Saudi Arabia,તા.૨૦
Saudi Arabiaના પવિત્ર શહેર મક્કાની એક મસ્જિદમાં કથિત રીતે ’અનૈતિક અથવા અશ્લીલ કૃત્ય’ કરવા બદલ ૧૪ ઓક્ટોબર ૨૦૨૬ના રોજ બે બાંગ્લાદેશી નાગરિકોને ફાંસી આપવામાં આવી છે. આ ઘટનાને કારણે બાંગ્લાદેશ અને સાઉદી અરેબિયા વચ્ચે રાજદ્વારી વિવાદ સર્જાયો છે. સાઉદી અરેબિયાના ગૃહ મંત્રાલયના જણાવ્યા અનુસાર, આ બંને નાગરિકો બાંગ્લાદેશના હતા, જેમની ઓળખ નઝરુલ ઇસ્લામ અબ્દુલ બશીર (પુરુષ) અને સિતી અખ્તર (મહિલા) તરીકે થઈ છે.
સાઉદી અરબની સરકારી સમાચાર એજન્સી ’સાઉદી પ્રેસ એજન્સી’એ જણાવ્યું કે, નઝરુલ ઇસ્લામ અબ્દુલ બશીર અને સીતી અખ્તરે મક્કાની એક મસ્જિદમાં ’અશ્લીલ કૃત્ય’ કર્યું હતું. સાઉદી સત્તાવાળાઓએ સુરક્ષાના આધારે ગુનાની ચોક્કસ વિગતો કે મસ્જિદનું નામ જાહેર કર્યું નથી. બાંગ્લાદેશ સરકારે રવિવારે કહ્યું કે, તેમને સજા આપતા પહેલા આ અંગેની જાણકારી આપવામાં આવી નહોતી. તેમને આ અંગે ફાંસી આપ્યા બાદ ખબર પડી.
ધ ડેલી સ્ટારના રિપોર્ટના મુજબ, સાઉદી અરબમાં બાંગ્લાદેશના દૂતાવાસે જેલમાં બંધ બાંગ્લાદેશી નાગરિકોની યાદી માંગી હતી. સાઉદી સરકારે જે યાદી મોકલી, તેમાં આ બંનેના નામ પણ સામેલ હતા. જોકે, યાદીમાં એ માહિતી આપવામાં આવી નહોતી કે બંનેને મોતની સજા સંભળાવવામાં આવી છે. બાંગ્લાદેશના વિદેશ રાજ્ય મંત્રી શમા ઓબૈદ ઈસ્લામે કહ્યું કે, તેમની સરકારે આ મામલે વધારે માહિતી મેળવવા માટે સાઉદી સરકાર સાથે સંપર્ક કર્યો છે. સાઉદી સરકાર પાસેથી જવાબ મળ્યા બાદ જ બાંગ્લાદેશ નક્કી કરશે કે આગળ શું પગલા ભરવામાં આવશે.
શમા ઓબૈદ ઈસ્લામે કહ્યું કે, સાઉદી અરબમાં જે બે લોકોને મોતની સજા આપવામાં આવી છે, તેમને ૨૦૨૩માં કસ્ટડીમાં લેવામાં આવ્યા હતા. મૃતકની માતા રહીમા બેગમે જણાવ્યું કે, તેમના દીકરાએ ગત રવિવારે જ સાઉદી અરબની જેલમાંથી પરિવાર સાથે વાત કરી હતી. ત્યારે અમને એવો કોઈ સંકેત મળ્યો નહોતો કે તેમને મોતની સજા સંભળાવામાં આવી શકે છે.
તેમણે રડતાં-રડતાં જણાવ્યું કે, અમને ખબર હતી કે તે જેલમાં છે, પરંતુ આવું થશે, આ વાત દીકરાએ પણ અમને જણાવી નહોતી. બુધવારે સાંજે અમને આ અંગેની જાણકારી મળી. આ દુઃખદ સમાચાર સાંભળતાં જ નઝરુલ ઇસ્લામ અબ્દુલ બશીરની ફઈને સ્ટ્રોક આવ્યો અને તેમનું મોત થઈ ગયું. તેમણે પોતાના દીકરાના મૃતદેહને જલ્દી બાંગ્લાદેશ લાવવાની અને આ મામલે ન્યાયની માંગ કરી છે.
તેમણે કહ્યું કે, તેમના દીકરાએ મદરાસામાં અભ્યાસ કર્યો હતો. જે બાદ તે એક એજન્ટ દ્વારા ૧૦ નવેમ્બર ૨૦૨૨ના રોજ સાઉદી ગયો હતો. બે ભાઈઓ અને બે બહેનોમાંથી સૌથી મોટો નઝરુલ રિયાદમાં સફાઈ કર્મચારી તરીકે કામ કરતો હતો. એવું કહેવામાં આવી રહ્યું છે કે, જે મસ્જિદમાં તેના પર આરોપ લાગ્યો હતો, તે મસ્જિદમાં તે સફાઈ કર્મચારી તરીકે કામ કરતો હતો.
મૃતકની માતા રહીમા બેગમે જણાવ્યું કે, “સાઉદી ગયાના ૬ મહિના બાદ જ તેને જેલમાં નાખી દેવામાં આવ્યો હતો. જેલમાં ગયાના એક મહિના બાદ મારા દીકરાએ અમારી સાથે સંપર્ક કર્યો હતો. તે સમયે તેણે કહ્યું હતું કે, મને એવું લાગે છે કે થોડા દિવસ જેલમાં રાખીને અમને છોડી દેશે. ગયા રવિવારે પણ અમારી વાત થઈ હતી અને બુધવારે આ દુઃખદ સમાચાર મળ્યા.”
સાઉદી અરેબિયાના આંતરિક મામલાના મંત્રાલયના નિવેદન અનુસાર, મૃત્યુની આ સજા તાઝીર અંતર્ગત અપાઈ છે. જોકે, સાઉદી અધિકારીઓએ જાહેરમાં આવી કોઈ વિશિષ્ટ કાયદાકીય જોગવાઈનો ઉલ્લેખ નથી કર્યો, જેની અંતર્ગત આ સજા કરાઈ. ઍમનેસ્ટી ઇન્ટરનૅશનલ અનુસાર, સાઉદી અરેબિયાની કોર્ટો શરિયા કાયદાના સિદ્ધાંતો અને ન્યાયાધીશોના વિવેકાધિકાર આધારે નિર્ણયો સંભળાવે છે.શરિયા કાયદો ઇસ્લામના ધાર્મિક સિદ્ધાંતો પર આધારિત છે, જેમાં કુરાન અને સુન્નતની મહત્ત્વપૂર્ણ ભૂમિકા છે. તાઝીરનો અર્થ એ વિચારાધીન દંડથી છે, જે કોઈ જજ તરફથી એવા અપરાધો માટે અપાય છે, જેમના માટે ઇસ્લામિક કાયદામાં કોઈ નિશ્ચિત સજા નક્કી નથી. ઍમનેસ્ટી ઇન્ટરનૅશનલ અનુસાર, ’તાઝીર’ કોઈ એક કાયદો નહીં, પણ ઇસ્લામિક કાયદામાં દડની એક શ્રેણી છે.

