New Delhi,તા.૨૦
Russiaએ ફરી એકવાર યુક્રેનના ઉર્જા માળખા પર ભીષણ મિસાઈલ અને ડ્રોન હુમલા કર્યા છે, જેના કારણે યુક્રેનના અડધા દેશમાં વીજળી ગુલ થઈ ગઈ છે. યુક્રેનના ઉર્જા મંત્રાલય અનુસાર, રશિયન સેનાએ રાત અને વહેલી સવારે દેશના વિવિધ વિસ્તારોમાં પાવર ગ્રીડ અને ઉર્જા મથકોને નિશાન બનાવીને મોટો હુમલો કર્યો હતો.
આ તાજા હુમલાને પગલે લાખો લોકો અંધારપટમાં જીવવા મજબૂર બન્યા છે અને વીજ પુરવઠો સંપૂર્ણપણે ખોરવાઈ ગયો છે. યુક્રેનની સરકારી વીજ કંપની ઉક્રેનર્ગોના જણાવ્યા અનુસાર, ૨૦ ઓક્ટોબરની સવારે દેશના ૧૨ મોટા પ્રદેશોમાં ભારે પાવર કટ થયો છે. જેમાં કિરોવોહરાદ, ઝિતોમિર, લવીવ, ઓડેસા, રિવ્ને, ટેરનોપિલ, ખમેલનિત્સ્કી, ઝાપોરિજ્જિયા, દોનેત્સ્ક, ખારકીવ, સૂમી અને ચેર્નિહાઈવ સામેલ છે. કીવ ઈન્ડિપેન્ડન્ટના અહેવાલ મુજબ, પાવર સ્ટેશનો પર થયેલા આ ભીષણ હુમલાના લીધે અડધા યુક્રેનમાં અંધારપટ છવાઈ ગયો છે. પાવર ગ્રીડ પરનું ભારણ ઘટાડવા માટે હવે સમગ્ર દેશમાં ઉદ્યોગોને અપાતી વીજળી પર કાપ મુકાશે અને કેટલાક વિસ્તારોમાં દર કલાકે વીજકાપનું શિડ્યુલ લાગુ કરવામાં આવશે.
યુક્રેનના ઉર્જા મંત્રાલયના પ્રથમ નાયબ મંત્રી આર્ટેમ નેક્રાસોવે આરોપ મૂક્યો છે કે રશિયા આયોજનબદ્ધ રીતે અને જાણીજોઈને યુક્રેનના પાવર સેક્ટરને નુકસાન પહોંચાડી રહ્યું છે. ૨૦૨૨માં યુદ્ધ શરૂ થયા બાદ યુક્રેન હવે પાંચમી કડકડતી શિયાળાની ઋતુ તરફ આગળ વધી રહ્યું છે. શિયાળાના દિવસોમાં હીટિંગ અને વીજળી વગર રહેવું સામાન્ય નાગરિકો માટે અત્યંત મુશ્કેલ બની જાય છે, અને રશિયા બરાબર આ જ સમયે પોતાના હુમલા તેજ કરી રહ્યું છે.
આ પહેલા યુક્રેનના રાષ્ટ્રપ્રમુખ વોલોદિમિર ઝેલેન્સકીએ દાવો કર્યો હતો કે, રશિયાએ મિસાઈલ અને ડ્રોન દ્વારા દેશના ૨૮ વીજ સબ-સ્ટેશનો તથા અગત્યના ઉર્જા ઠેકાણાઓને નિશાન બનાવ્યા હતા. આ ભયાનક હુમલામાં ૧૬ બેલિસ્ટિક મિસાઈલો અને ૨૦૦થી વધુ ઘાતક ડ્રોનનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. આ હુમલાઓનું મુખ્ય કેન્દ્ર કીવ અને તેની આસપાસનો વિસ્તાર રહ્યો હતો, જેનાથી મોટા પાયે નુકસાન થયું છે.

