકાર બનશે. આમ રિવાબા જાડેજાની ગુજરાત સરકારમાં મંત્રી તરીકે થયેલી એન્ટ્રીને પગલે જામનગરના રાજકારણમાં અને ખાસ કરીને ભાજપની રાજકીય છાવણીમાં નવો અધ્યાય શરૂ થયાની ચર્ચા જાગી છે.