આજે 50,000 કરોડનું 39 ટન સોનુ વેચાવાનો અંદાજ
Ahmedabadતા.18
સોના-ચાંદીમાં અભૂતપૂર્વ તેજી વચ્ચે આજે ધનતેરસના પવિત્ર દિવસે રાહત મળી હોય તેમ ભાવ વધતા અટકયા હતા અને કડાકો સર્જાયો હતો. વિશ્વ બજારમાં રાત્રે સોનું તથા ચાંદીમાં જોરદાર ગાબડુ પડવા સાથે ઉથલપાથલ સર્જાઈ હતી. કોમોડીટી એકસચેંજમાં એક તબકકે ચાંદીમાં 12000 તથા સોનામાં 3500 રૂપિયાથી વધુનો કડાકો સર્જાયો હતો.
ધનતેરસના આજના પવિત્ર દિવસે સોના-ચાંદીની ખરીદીનું અનેરૂ મહાત્મ્ય છે. બેફામ તેજી બાદ આજે આંશીક રાહત મળતાં શુકનવંતી ખરીદીમાં ગ્રાહકોને હાશકારો થાય તેમ છે. ઈન્ડિયા બુલીયન જવેલરી એસોસીએશનના અંદાજ પ્રમાણે સોનાના ભાવ ઉંચા હોવા છતાં આજે ભારતમાં 35 થી 39 ટન સોનાનું વેચાણ થશે. જવેલરીનાં વેચાણમાં 25-30 ટકાનો ઘટાડો થઈ શકે છે. છતા સિકકા બિસ્કીટની ડીમાંડ સારી રહેશે.
ગત વર્ષની ધનતેરસની સરખામણીએ સોનામાં 50939 તથા ચાંદીમાં 71357 રૂપિયાનો વધારો છે જે અનુક્રમે 65 ટકા તથા 73 ટકાની ભાવ વૃદ્ધિ સુચવે છે. ભારતમાં આજે 50,000 કરોડના સોનાનું વેંચાણ થવાનો અંદાજ છે.
દરમ્યાન આજે સોના તથા ચાંદી બન્નેનાં ભાવમાં ઘટાડો હતો.વિશ્વ બજારમાં રાત્રે ભાવમાં જબરી ઉથલપાથલ મચી હતી. ઉંચામાં 4379 ડોલરવાળો ભાવ 4200 ની નજીક આવી ગયો હતો અને છેવટે 4251 ડોલર હતો. ચાંદી ઉંચામાં 54 ડોલરને વટાવી ગયા બાદ 51 ડોલર સુધી ઉતરી આવી હતી અને છેવટે 51.94 ડોલર હતો.