અજિત અગરકરનો કાર્યકાળ ખતમ થયા બાદ હવે સિલેક્શન કમિટિની કમાન પ્રજ્ઞાન ઓઝાના હાથમાં સોંપાઈ : રમેશ પોવારને પણ સમિતિમાં સામેલ કરાયા
New Delhi, તા.૧૯
ક્રિકેટની રમતને લઈ હાલમાં એક મોટા અને ચોંકાવનારા સમાચાર આવી રહ્યા છે. ટીમ ઈન્ડિયાને પોતાના નવા ચીફ સિલેક્ટર મળી ગયા છે, અને અજિત અગરકરનો કાર્યકાળ ખતમ થયા બાદ હવે સિલેક્શન કમિટિની કમાન પૂર્વ સ્પિનર પ્રજ્ઞાન ઓઝાના હાથમાં સોંપી દીધી છે. અજિત અગરકરની આગેવાનીમાં ભારતે છેલ્લા કેટલાક વર્ષોમાં ત્રણ આઈસીસી ટ્રોફી અને કેટલાય મોટા ખિતાબ પોતાના નામે કર્યા છે, પણ હવે બીસીસીઆઈએ એક નવો દાવ રમતા પૂર્વ સ્પિનર રમેશ પવારને પુરુષ સિલેક્શન કમિટિના નવા સભ્ય નિયુક્ત કર્યા છે. રમેશ પોવાર પાસે કોચિંગનો લાંબો અને શાનદાર અનુભવ રહ્યો છે, જેમા તેમણે મહિલા ટીમને એશિયા કપ અને કોમનવેલ્થ ગેમ્સમાં મેડલ જીતાડ્યો છે. હવે જોવાનું એ છે કે સીનિયોરિટીના આધાર પર કમિટીની અધ્યક્ષતા સંભાળી રહેલા પ્રજ્ઞાન ઓઝા અને રમેશ પવારની આ નવી જોડી ટીમ ઈન્ડિયાના ભવિષ્ય માટે કેવા ધમાકેદાર નિર્ણયો લે છે.
BCCIએ સિનિયોરિટીના આધાર પર પ્રજ્ઞાન ઓઝાને પુરુષ સિલેક્શન કમિટીના અધ્યક્ષ બનાવવાનો નિર્ણય લીધો છે. આ નિર્ણય સૌથી વધારે ટેસ્ટ મેચ રમવાના માપદંડના આધાર પર લેવાયો છે. પુરુષ સિલેક્શન કમિટી કંઈક આ પ્રકારની હશે. પ્રજ્ઞાન ઓઝા, શિવ સુંદર દાસ, આરપી સિંહ, અજય રાત્રા, રમેશ પવાર, નવી સમિતિ સામે ભારતીય ક્રિકેટ માટે મજબૂત ટીમ સિલેક્શન અને ભવિષ્યના પડકારોને ધ્યાનમાં રાખતા ખેલાડીઓને મોકો આપવાની મહત્ત્વની જવાબદારી રહેશે.
રમેશ પોવાર ભારત તરફથી ૨ ટેસ્ટ અને ૩૧ વન ડે ઈન્ટરનેશનલ મેચ રમી ચુક્યા છે. આંતરરાષ્ટ્રીય ક્રિકેટ સાથે જોડાયા બાદ તેમણે કોચિંગના ક્ષેત્રમાં મહત્ત્વની જવાબદારી નિભાવી છે. તેઓ ભારતીય મહિલા ક્રિકેટ ટીમના મુખ્ય કોચ રહેવા ઉપરાંત મુંબઈ અને ગુજરાતની ટીમો માટે મુખ્ય કોચ રહી ચુક્યા છે. તેની સાથે જ તેમણે બીસીસીઆઈના સેન્ટર ઓફ એક્સિલેન્સમાં બોલિંગ કોચની ભૂમિકા પણ નિભાવી છે.
ભારતીય મહિલા ટીમના મુખ્ય કોચ તરીકે પોવારનો કાર્યકાળ ઉપલબ્ધિઓથી ભરેલો છે. તેમના માર્ગદર્શનમાં ભારતીય મહિલા ટીમે એશિયા કપનો ખિતાબ જીત્યો અને કોમનવેલ્થ ગેમ્સમાં રજત પદક પ્રાપ્ત કર્યો. હવે પુરુષ સિલેક્શન કમિટીમાં તેમની નિયુક્ત બાદ ભારતીય ક્રિકેટના સિલેક્શન સંબંધિત નિર્ણયમાં તેમના અનુભવનો લાભ મળવાની આશા છે.

