Mumbai,તા.18
ભારતીય ક્રિકેટ ટીમના ફાસ્ટ બોલર મોહમ્મદ શમીએ ફિટનેસના મુદ્દે મુખ્ય પસંદગીકાર અજિત અગરકરની ટિપ્પણીઓનો જડબાતોડ જવાબ આપ્યો છે. બંગાળ અને ઉત્તરાખંડ વચ્ચે કોલકાતાના ઈડન ગાર્ડન્સ ખાતે રમાયેલી રણજી ટ્રોફી 2025-26ની એલિટ ગ્રુપ સી મેચમાં શમીએ બંગાળ માટે શાનદાર પ્રદર્શન કર્યું હતું અને કુલ સાત વિકેટ ઝડપી હતી.
શમીએ ઉત્તરાખંડ સામેની મેચમાં બંને ઇનિંગ્સમાં પ્રભાવશાળી બોલિંગ કરી હતી. તેણે પહેલી ઇનિંગ્સમાં 37 રન આપીને 3 વિકેટ ઝડપી, જ્યારે બીજી ઈનિંગ્સમાં 38 રન આપીને 4 વિકેટ. આ પ્રદર્શનથી શમીએ સાબિત કરી દીધું છે કે તે સંપૂર્ણપણે ફિટ છે અને લાંબા ફોર્મેટ માટે પણ તૈયાર છે.
મોહમ્મદ શમી છેલ્લે ભારત માટે ICC ચેમ્પિયન્સ ટ્રોફી 2025માં રમ્યો હતો. ત્યારથી તે ઈંગ્લેન્ડ પ્રવાસ, એશિયા કપ અને વેસ્ટ ઇન્ડિઝ સામેની ટેસ્ટ સીરિઝ ચૂકી ગયો છે. ઉપરાંત, તે ઓસ્ટ્રેલિયા પ્રવાસ માટેની ટીમનો પણ ભાગ નથી. મુખ્ય પસંદગીકાર અજિત અગરકરે એક ઇન્ટરવ્યુમાં કહ્યું હતું કે, ‘જો શમી ફિટ હોત તો તે ચોક્કસપણે ઓસ્ટ્રેલિયા પ્રવાસનો ભાગ હોત.’
ઓસ્ટ્રેલિયા પ્રવાસમાંથી બહાર રહેવા બદલ નિરાશા વ્યક્ત કરતાં શમીએ અજિત અગરકર પર કટાક્ષ કર્યો હતો. તેમણે કહ્યું, ‘પસંદગી મારા હાથમાં નથી. જો મને કોઈ ફિટનેસ સમસ્યા હોય, તો મારે બંગાળ માટે ન રમવું જોઈએ. જો હું ચાર દિવસીય ક્રિકેટ રમી શકું છું, તો હું 50 ઓવરની ક્રિકેટ પણ રમી શકું છું. મારે વધુ કંઈ કહેવાની જરૂર નથી અને હું કોઈ વિવાદ ઊભો કરવા માંગતો નથી.’અગાઉ અજિત અગરકરે કહ્યું હતું કે, ‘ટેસ્ટ ટીમમાં સ્થાન મેળવવા માટે શમીને કેટલીક રેડ-બોલ મેચ રમવાની જરૂર પડશે.’ શમી છેલ્લે જૂન 2023માં ભારત માટે ટેસ્ટ મેચ રમ્યો હતો. જોકે, ઈજામાંથી સ્વસ્થ થયા પછી તેણે માત્ર નવ આંતરરાષ્ટ્રીય મેચ રમી છે. રણજી ટ્રોફીમાં શમીનું આ પ્રદર્શન ટેસ્ટ ક્રિકેટમાં તેના પુનરાગમન માટે મજબૂત દાવેદારી રજૂ કરે છે.