Mumbai,તા.17
દિગ્ગજ એક્ટ્રેસ અને ક્લાસિકલ ડાન્સર મધુમતીનું 87 વર્ષની ઉંમરે નિધન થઇ ગયું છે. સિનેમાની દુનિયામાં તેમણે અનોખી ઓળખ બનાવી હતી અને તેમની સરખામણીમાં બોલિવૂડને શ્રેષ્ઠ ડાન્સરમાંથી એક હેલન સાથે પણ કરવામાં આવી હતી. મધુમતી તેમની અદભુત ડાન્સ સ્કિલ્સ અને અભિનય માટે ઓળખાય છે. તેમણે ઘણી યાદગાર ફિલ્મોમાં કામ કર્યું છે, જેમાં ‘આંખે’, ‘ટોવર હાઉસ’, ‘શિકારી’, ‘મુજે જીને દો’ જેવી ફિલ્મો સામેલ છે. તેમના નિધનના સમાચારથી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં શોકની લહેર ફેલાઈ છે. અભિનેતા વિંદુ દારા સિંહે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર દુ:ખ વ્યક્ત કરતાં લખ્યું કે, ‘તમારી આત્માને શાંતિ મળે… અમારા શિક્ષક અને ગાઈડ #Madhumati ji. અમારામાંથી અનેક લોકોના પ્રેમ અને આશિર્વાદથી ભરપૂર, જેમણે આ લેજન્ડ પાસેથી નૃત્ય શીખ્યું, એક સુંદર જીવન જીવ્યું.’
મહારાષ્ટ્રમાં 1938માં જન્મેલા મધુમતીએ વર્ષ 1957માં એક અન રિલિઝડ મરાઠી ફિલ્મથી તેના કારકિર્દીની શરૂઆત કરી હતી. બાળપણથી જ તેમને ડાન્સ કરવાનો ઉત્સાહ હતો. તેમને ભરતનાટ્યમ, કથક, મણિપુરી અને કથકલી જેવા શાસ્ત્રીય નૃત્યમાં ટ્રેનિંગ લીધી હતી. ફિલ્મી દુનિયામાં તેમણે ડાન્સ પર્ફોરમન્સ આપી ખાસ ઓળખ ઉભી કરી હતી અને ઘણા સુપરહિટ ગીતોમાં પોતાનો ડાન્સનો જલવો દેખાડ્યો હતો.
મધુમતીએ માત્ર 19 વર્ષની ઉંમરે, પ્રખ્યાત નૃત્યાંગના દીપક મનોહર સાથે લગ્ન કર્યા, જે તેમનાથી ઘણા મોટા હતા અને પહેલાથી જ ચાર બાળકોના પિતા હતા. તેમની માતા આ સંબંધથી નાખુશ હતી, પરંતુ મધુમતીએ અડગ રહી અને જીવનભર તેમના પતિ સાથે રહી. તેમના અવસાન સાથે, ભારતીય સિનેમાએ એક નોંધપાત્ર કલાકાર અને નૃત્યાંગના ગુમાવી દીધી છે.