Mumbai,તા.18
જ્યારે જીવનમાં અચાનક કોઇ નજીકના પરિવાર જનનું અવસાન થાય ત્યારે ઘણાં સંબંધો ઉપરતળે થઇ જાય છે. ઘણીવાર આ અવસાનનો ધક્કો એવો લાગે છે કે જીવનના અગ્રક્રમો સુદ્ધાં બદલાઇ જાય છે. તેમાં પણ લાગણીશીલ લોકો માટે આ પ્રકારનો આઘાત જીરવવો મુશ્કેલ બની રહે છે. મન્નારા ચોપડા માટે પણ તેના પિતાનું અવસાન એક મોટી ગમગીન ઘટના પુરવાર થઇ.
જુન મહિનામાં મન્નારાના પિતા એડવોકેટ રમણરાય હાંડાનું અચાનક અવસાન થતાં મન્નારા માટે આ મોટો આઘાત બની રહ્યો. મન્નારા કહે છે, હું બહું લાગણીશીલ વ્યક્તિ છું. પરિણામે મારા માટે આ આઘાત જીરવવો મુશ્કેલ બની રહ્યો. મારા મનમાં જાતજાતના સવાલો થતાં અને હું સતત વિચાર્યા જ કરતી હતી. મારી સાથે જે બન્યું તેની સાથે હું તાલમેલ બેસાડી રહી છું. ધીમે ધીમે હું કામ પર પાછી ફરી રહી છું. વિચિત્ર લાગે તેવી વાત છે પણ મને મારા પિતા સ્વપ્નમાં આવ્યા અને કહ્યું કે હવે કામ પર વળગી. જો કે, પ્રિયંકા ચોપડાની પિતરાઇ મન્નારા માટે તેના પિતાના અવસાનનો આઘાત મોટો હતો.પ્રિયંકાની પિતરાઇ મન્નારાનું અસલ નામ તો બાર્બી હાંડા છે. પણ ફિલ્મ જગતમાં તે મન્નારા તરીકે જાણીતી છે. તેમાં પણ તેની પિતરાઇઓ પ્રિયંકા, પરિણિતિ અને મીરા જાણીતી થતાં તે પણ હવે મન્નારા ચોપડા તરીકે ઓળખાવા માંડી છે.
મન્નારા કહે છે, છેલ્લા થોડા મહિનામાં થેરેપીને કારણે હું જીવન ફરી માણવા માંડી છું. મારા મિત્રો મારો સંપર્ક કરવા માંગતા હતા પણ હું એવી હાલતમાં હતી કે હું કોઇને પણ મળવા માંગતી નહોતી. થરેપીને કારણે હવે સ્થિતિ સુધારા પર છે. મને સમજાયું છે કે મારે મારા પરિવારનું ધ્યાન રાખવું જોઇએ અને ખાસ કરીને મારી માતાની કાળજી લેવી જોઇએ.
મન્નારા કહે છે, આ અનુભવને કારણે મારી લોકો ભણી જોવાની દૃષ્ટિ બદલાઇ ગઇ છે. હવે હું સંબંધોને વધારે મહત્વ આપું છું. મારા પરિવાર અને મિત્રો સાથેના સંબંધો હવે મારે માટે મહત્વપૂર્ણ બનીગયા છે.મને સમજાયું છે કે આખરે તો આ સબંધો જ આપણને જાળવી લે છે.
બીગ બોસની સિઝન ૧૭માં રનર અપ રહેલી મન્નારા હાલ દક્ષિણની ફિલ્મોમાં કામ કરી રહી છે. મન્નારા તમિલ, તેલુગુ અને કન્નડ ફિલ્મોમાં કામ કરી ચૂકી છે. તેણે હિન્દી ફિલ્મ ઝીદમાં કરણવીર શર્મા સાથે કામ કર્યું હતું. અનુભવ સિંહાની આ ફિલ્મ એકંદરે સફળ નીવડી હતી.મન્નારા ચોપડાએ તાજેતરમાં મ્યુઝિક વિડિયો સાંવરેમાં અભિષેક કુમાર સાથે દેખાઇ હતી. હાલ તે દક્ષિણમાં ફિલ્મનું શૂટિંગ કરી રહી છે.