New Delhi, તા.૨૦
શંઘાઇ સહયોગ સંગઠનની ’કાઉન્સિલ ઓફ હેડ્સ ઓફ ગવર્મેન્ટ’ની બેઠકમાં સંરક્ષણમંત્રી Rajnath Singh પાકિસ્તાનના ડેપ્યુટી પ્રાઇમ મિનિસ્ટર ઇશાક ડારની હાજરીમાં આતંકવાદ સામે ભારતનું કડક વલણ સ્પષ્ટ કર્યું હતું. દુશાન્બેમાં યોજાયેલી આ બેઠકને સંબોધિત કરતા તેમણે જણાવ્યું હતું કે આજની દુનિયામાં આતંકવાદ શાંતિ અને વિકાસ માટે સૌથી ગંભીર જોખમોમાનો એક છે. તેમણે ભારપૂર્વક કહ્યું કે આતંકવાદના કારણે માત્ર નિર્દોષ લોકોના જીવ જ નથી જતા, પરંતુ વેપાર, રોકાણ અને યુવાનોનું ભવિષ્ય પણ પ્રભાવિત થાય છે.
સંરક્ષણમંત્રી Rajnath Singh સ્પષ્ટ શબ્દોમાં કહ્યું કે, ’આતંકવાદને કોઈપણ પ્રકારે યોગ્ય ઠેરવી શકાય નહીં અને આ બાબતે કોઈ બેવડા ધોરણો ન હોવા જોઈએ. આતંકવાદીઓને નાણાકીય સહાય પૂરી પાડનારા, તેમને સમર્થન આપનારા અથવા આશ્રય આપનારાઓ સામે કડક અને સામૂહિક કાર્યવાહી કરવા કરવી જોઈએ. આતંકવાદની સમગ્ર ઇકોસિસ્ટમને જડમૂળથી અને મજબૂતાઈથી ખતમ કરવું અનિવાર્ય છે.’
આ અગાઉ ૧૫ ઓક્ટોબરના રોજ સરહદ પારના આતંકવાદ અંગે ભારતનું વલણ સ્પષ્ટ કરતા રાજનાથ સિંહે ચેતવણી આપી હતી કે પાકિસ્તાન તરફથી ભવિષ્યમાં કોઈ પણ આતંકી હરકત થશે તો તેનો ખૂબ જ કડક જવાબ આપવામાં આવશે. ભારતની સંસ્કૃતિ વાતચીત અને શાંતિપૂર્ણ સહ-અસ્તિત્વમાં માને છે, પરંતુ શાંતિ માટેની આપણી પ્રતિબદ્ધતાને ક્યારેય આપણી કમજોરી ન સમજવી જોઈએ.દુશાન્બે ખાતે યોજાયેલી આ એસસીઓ બેઠક દરમિયાન રાજનાથ સિંહે તાજિકિસ્તાનના વડાપ્રધાન કોહિર રસૂલઝોદા અને ઈરાનના ઉપરાષ્ટ્રપતિ મોહમ્મદ રઝા આરિફ સાથે પણ દ્વિપક્ષીય મુલાકાત કરી હતી. સોશિયલ મીડિયા પર માહિતી આપતા તેમણે તાજિકિસ્તાન સાથેના લાંબા સમયથી ચાલતા સાંસ્કૃતિક સંબંધો અને ગાઢ લોક-સંપર્ક પર ભાર મૂક્યો હતો, તેમજ ઈરાનના નેતા સાથેની મુલાકાતને પણ સંતોષકારક ગણાવી હતી.

