Surendaranagar, તા.18
સુરેન્દ્રનગર જિલ્લામાં 5 દિવસોમાં શાકભાજીના ભાવમાં ઉછાળો જોવા મળ્યો હતો. જેના કારણે હાલ વઢવાણ એપીએમસીમાં પણ ઘરાકી 50થી 60 ટકા ઓછી દેખાતી હોવાનું વેપારીઓએ જણાવ્યું હતું. જ્યારે બીજી તરફ કિલોએ વટાણા રૂ.220, કોથમરી રૂ. 200 અને સરઘવો રૂ. 150 પહોંચતા ગૃહિણીઓ પણ ત્રસ્ત બની હતી. સુરેન્દ્રનગર જિલ્લામાં છેલ્લાં 5 દિવસોમાં શાકભાજીના ભાવો વધતા ગૃહિણીઓ પણ ત્રસ્ત બની છે. કારણ કે આ દિવસ દરમિયાન કિલોએ વટાણા રૂ.220, કોથમરી રૂ. 200 અને સરઘવો રૂ. 150 પહોંચી ગયો છે. દિવાળી સહિતનો તહેવાર નજીક આવતા ગૃહિણીઓના બજેટ પર અસર જોવા મળી હતી.
આ અંગે શાકભાજીના વેપારી કિશનભાઇ આર. સાકળિયા, સોહમભાઈ પનાળિયા, અતુલભાઈ બી. સાકળિયા, જીજ્ઞેશભાઈ પી. મકવાણા, રમેશભાઈ આર.લકુમ, રાજુભાઈ દયારામભાઈ લકુમ, ધવલભાઈ જી. શ્રીમાળી વગેરેએ જણાવ્યું કે, બહારથી ઓછુ આવતી શાકભાજી સહિતની સ્થિતિનો માહોલ જોવા મળે છે. આથી તેની અસર શાકભાજી ઉપર જોવા મળી રહી છે. છેલ્લા 5 દિવસોમાં 1 કિલોએ શાકભાજીમાં રૂ. 20થી 40નો વધારો થયો છે. જેની સામે યાર્ડમાં 50થી 60 ટકા ઘરાકી ઘટી ગઇ છે. પરિણામે શાકભાજી બગડતા 30થી 40 ટકા માલ ફેંકી દેવાનો વારો આવે છે.
બીજી તરફ વઢવાણ યાર્ડમાં જિલ્લાના ગામડા સહિત સુરત, વડોદરા, અમદાવાદ, નવસારી, મહેસાણા સહિતના બહારના જિલ્લાઓમાંથી શાકભાજી આવે છે. યાર્ડમાં 60થી 70 જેટલા વેપારીઓ શાકભાજીનું વેચાણ કરી રહ્યા છે. ત્યારે અંદાજે રોજ 10થી 15 પીકઅપ ગાડીઓમાં એટલે કે 30થી 40 ટન જેટલું શાકભાજી લાવવામાં આવે છે. જ્યારે 15થી વધુ રિટેલ વેપારી પણ શાકભાજીનો વેપારી કરી રહ્યાં છે. ત્યારે યાર્ડમાં શાકભાજીના વેપાર મંદી જેવો ઘાટ સર્જાયો છે.