‘તન્હા દિલ’, ‘ચાંદ સિફારિશ’, ‘ મુસુ મુસુ હાસા’, ‘હે શોના’, ‘બહતી હવા સા થા વો’, ‘બમ બમ બોલે મસ્તી મેં ડોલે’ જેવા સંખ્યાબંધ હીટ ગીતો આપનાર શાનનું લાઇવ કોન્સર્ટ ‘ફોરએવર કિશોર શાન’ પણ રંગ લાવી રહ્યું છે. મહત્વની વાત એ છે કે આ ગાયકે સંગીત ક્ષેત્રે ન આવવાનું નક્કી કર્યું હતું. પરંતુ છેવટે આ ફિલ્ડમાં જ આવી ચડયો.
શાન કહે છે કે મારા દાદા અને પિતા પણ ગીત- સંગીત ક્ષેત્રે હતા. મેં નાનપણથી તેમનો સંઘર્ષ જોયો હતો. તેથી હું હંમેશા એમ વિચારતો કે હું આવો સંઘર્ષ કરીને મારી જાતને ઘસી નહીં નાખું. પણ વિધિના લેખ જૂઓ કે આજે મારા બંને પુત્રો પણ અમારા વારસાને આગળ ધપાવી રહ્યાં છે. મારો એક પુત્ર ગાયક બની ગયો છે અને બીજો સંગીતની દુનિયા સાથે સંકળાયેલો છે. આમ અમારો પરિવાર ચાર પેઢીથી સંગીત ક્ષેત્રે કાર્યરત છે.
તાજેતરમાં ‘સૈયારા’ના ગીતને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ’ના માધ્યમથી કિશોર કુમારના સ્વરમાં રજૂ કરવામાં આવ્યું એ વાત શાનને ખટકી છે. તે કહે છે કે ઘણાં યુવાનોને તો અમે પણ લાગ્યું છે કે આ કિશોર કુમારનું ગાયેલું જૂનું ગીત છે. કેટલાક લોકોને તો આ સ્વર કિશોર કુમારના મૂળ કંઠ કરતાં પણ વધુ સારો લાગ્યો. તમે કોઇ અવાજને ઓટોટયુન કરીને બદલી શકો છો, પરંતુ મને આ વાત જોખમી કરતાં કાયદાકીય વધુ લાગે છે. જો મારો અવાજ કોઇ આ રીતે ઉપયોગમાં લે તો હું તેના પર કેસ કરી દઉં. વળી ગોતા સતે મ્યુઝિક કંપનીઓ સંકળાયેલી હોય છે તેથી એઆઇની મદદથી ગીતો બનાવો તો મુશ્કેલીમાં ફસાઇ શકો.
પ્રત્યેક વ્યક્તિના જીવનમાં ચડાવ- ઉતાર આવે તેમ શાનના વ્યાવસાયિક જીવનમાં પણ આરોહ- અવરોહ આવ્યાં છે. એક તબક્કે સુપરહીટ ગીતો આપનાર આ ગાયક કરે છે કે છેલ્લા છ- સાત વર્ષથી મારી કારકિર્દી મુશ્કેલ તબક્કામાંથી પસાર થઇ રહી છે. હું જે ગીતો રેકોર્ડ કરું એ ફિલ્મ જ અટકી પડે છે અથવા તેની સિચ્યુએશન બદલાઇ જાય છે. છેવટે મારું ગીત રેકોર્ડ કરેલું જ પડી રહે છે. તે વધુમાં કહે છે કે એક જ્યોતિષીએ મને કહ્યું હતું કે મારો ગાયકી સાથેનો સંયોગ પૂરો થઇ ગયો છે. એટલે મને હવે શોઝ કરવા જોઇએ. પરંતુ કુમાર શાનુએ આ વાત ન માનવાની સલાહ આપી. હવે હું જ્યાં જ્યાં તક મળે ત્યાં ત્યાં કામ મેળવવાના પ્રયાસો કરી રહ્યો છું. બીજું કોઇ શું વિચારે છે એ હું નથી જાણતો. પરંતુ હું માનું છું કે હાર માનીને બેસી ન રહેવું જોઇએ.શાન ‘ફોર એવર કિશોર શાન’ સાથે શી રીતે સંકળાયો તેના વિશે તે કહે છે કે મેં છેલ્લા ત્રણ- ચાર વર્ષમાં રબ્બાની અને નમિતાને ઘણાં મોટા શો કરતાં જોયા હતા. બંને મારા ગુરુ ગુલામ મુસ્તફા ખાનના દીકરો- વહુ છે. તેમણે મને આ લાઇવ કોન્સર્ટમાં જોડાવાનું કહ્યું ત્યારે મને એમ લાગ્યું કે હું કિશોર કુમારને શ્રદ્ધાંજલી આપતો યાદગાર ગુલદસ્તો રજૂ કરું. આ રીતે હું આ કોન્સર્ટ સાથે જોડાઇ ગયો. વળી મેં મારા સંગીતકાર પિતા માટે કિશોરકુમારને ગાતાં પ્રત્યક્ષ સાંભળ્યા હતા. તે પણ માત્ર ૧૨ વર્ષની ઉંમરે પરંતુ એ સ્મૃતિ પણ મને પ્રેરિત કરી ગઇ.