Mumbai,તા.18
ગુજરાતીઓ માટે નવરાત્રિ એક પવિત્ર અને શુકનવંતો તહેવાર છે. આપણાં જીવનમાં નવરાત્રિમાં કોઈ પણ કામ થાય એ અતિ શુભ હોય એવું આપણે માનીએ છીએ. આદ્ય શક્તિની પૂજા-અર્ચનાના દિવસોમાં પોતાને એક નહિ પણ ત્રણ પ્રતિષ્ઠિત ઇન્ટરનેશનલ ફેસ્ટિવલ્સમાં હાજર રહેવાનું બહુમાન મળે ત્યારે ક્યો એક્ટર આનંદવિભોર ન બને? આપણો પ્રતીક ગાંધી એ ભાગ્યશાળી એક્ટર છે. એટલે જ આ વરસની નવરાત્રિને પોતાના માટે બહુ સ્પેશ્યલ ગણાવતા પ્રતીક કહે છે, ‘મારી કરીઅરમાં એવું પહેલી વાર બન્યું છે કે મારા પ્રોજેક્ટસનું વિદેશના ૩ પ્રતિષ્ઠિત ફિલ્મ ફેસ્ટિવલ્સમાં સ્ક્રીનિંગ થાય અને એ બધામાં હું હાજર હોઉં.’
ત્રણેય ફેસ્ટિવલ્સમાં હાજરી આપી પ્રતીક નવરાત્રિ ટાંકણે મુંબઈ પાછો આવી ગયો. ગુજરાતી એક્ટરની હંસલ મેહતા દિગ્દર્શિત વેબ સીરિઝ ‘ગાંધી’નું ટોરન્ટો ઇન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલ (ટીઆઈએફએફ)માં પ્રીમિયર યોજાયું. જ્યારે મહાત્મા જ્યોતિરાવ ફુલેના જીવન પર આધારિત એની ફિલ્મ ‘ફુલે’નું ઇન્ડિયન ફિલ્મ ફેસ્ટિવલ ઓફ અલ્બર્ટા (આઈએફએફએ)માં સ્ક્રીનિંગ થયું. પ્રતીકની તિંગ્માશુ ધુલિયા દિગ્દર્શિત ‘ઘમાસાન’ શિકાગો સાઉથ એશિયન ફિલ્મ ફેસ્ટિવલ (સીએસએએએફ)માં બતાવાઈ.
વરસોની સ્ટ્રગલ બાદ મળેલી આવી સફળતાથી ખુશ-ખુશ થઈ ગયેલા પ્રતીક ગાંધીએ મીડિયા સાથે પોતાના પ્રોફેશનલ માઈલસ્ટોન્સ (સિદ્ધિઓ) અને નવરાત્રિમાં અનુભવાતા અદમ્ય ઉત્સાહ વિશે વાત કરી. સૌ પ્રથમ વેબ-સીરિઝ ‘ગાંધી’ વિશે વાત કરતા પ્રતીક કહે છે, ‘ટોરન્ટો ફિલ્મ ફેસ્ટિવલમાં હાજરી આપવી મારા માટે એક મહામુલો અનુભવ બની રહ્યો. એટલા માટે એ દુનિયાના સૌથી પ્રતિષ્ઠિત ફિલ્મોત્સવ પૈકીનો એક છે અને એના પ્રાઈમટાઈમ પ્રોગ્રામમાં જેનું પ્રીમિયર થયું હોય એવી ગાંધી પહેલી ભારતીય વેબ સીરિઝ છે. ગાંધીએ મારા કરીઅરમાં વિશેષ રોલ ભજવ્યો છે, પછી એ એક સબ્જેક્ટ હોય કે એક કેરેક્ટર હોય. ફેસ્ટિવલમાં હું વિશ્વના જાણીતા સિનેમાપ્રેમીઓ અને અભ્યાસુઓને મળ્યો, જેમણે શોને બહુ બિરદાવ્યો અને અમને પ્રીમિયરમાં સ્ટેન્ડિંગ ઓવેશન પણ મળ્યું. મારા માટે એ અલૌકિક અનુભવ હતો. એનાથી મને ઘણો કોન્ફિડન્સ મળ્યો. ફેસ્ટિવલમાં લોકો સાથેનો વાર્તાલાપ એક સમૃદ્ધ અનુભવ બની રહ્યો.’
‘સ્કેમ’ ફેમ ડિરેક્ટર હંસલ મહેતાની ગાંધી સીરિઝ ઓટીટી પર ત્રણ સીઝનમાં પ્રસારિત થશે. જાણીતા ઈતિહાસકાર રામચન્દ્ર ગુહાના પુસ્તકો પર આધારિત વેબ સીરિઝમાં મહાત્મા ગાંધીના જીવનના ૧૮૮૮થી ૧૯૪૮ સુધીના ગાળાને આવરી લેવાયો છે. સીરિઝમાં સંગીત એ આર. રહેમાને આપ્યું છે. શોમાં પ્રતીકની અભિનેત્રી પત્ની ભામિની ઓઝા ગાંધી કસ્તુરબાના રોલમાં છે.
જ્યારે ગાંધીએ તિંગ્માશુ ધુલિયાની એક્શન પેકડ થ્રિલર મૂવી ‘ઘમાસાન’માં આઈપીએસ ઓફિસરની ભૂમિકા ભજવી છે. ફિલ્મમાં એક પ્રામાણિક પોલીસ ઓફિસરનો ભ્રષ્ટાચાર અને એક ખતરનાક ડાકુ સામેનો સંઘર્ષ દર્શાવાયો છે. અર્શદ વારસી ફિલ્મ ડાકુ મહારાજના રોલમાં છે.પ્રતીક અને ભામિનીએ ૨૦૦૮માં લગ્ન કર્યા બાદ મુંબઈમાં સંસાર માંડયો હતો. છેલ્લા ૧૭ વરસથી મુંબઈમાં રહેતો એક્ટર હજુ પોતાના વતન સુરતની નવરાત્રિ ભૂલ્યો નથી.
એના સંસ્મરણો વાગોળતા એણે કહેલું કે, ‘સુરતમાં મારુ ૨૫ મિત્રોનું એક ગ્રુપ હતું અને અમે નવરાત્રિમાં રોજ જુદા જુદા સ્થળે ગરબા રમવા જતા. રાતના બે વાગ્યા સુધી રાસ-ગરબાની રમઝટ જામે. મને ત્યારે ગરબાના નવા નવા સ્ટેપ્સ શીખવામાં મજા પડતી. મારા સુરતમાં શેરી ગરબામાં ઘુમવાની મજા કાંઈક ઓર હતી. હું એને બહુ મિસ કરું છું. બાળપણની એ મીઠી યાદો મારા દિલમાં સંઘરાયેલી છે.’પોતાને આ તહેવાર શા માટે વધુ ગમે છે એ વિશે ખુલાસો કરતા વર્સેટાઈલ એક્ટર કહે છે, ‘સર, તમે નવરાત્રિમાં જ્યાં જાવ ત્યાં પોઝિટીવ એનર્જી અનુભવો અને એ મને બહુ પસંદ છે. એ નવ દિવસો દરમ્યાન તમને બધુ જ વાયબ્રન્ટ લાગે. મારી દીકરી મિરાયાને પણ ગરબા રમવામાં મજા પડે છે. છેલ્લે હું લગભગ ૩ વરસ પહેલાં પાર્થિવ ગોહિલ અને ભૂમિ ત્રિવેદીના પ્રોગ્રામ્સમાં મનભરીને ગરબા રમ્યો હોવાનું મને યાદ છે. ગરબાનો પુરો આનંદ લેવો હોય તો તમારી સાથે ફ્રેન્ડસનું ગ્રુપ હોવું જરૂરી છે. ગરબે ઘુમતી વખતે મને કુર્તા-પાયજામા કે લુઝ ધોતી જેવા કમ્ફર્ટેબલ કપડાં પહેરવા ગમે છે. જોકે આ વરસે મુંબઈમાં વરસાદે નવરાત્રિની મજા થોડી બગાડી. હું શુટિંગમાં બિઝી હતો એટલે બહુ થોડી ગરબા ઈવેન્ટ્સમાં જઈ શક્યો.’