Surendaranagar,તા.18
સુરેન્દ્રનગર જિલ્લાના પાટડી પોલીસ મથકે પાટડી-જૈનાબાદ રોડ પર બ્રીજના ક્નસ્ટ્રકશન કામની સાઈટ પરથી લોખંડ અને ખારાઘોઢા કેનાલ પાસેથી વીજ કંપનીના વાયરો ચોરાયાની ફરિયાદ થઈ હતી. જેમાં લોખંડ ચોરી કરનાર બે શખ્સોને એલસીબી ટીમે દબોચી લીધા છે.
પાટણ જિલ્લાના સરસ્વતી તાલુકાના કીમ્બુવા ગામે રહેતા વિવેકભાઈ સુરેશભાઈ પટેલ આશીશ ઈન્ફ્રાકોન પ્રા. લિ.માં ક્નસ્ટ્રકશનનું કામ કરે છે.હાલ તેઓ સુરેન્દ્રનગર જિલ્લાના પાટડી-જૈનાબાદ રોડ પર આવેલ ભાવના રીસોર્ટ પાસે બ્રીજ બનાવવાનું કામ કરી રહ્યા છે. તા. 2-10ના રોજ તેમની સાઈટ પર કામ કરતા મજુરે બ્રીજના કામમાં ઉપયોગમાં લેવાના લોખંડની સરટીંગ પ્લેટ અને લોખંડના સળીયાની ચોરી થયાની જાણ કરી હતી.
આથી વિવેકભાઈએ ત્યાં જઈ તપાસ કરતા કોઈ શખ્સ લોખંડની 60 પ્લેટ કિંમત રૂ. 1.20 લાખ અને 125 કિલો લોખંડના સળીયા કિંમત રૂ. 6,250 મળી કુલ રૂ. 1,26,250ની મત્તાની ચોરી કરી લઈ ગયા હતા.
આ અંગે તેઓએ પાટડી પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા વધુ તપાસ પોલીસે હાથ ધરી હતી. આ ચોરીને અંજામ આપનાર બે આરોપી જૈનાબાદના ટાંકીપરામાં રહેતા યુસુફ ઉર્ફે શાહરૂખ ઈમામભાઈ દીવાન અને જૈનાબાદના રાવળવાસમાં રહેતા ભરત અજીતભાઈ જોગીયાનીને એલસીબી ટીમે ઝડપી પાટડી પોલીસના હવાલે કર્યા છે.
જયારે દસાડાના પ્રજાપતી વાસમાં રહેતા ગીરીશકુમાર ભીખાભાઈ પટેલ વણોદ પેટા વિભાગીય કચેરીમાં નાયબ ઈજનેર તરીકે ફરજ બજાવે છે. તેઓની પાસે દસાડા પેટા વિભાગીય કચેરીનો ચાર્જ પણ છે. માંડલ સબ સ્ટેશનમાંથી નીકળી માલણપુર અને કોચાડાની સીમમાં આવેલ 100થી વધુ ખેતરોમાં 8 કલાક થ્રી ફેઈઝ અને બાકીની કલાક 1 કલાક વીજ પુરવઠો અપાય છે.
તા. 23-9ના રોજ ખારાઘોડા બ્રાંચ કેનાલ પાસે ખેતીવાડી ફીડરનો વીજ વાયર કોઈ કાપી ચોરી કરી લઈ ગયાની જાણ તેઓને થઈ હતી. આથી તેઓએ તપાસ કરી હતી. જેમાં કોઈ શખ્સ 7.5 કિમી લંબાઈના એલ્યુમિનિયમના વાયરો કિંમત રૂ. 1,62,705ના ચોરી કરીને લઈ ગયા હતા. આ અંગે તેઓએ પાટડી પોલીસ મથકે અજાણ્યા શખ્સો સામે ફરિયાદ નોંધાવી છે. બનાવની વધુ તપાસ એચસી પી.બી.ચાવડા ચલાવી રહ્યા છે.