Afghan,તા.18
પાકિસ્તાન દ્વારા અફઘાનિસ્તાનમાં કરવામાં આવેલા હવાઈ હુમલામાં ત્રણ યુવા ક્રિકેટરો સહિત આઠ લોકોના મોત નિપજ્યાં છે, જ્યારે અન્ય સાત લોકો ઈજાગ્રસ્ત થયા છે. આ ઘટનાથી અફઘાનિસ્તાનમાં શોક અને ગુસ્સાનું વાતાવરણ ફેલાયું છે. આ દરમિયાન અફઘાનિસ્તાનના સ્ટાર ક્રિકેટર રાશિદ ખાને પાકિસ્તાનની આ કાર્યવાહીની આકરી ટીકા કરી છે અને તેને ‘બર્બર, અનૈતિક અને અમાનવીય’ ગણાવી છે.
અફઘાનિસ્તાનના સ્ટાર ક્રિકેટર રાશિદ ખાને સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ‘X’ પર પોસ્ટ કરીને પોતાનો આક્રોશ વ્યક્ત કર્યો હતો. તેમણે લખ્યું, ‘પાકિસ્તાનના હવાઈ હુમલાને કારણે અફઘાનિસ્તાનમાં નાગરિકોના જીવ ગુમાવવાથી મને ખૂબ જ દુઃખ થયું છે. આ એક એવી દુર્ઘટના છે જેમાં મહિલાઓ, બાળકો અને યુવા ક્રિકેટરોના જીવ ગયા છે, જેમણે વિશ્વ સ્તરે પોતાના દેશનું પ્રતિનિધિત્ત્વ કરવાનું સપનું જોયું હતું.’આ હુમલા બાદ અફઘાનિસ્તાન ક્રિકેટ બોર્ડ (ACB) એ આગામી ત્રિકોણીય શ્રેણીમાંથી ખસી જવાનો નિર્ણય લીધો છે. રાશિદ ખાને ACBના આ નિર્ણયને સમર્થન આપ્યું છે. તેમણે લખ્યું, ‘અફઘાન ક્રિકેટ બોર્ડ (ACB) દ્વારા પાકિસ્તાન સામેની મેચોમાંથી ખસી જવાના નિર્ણયનું હું સ્વાગત કરું છું, કારણ કે નિર્દોષ લોકો સાથે કરવામાં આવેલા આ કૃત્યને કારણે તેમણે પોતાનો જીવ ગુમાવ્યો. હું આ મુશ્કેલ સમયમાં મારા લોકો સાથે ઊભો છું, આપણું રાષ્ટ્રીય ગૌરવ હંમેશા પ્રથમ આવવું જોઈએ.’