નવી દિલ્હી, તા.૧૯
ભારત પોતાની સૈન્ય તાકાતમાં અભૂતપૂર્વ વધારો કરવા જઈ રહ્યું છે. સંરક્ષણ સંશોધન સંસ્થા દ્વારા તૈયાર કરવામાં આવેલી લોંગ રેન્જ એન્ટી-શિપ મિસાઈલ એટલે કે Hypersonic Missile વર્ષ ૨૦૨૭ થી ૨૦૨૯ વચ્ચે ભારતીય સેનામાં સામેલ થવા માટે તૈયાર છે.
આ ઘાતક મિસાઈલની મારક ક્ષમતા આશરે ૧૫૦૦ કિલોમીટર છે અને તે અવાજ કરતાં પણ અનેક ગણી ઝડપે દુશ્મનના ઠેકાણાઓને નેસ્તનાબૂદ કરી શકે છે. શરૂઆતના તબક્કામાં દર વર્ષે ૧૦થી ૧૫ મિસાઈલ બનાવવામાં આવશે, જે બાદમાં વધારીને વાર્ષિક ૨૫થી ૪૦ યુનિટ સુધી લઈ જવાની યોજના છે.
આ Hypersonic Missile બે તબક્કા ધરાવતા સોલિડ રોકેટ મોટરથી લોન્ચ થાય છે અને ત્યારબાદ હાઈપરસોનિક ગ્લાઈડ વ્હીકલ તરીકે ટાર્ગેટ તરફ આગળ વધે છે. તેની ટોચની ઝડપ ૧૨૩૪૮ કિલોમીટર પ્રતિ કલાક સુધી પહોંચી શકે છે, જેનો અર્થ એ થાય કે ૧૫૦૦ કિલોમીટરનું વિશાળ અંતર કાપવામાં તેને માત્ર ૧૫ મિનિટ જેટલો જ સમય લાગશે. તે દરિયામાં સ્થિર રહેલા કે ગતિ કરી રહેલા દુશ્મન યુદ્ધજહાજો પર સચોટ પ્રહાર કરવાની પૂરી ક્ષમતા ધરાવે છે.
આ મિસાઈલનો ઉડાન માર્ગ એટલો જટિલ અને અનિશ્ચિત હોય છે કે દુશ્મનના રડાર કે એર ડિફેન્સ સિસ્ટમ માટે તેનો રસ્તો ટ્રેક કરવો કે તેને વચ્ચેથી તોડી પાડવું લગભગ અશક્ય બની જાય છે. શરૂઆતમાં તેને ભારતીય નૌકાદળની દરિયાકાંઠાની સુરક્ષા બેટરી માટે તૈયાર કરવામાં આવી રહી છે, પરંતુ આગામી સમયમાં તેને યુદ્ધજહાજ અને એરક્રાફ્ટ પરથી પણ દાગી શકાય તેવા વેરિઅન્ટ તૈયાર કરાશે. સંપૂર્ણ સ્વદેશી સેન્સર અને એવિઓનિક્સ સિસ્ટમને કારણે તેનો પ્રહાર અત્યંત ચોક્કસ રહે છે.
ડ્ઢઇર્ડ્ઢં દ્વારા ઓડિશાના દરિયાકાંઠે આ મિસાઈલના શ્રેણીબદ્ધ સફળ પરીક્ષણો હાથ ધરવામાં આવ્યા છે, જેમાં તેની ૧૫૦૦ કિમીની રેન્જ અને ચોક્કસ નિશાન સાધવાની ક્ષમતા સાબિત થઈ ચૂકી છે.
આ મિસાઈલ પ્રજાસત્તાક દિને પણ પ્રદર્શિત થઈ ચૂકી છે અને હવે તે સિરિયલ પ્રોડક્શન એટલે કે મોટા પાયે નિર્માણના તબક્કામાં પહોંચી ગઈ છે. આખરી વપરાશકર્તા મૂલ્યાંકન પૂર્ણ થયા પછી તેને સશસ્ત્ર દળોને સોંપવામાં આવશે.
આ મિસાઈલ સાથે ભારત ’આત્મનિર્ભર ભારત’ ક્ષેત્રે એક મોટી છલાંગ લગાવી રહ્યું છે. હાઈપરસોનિક ટેક્નોલોજીમાં નિપુણતા મેળવીને ભારત હવે અમેરિકા, રશિયા અને ચીન જેવા શક્તિશાળી દેશોની હરોળમાં આવીને ઊભું રહી ગયું છે.
હિંદ મહાસાગરમાં વધતા તણાવ વચ્ચે ભારતની સુરક્ષા માટે આ મિસાઈલ એક ગેમ ચેન્જર સાબિત થશે. બ્રહ્મોસ જેવી સુપરસોનિક મિસાઈલ કરતા પણ આગળ નીકળીને તે દુશ્મનના મોટા એરક્રાફ્ટ કેરિયર્સ અને યુદ્ધજહાજોને સેંકડો કિલોમીટર દૂરથી જ ધ્વસ્ત કરી નાખશે.
હાઈપરસોનિક મિસાઈલનું નિર્માણ ખૂબ જટિલ અને ખર્ચાળ હોય છે, કારણ કે અત્યંત ઊંચા તાપમાનને સહન કરી શકે તેવી સામગ્રી અને ચોક્કસ ગાઈડન્સ સિસ્ટમ તૈયાર કરવી પડકારજનક છે. તેમ છતાં ભારતીય વૈજ્ઞાનિકો આ દિશામાં સફળ રહ્યા છે અને ભવિષ્યમાં તેની ક્ષમતા વધારીને ૩૦૦૦ કિલોમીટર સુધી લઈ જવાની તૈયારીઓ પણ ચાલી રહી છે. નૌકાદળ ઉપરાંત આર્મી અને એરફોર્સ માટે પણ આ મિસાઈલ ઉપલબ્ધ બનશે, જે ૨૦૨૭ થી ૨૦૨૯ દરમિયાન ભારતની ત્રણેય સેનાઓને વધુ અભેદ્ય સુરક્ષા કવચ પૂરું પાડશે.

