Rajkot તા.18
માંડાડુંગરમાંથી મોટા ગાંજાના જથ્થા સાથે બિહારી શખ્સને આજીડેમ પોલીસે ઝડપી પાડી કાર્યવાહી કરી હતી. રેલ્વે મારફતે પરપ્રાંતીય શખ્સ આપી જતો હોવાની કબૂલાત આપતા આગળની તપાસ ભક્તિનગર પોલીસે હાથ ધરી છે.
દરોડાની વિગત મુજબ, પોલીસ કમિશ્નર બ્રજેશકુમાર ઝા, એડી.સીપી મહેન્દ્ર બગડીયા, ડિસીપી હેતલ પટેલ અને એસીપી બી.વી.જાધવના માર્ગદર્શન હેઠળ આજીડેમ પોલીસ સ્ટેશન વિસ્તારમાં યુવાધન નશાના રવાળે ના ચડે તથા નાર્કોટીકસ પદાર્થોનું વેચાણ અટકાવવા “SAY NO TO DRUGS” મિશન અંતર્ગત નાર્કોટીકસ પદાર્થોનું ખરીદ-વેચાણ કે સેવન કરનારા શખ્સો વિરૂધ્ધ કડક કાર્યવાહી કરવાની આપેલ સુચનાથી આજીડેમ પોલીસ સ્ટેશનના પીઆઇ એ.બી.જાડેજાની રાહબરીમાં પીએસઆઈ જે.જી.રાણા ટીમ સાથે પેટ્રોલિંગમાં હતાં.
ત્યારે હેડ કોન્સ્ટેબલ પિયુષભાઇ ચિરોડીયા અને કોન્સ્ટેબલ ગોપાલભાઇ બોળીયાને મળેલ સંયુક્ત બાતમીના માંડાડુંગરમાં દેવકીનંદન સોસાયટી શેરી નં-6 શાળા નં-96 ની બાજુ માં રહેતાં મૂળ બિહારના વતની વકીલસિંહ રામદરસસિંહ (ઉ.વ.43) ના મકાનમાં દરોડો પાડી માદક પદાર્થ ગાંજો 12.520 કિલો ગ્રામ રૂ।.25 લાખનો મુદ્દામાલ કબ્જે કરી ગાંજાનો જથ્થો રાખનાર શખ્સની ધરપકડ કરી હતી.
વધુમાં પોલીસ સૂત્રોએ જણાવ્યું હતું કે, પકડાયેલ શખ્સ અહીં શાકભાજીનો ધંધો કરે છે અને તેને પરપ્રાંતીય શખ્સ રેલવે મારફતે ગાંજો સપ્લાય કરી જતો હોવાની કબૂલાત આપતાં આગળની તપાસ ભક્તિનગર પોલીસે હાથ ધરી છે.