Mumbai,તા.18
કોરોના કાળમાં આવેલી ફિલ્મ ‘કાંતારા’એ સર્વત્ર ધૂમ મચાવતાં આ સિનેમાના સર્જકોએ તાજેતરમાં ‘કાંતારા ચેપ્ટર-૧’ રજૂ કરી. આ મૂવીમાં નવી એન્ટ્રી લેનાર અભિનેત્રી રુક્મિણીને પણ દર્શકો ખાસ્સી પસંદ કરી રહ્યાં છે. જોકે રુક્મિણી દક્ષિણ ભારતીય ફિલ્મોનો જાણીતો ચહેરો છે. આમ છતાં ‘કાંતારા’ની અપ્રતિમ સફળતાને જોતાં તે ‘કાંતારા ચેપ્ટર-૧’માં કામ કરતી વખતે થોડી ગભરાઈ હતી.
અભિનેત્રી કહે છે કે આ ફિલ્મમાં હું નવી હતી. કલાકાર તરીકે બોક્સસ ઓફિસની સફળતાનું ભારણ-દબાણ મારા શિરે ભલે ન હોય, પણ મારી ભૂમિકા બાબતે હું અત્યંત સજાગ હતી. પ્રારંભિક તબક્કે મને સતત એમ લાગ્યા કરતું કે જો કોઈ ગડબડ થશે તો તેને માટે મને તો જવાબદાર ગણવામાં નહીં આવે ને? પરંતુ મને અમારા હીરો-દિગ્દર્શક ઋષભ શેટ્ટી સહિત સમગ્ર ટીમનો પૂરેપૂરો સહયોગ મળ્યો. વળી તેમણે આ ફિલ્મ બનાવતી વખતે ‘કાંતારા’ની સફળતાને ધ્યાનમાં રાખવાને બદલે તે કોઈ અલગ જ સિનેમા હોય એ રીતે બનાવી તેથી મારું ટેન્શન ઘણાં અંશે ઓછું થઈ ગયું હતું.
અદાકારા માનસિક રીતે ભલે હળવી થઈ ગઈ હતી, પરંતુ શારીરિક રીતે તેને ઘણી આપદાનો સામનો કરવો પડયો હતો. રુક્મિણી આ બાબતે કહે છે કે તેમાં મારી ભૂમિકા યોધ્ધાની હોવાથી મારા ભાગે પુષ્કળ એક્શન સીન આવ્યાં હતાં જેને કારણે મને સંખ્યાબંધ વખત નાની-મોટી ઈજાઓ થઈ હતી. એક એક્શન દ્રશ્ય દરમિયાન મારો આખો નખ જ ઉખડી ગયો હતો તેની પીડા ભયંકર હતી. પરંતુ હું ‘શો મસ્ટ ગો ઓન’ને વળગી રહી.
અત્રે ઉલ્લેખનીય છે કે રુક્મિણના પિતા વર્ષ ૨૦૦૭ના ભારત-પાકના ઉરી એટેકમાં શહિદ થયાં હતાં. અને તેમને ‘અશોક ચક્ર’થી નવાજવામાં આવ્યાં હતાં. અદાકારા એ સમય સંભારતા કહે છે કે મારા પિતાને તેમની શહાદત બદલ જે માનસન્માન મળ્યું તે અમારા માટે ગર્વની વાત હતી. પરંતુ પુરીઓ તરીકે મેં અને મારી બહેને જે ગુમાવ્યું હતું તે ક્યારેય પરત નહોતું મળવાનું. મારા પિતા બટાલિયનના કમાંડિગ ઓફિસર હતાં. આટલી સીનિયર પોસ્ટ પર રહેલાં કર્નલ સ્વયં ટેરર એટેકમાં જંગના મેદાનમાં ન ઉતરે. પરંતુ મારા પિતાએ તેમાં ઝંપલાવ્યું અને શાહિદી વહોરી. તેમની શહાદતની સર્વત્ર પ્રશંસા થઈ અને અનેક લોકો અમારી મદદે આવ્યાં. પરંતુ મારી મમ્મીએ એ સઘળી મદદ જેમને સહાય નહોતી મળી તેમને આપી દીધી. એટલું જ નહીં, પતિના નિધનના દુઃખને શસ્ત્રી બનાવીને તેણે યુધ્ધમાં શહિદી વહોરનારાઓની પત્નીઓ માટે ‘વીર રત્ન’ નામની સ્વયંસેવી સંસ્થાની સ્થાપના કરી.
અહીં એ વાતની નોંધ પણ લેવી રહી કે રુક્મિણીની માતા માત્ર સમાજસેવિકા નથી. તે ભારત નાટયમની શિક્ષિકા પણ છે. રુક્મિણી કહે છે કે મેં મારી મમ્મી પાસેથી જ આ શાસ્ત્રીય નૃત્યની તાલીમ લીધી છે. જોકે મને બેલે ડાન્સમાં વધુ રસ હતો. આમ છતાં તેમણે મને માત્ર શાસ્ત્રીય નૃત્ય શીખવાનો આગ્રહ ક્યારેય નહોતો કર્યો. તેણે મને બેલે ડાન્સ શીખવામાં પણ પૂરેપૂરો સહકાર આપ્યો. મારી પશ્ચાદ્ભૂ જોતાં મારા માટે અભિનય ક્ષેત્રે આવવું સહેલું નહોતું. પરંતુ મમ્મી તેમાં પણ મારી સાથે રહી. તે મારી સાથે દરેક ઓડિશનમાં આવતી. તે મારી તમન્ના પૂરી કરવા સાથે નાની બહેનને, ઘરને અને પોતાની સંસ્થાને પણ સંભાળતદી. તેમના સહયોગ અને પ્રોત્સાહન વિના હું ક્યારેય અહીં સુધી ન આવી શકત.