માત્ર ૧૯ વર્ષના યુવકે ૭ વ્યક્તિઓના જીવનમાં દિવાળીના પાવન પર્વમાં પ્રકાશ પાથર્યો
Junagadh,તા. 19
માંગરોળ તાલુકાના મુક્તુપુર ગામના ૧૯ વર્ષીય યુવક ભાર્ગવભાઈ રમેશભાઇ ધરસેંડાને ગત નવરાત્રીમાં વાહન અકસ્માત દરમિયાન ગંભીર ઇજાઓ થઈ હતી. જેમને પ્રાઇવેટ હોસ્પિટલમા ખૂબ લાંબા સમય સારવાર આપ્યા બાદ જૂનાગઢની હોસ્પિટલ ખાતે ગત તા. ૧૭/૧૦/૨૦૨૫ ના રોજ બ્રેઇન ડેડ અવસ્થામાં શિફ્ટ કરેલા હતા.
મુક્તુપુર ગામના ધરસેંડા પરિવારના ભાવિ આધાર સમા ભાર્ગવભાઈની આવી નાજુક ઘડીએ તેમના પરિવાર ઉપર દુઃખનો પહાડ તૂટી પડયો હતો, ત્યારે કોળી સમાજના અગ્રણીઓ, આપ્તજનોએ ભાર્ગવભાઈના પરિવારને સાંત્વના પાઠવી, દીકરાના અંગોના અમૂલ્ય દાન કરીએ તો અનેકની ઝીંદગી બચી જાય, અનેકને નવું જીવન મળશે, તેવું સમજાવતા મુક્તુપુર ગામના ધરસેંડા પરિવારે કઠણ હૃદયે એક મહાન નિર્ણય લેવાનું નક્કી કર્યું. અને ભાર્ગવભાઈના મૃત્યુ પછી તેમના અંગ દાન થકી કોઈ બીજાને નવું જીવન મળે અને અન્યના પરિવારમાં દિવાળીના પર્વ નિમિતે પ્રકાશ પાથરાય તે માટે ભાર્ગવના અંગોનું દાન કરવાનું નક્કી કર્યું
મુક્તુપુર ગામના ધરસેંડા પરિવારના આ દાખલારૂપ, અનુકરણીય નિર્ણય સાથે જ જુનાગઢ સિવિલ હોસ્પિટલ ખાતે રાજ્ય સરકારની ગાઇડલાઇન્સ અનુસાર સેકન્ડ ઓપિનિયન ટેસ્ટ કરવામાં આવ્યો, જે પોઝિટિવ આવતા ભાર્ગવભાઈના પરિવારજનોએ તેમના અંગોનું દાન કરવાની સંમતિ આપી હતી. અને ગઈકાલે ધનતેરસના દિવસે રાજ્ય સરકારની ગાઇડ લાઇન્સ અનુસાર તેઓના લીવર, બંને કિડની, હાર્ટ તથા બંને કોર્નિયા એટલે કે આંખની કીકીનું દાન કરવામાં આવ્યું હતું. અને સીમ્સ હોસ્પિટલ, અમદાવાદ તથા ઝાયડસ હોસ્પિટલ, અમદાવાદના ડોક્ટરો દ્વારા અંગોને અમદાવાદ ખાતે લઈ જવામાં આવ્યા હતા. અને ભાર્ગવભાઈના દાન કરવામાં આવેલા અંગો થકી અંદાજિત સાતેક વ્યક્તિઓને હવે નવું જીવન મળશે.
ભાર્ગવભાઈના અંગોને સમયસર અમદાવાદ ખાતે પહોંચાડવા જૂનાગઢ જિલ્લા વહીવટી તંત્રના અધિકારીઓ, જિલ્લા પોલીસ વડા સુબોધ ઓડેદરા તથા પોલીસ સ્ટાફ દ્વારા ગ્રીન કોરિડોર બનાવવા વ્યવસ્થા કરી હતી. અને સુખરૂપ અંગો અમદાવાદ ખાતે પહોંચતા કરવામાં આવ્યા હતા.
આ સદકાર્યને સફળ બનાવવા સિવિલ હોસ્પિટલના સુપ્રિટેન્ડેન્ટ ડો. કૃતાર્થ બ્રહ્મભટ્ટ, ડો.દિગંત સિકોતરા, ડો.કન્વી વાણિયા, ડો.કુબાવત, ડો.અલ્પેશ વૈષ્ણાણી, ડો.ઝીલ બાલસ, હેમલતાબેન પટેલ, જાહિદભાઈ કોયડા, સુમિતભાઇ વડસરિયા, કુ. ખ્યાતિબેન ટીંબા, ઋષિરાજભાઈ ડાંગરની સાથે લેબ સ્ટાફ, આઈ.સી.યુ; ઓ.ટી; અને ટેક્નીકલ ટીમ, વર્ગ ૪ નો સ્ટાફ, સિક્યુરિટી સ્ટાફ તથા સિવિલ હોસ્પિટલ જૂનાગઢના પરિવારના તમામ કર્મચારીઓએ જહેમત ઉઠાવી હતી.
ભાર્ગવભાઈના પરિવારજનોના આ ઉમદા નિર્ણય બદલ જુનાગઢની સિવિલ હોસ્પિટલના સુપ્રિટેન્ડેન્ટ ડો. કૃતાર્થ બ્રહ્મભટ્ટ દ્વારા હોસ્પિટલ પરિવાર વતી ધરસેંડા પરિવારનો હૃદય પૂર્વક આભાર વ્યક્ત કરાયો હતો, તે સાથે મહત્તમ લોકો અંગદાન કરે અને અંગદાન વિશે વધુને વધુ જાગૃતિ આવે તેવા પ્રયત્નો કરવા બદલ જુનાગઢની તમામ જાહેર જનતાને જિલ્લા વહીવટી તંત્ર દ્વારા અનુરોધ કરવામાં આવ્યો હતો.