ફિલ્મોની બોક્સ ઓફિસ ઓક્યુપેન્સી માંડ ૧૨થી ૧૫ ટકા રહી હતી. ટ્રેડ વર્તુળોમાં મન્ડે ટેસ્ટ બહુ મહત્વનો ગણાય છે
Mumbai, તા.૨૦
ગયા શુક્રવારે રજૂ થયેલી યામી ગૌતમની હોરર કોમેડી ‘નઈ નવેલી’ અને Rajkummar Raoની ‘પ્રહારઃ ધ ઉજ્જવલ નિકમ સ્ટોરી’ બંને બોક્સ ઓફિસ પર ટકરાઈ હતી અને બંને ફિલ્મો ફલોપ ગઈ છે. આશરે ૩૦ કરોડનાં બજેટમાં બનેલી બંને ફિલ્મોમાંથી ‘નઈ નવેલી’ ચાર દિવસમાં માંડ ૧૫ કરોડ કમાઈ છે જ્યારે ‘ પ્રહાર’ની કમાણી ફક્ત ૧૨ કરોડ થઈ છે.
આમ, બોક્સ ઓફિસ પર કમાણી કરવાના મામલે ‘નઇ નવેલી’એ ‘પ્રહાર’ પર સારી એવી સરસાઇ મેળવી છે.સોમવારે આ બંને ફિલ્મોની બોક્સ ઓફિસ ઓક્યુપેન્સી માંડ ૧૨થી ૧૫ ટકા રહી હતી. ટ્રેડ વર્તુળોમાં મન્ડે ટેસ્ટ બહુ મહત્વનો ગણાય છે. વીક એન્ડમાં સારી કમાણી મેળવનારી ફિલ્મ સોમવારે પણ બોક્સ ઓફિસ પર ટકી જાય તો તે આગળ સારી ચાલશે તેમ મનાય છે. જોકે, આ બંને ફિલ્મો મન્ડે ટેસ્ટમાં નાપાસ થઈ ગઈ છે. ટ્રેડ વર્તુળોના જણાવ્યા અનુસાર રજનીકાન્તની ‘જેલર ટુ’નું હિન્દીમાં યોગ્ય રીતે માર્કેટિંગ કરાયું ન હતું. આ ફિલ્મ ધીમે ધીમે હિન્દી દર્શકોમાં લોકપ્રિય બની રહી છે. જો આ ફિલ્મને હિન્દી માર્કેટમાં આક્રમક રીતે રજૂ કરવામાં આવી હોત તો ‘નઈ નવેલી’ અને ‘ પ્રહાર’ બંનેની હાલત વધુ કફોડી થવાનું નક્કી હતું.

